અનેક લોકોને રસી લીધા સિવાય પાછા ફરવું પડયું

વડોદરા : વેક્સિનના મહાઅભિયાનની જાહેરાતની સાથે રસીનો મર્યાદિત સ્ટોક મળતો હોવાથી ઠેકઠેકાણે કોરોના વેક્સિન માટે કકળાટના દૃશ્યો સર્જાયા હતા. વડોદરામાં કોર્પોરેશન દ્વારા વેક્સિન અભિયાનના ભાગરૂપે ઓનલાઇન અને ઓફલાઇન વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ વેક્સિન સેન્ટર ઉપર મેનેજમેન્ટ નહીં હોવાથી ઠેકઠેકાણે લોકો અને હેલ્થ વર્કરો વચ્ચે ચકમક ઝરી રહી છે. આજે શહેરમાં ૮૦૦૦ લોકોને કોવિશિલ્ડ અને ૫૨૯૫ને કોવેક્સિન મળીને ૧૩,૨૯૫ લોકોને રસી અપાઈ હતી.

આજે ગાજરાવાડી, જમનાબાઈ હોસ્પિટલ સહિત કેટલાક સેન્ટરો પર વેક્સિન મુકવા ગયેલા લોકો કલાક ઊભા રહ્યા બાદ સ્ટોક નથી તેમ કહીને પરત જવાની ફરજ પડી હતી. તો કેટલાક સેન્ટરો પર રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ વેક્સિન લેનારાઓને બીજા સેન્ટર પર મોકલવામાં આવ્યા હતા. જેના કારણે તેઓને ધક્કા ખાવા પડ્યા હતા.

જે લોકો રજા મૂકીને વેક્સિન લેવા માટે આવ્યા હતા, તે લોકોમાં ભારે નારાજગી જાેવા મળી હતી. દરમિયાન આજે કોર્પોરેશનને ફાળવવામાં આવેલા કોવિશિલ્ડના ડોઝ મુજબ વિવિધ સેન્ટરો પર ૮૦૦૦ લોકોને કોવિશિલ્ડ તેમજ ૫૨૯૫ લોકોને કોવેક્સિન રસી આપવામાં આવી હતી. આમ, આજે પણ મહારસીકરણ અભિયાન અંતર્ગત રોજના ટાર્ગેટની સામે આજે રસીના મળેલ જથ્થા મુજબ માત્ર ૧૩,૨૯૫ લોકોને રસી આપવામાં આવી હતી.

જમનાભાઈ હોસ્પિટલમાં રસીકરણ કેન્દ્ર પર હોબાળો

વડોદરા ઃ શહેર-જીલ્લામાં કોવિડ રક્ષાત્મક રસીકરણ અભિયાન પૂરજાેશમાં ચાલી રહ્યું છે અને શહેરના વિવિધ વિસ્તારોમાં સંખ્યાબંધ રસીકરણ કેન્દ્રો શરુ કરવામાં આવ્યા છે. પરંતુ રસીકરણ કેન્દ્રો પર જરુરી વેકસીનેશન માટે વેકસીનનો જથ્થો અપુરતો રહેતો હોવાથી લોકોને ધરમધકકા પડી રહ્યા છે અને રોજ બરોજ કેન્દ્ર ઉપર ઘર્ષણના દ્રશ્યો સર્જાય છે. આજે પણ શહેરના મધ્યે આવેલા જમનાભાઈ હોસ્પિટલમાં વેકસીનેશન કેન્દ્ર પર વેકસીનનો જથ્થો જરૂરીયાત કરતાં અપૂરતો હોવાથી વેકસીનેશન માટે આવેલા અને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેલા વ્યકિતઓને વેકસીન આપવામાં ન આવતાં તેઓએ ભારે હંગામો મચાવ્યો હતો.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution