વડોદરા
શહેરમાં રાત્રિ કરફયૂ દરમિયાન બર્થ-ડે પાર્ટીની ત્રણ ઘટનાઓ સામે આવતાં જેમાં માસ્ક પહેર્યા વિના કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપી રહ્યા હોય તેવા દૃશ્યો જાેવા મળ્યા હતા. એક તરફ કિશનવાડી વિસ્તારમાં બૂટલેગરે રાત્રિ કરફયૂ દરમિયાન બર્થ-ડે પાર્ટી કરી હોવાનો વીડિયો સામે આવ્યો છે અને બીજી તરફ ગોરવા વિસ્તારમાં રાત્રિ કરફયૂની ચિંતા છોડીને યુવકોએ બર્થ-ડે પાર્ટીની ઉજવણી કરી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. રાજ્ય સરકાર અને તબીબોની હવે લોકો શહેરમાં કોરોના છે જ નહીં તેવું માની બેફિકરાઇભર્યું વર્તન કરતા જાેવા મળી રહ્યા છે. કોરોનાનો કહેર ઘટ્યા બાદ હવે લોકો કોરોનાની ગાઇડલાઇનનો ઉલાળિયો કરતા જાેવા મળી રહ્યા છે. હવે સામાન્ય માણસોની સાથે સાથે બૂટલેગરો પણ કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. શહેરના કિશનવાડીમાં રહેતા બૂટલેગર કૃણાલ કહારનો મંગળવારે જન્મદિવસ હોવાથી તેને સાગરિતો દ્વારા મોડી રાત્રે કેક કાપવામાં આવી હતી અને બર્થ-ડેની કેક કાપ્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર મૂકીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. એક તરફ પોલીસ દ્વારા રાત્રિ કરફયૂની અમલવારી કરવામાં આવી રહી હતી. તો બીજી તરફ કાયદાથી બેખોફ બનીને બૂટલેગરે તેના સાગરિતો સાથે મળીને રાત્રિ કરફયૂનાનિયમોનો ઉલાળિયો કર્યો હતો. બીજી તરફ ગોરવા વિસ્તારમાં રાત્રિ કરફયૂ દરમિયાન ટોળું એકત્ર થયું હતું અને રાત્રિ કરફયૂમાં ભેગા થઇને કેક કાપી બર્થ-ડેની ઉજવણી કરવામાં આવી હોવાનો વીડિયો વાયરલ થયો છે. જેની બર્થ ડે હતી તેના નામના શબ્દોની અલગ-અલગ કેક એક જગ્યાએ મૂકીને તલવારથી કાપવામાં આવી હોવાનું વીડિયોમાં સ્પષ્ટ જાેઇ શકાય છે. આ વીડિયો વાયરલ થતાં નિયમોનો ઉલાળિયો થયો હોવાનું સામે આવ્યું હતું. આજવા રોડ પર માથાભારે શખ્સે બર્થ-ડે ઉજવ્યો હતો. વડોદરા શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં રાત્રિ કરફયૂદરમિયાન બર્થ-ડે પાર્ટીની ઉજવણીના વીડિયો વાઇરલ થયા છે. નંદુ સોલંકી નામનો માથાભારે શખ્સ આજવા રોડ વિસ્તારમાં રહે છે. તેના જન્મદિવસની ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં નંદુ સોલંકી તેના મિત્ર સાથે ગુપ્તી જેવા દેખાતા હથિયાર વડે કેક કાપી રહ્યો છે અને પાછળ સંગીત વાગી રહ્યું છે. નંદુ સોલંકીની આસપાસ ઊભેલા લોકો રાત્રિ કરફયૂના નિયમોથી બેખબર રહીને બર્થ-ડેની ઉજવણીમાં મશગૂલ જાેવા મળી રહ્યા છે.
કિશનવાડીમાં ગેંગવોરના એંધાણ
કિશનવાડીમાં દેશી વિદેશી દારૂનો વેપલો કરનારાઓની બે જુદી જુદી ગેંગ અસ્તિત્વમાં આવી છે. અગાઉ એક ગેંગ લીડરનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસની કાર્યવાહી થઈ હતી, એની પાછળ હરીફ ગેંગનો હાથ હોવાનું મનાતું હતું, હરીફ ગેંગનો વીડિયો વાયરલ કરી હિસાબ ચુક્તે કરાયો હોવાનું મનાય છે.