રાજકોટ-
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાની આજે જન આશીર્વાદ યાત્રા રાજકોટમાં યોજાઈ છે. જેમાં તેમણે પાટીદારો સાથે ચર્ચા કરી હતી. રાજકોટના અટલ બિહારી બાજપાઈ ઓડિટોરિયમ ખાતે મનસુખ માંડવીયા એ ભાજપના કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો. સાથે જ પાટીદાર લેઉવા સમાજના આગેવાનો સાથે પણ બેઠક કરી હતી. ઓડિટોરિયમમાં સમસ્ત પાટીદાર સમાજ સાથે મનસુખ માંડવીયાએ બેઠક કરી હતી. લેઉવા અને કડવા પાટીદાર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. લેઉવા પાટીદાર સમાજમાંથી જયેશ રાદડિયા, પરેશ ગજેરા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તો કડવા પાટીદાર સમાજમાંથી જેરામ પટેલ, મૌલેશ ઉકાણી સહિતના આગેવાનોએ કેન્દ્રીય મંત્રીનું સ્વાગત કર્યું હતું.
જન આર્શીવાદ યાત્રામાં મનસુખ માંડવિયાએ પાટીદાર સમાજની નારાજગીને દૂર કરવાનો પ્રયાસ કર્યો. તેમણે કહ્યું કે, પાટીદાર એટલે ભાજપ. નરેન્દ્ર મોદીએ પાટીદાર સમાજને મહત્વ આપ્યું છે. બે મહત્વના ખાતા આપીને પાટીદાર સમાજનું સન્માન કર્યુ છે. પાટીદાર સમાજને નરેન્દ્ર મોદીએ પ્રભુત્વ આપ્યું છે.તો પાટીદાર એટલે ભાજપના મનસુખ માંડવિયાના નિવેદન અંગે ખોડલધામના પ્રણેતા નરેશ પટેલે જણાવ્યું કે, આ મનસુખ માંડવિયાનું વ્યક્તિગત નિવેદન હોઈ શકે છે. સમાજ બહોળો છે, સમાજના દરેક લોકો અલગ અલગ વિચારધારાઓથી જાેડાયેલા છે. મનસુખ માંડવિયાને કેબિનેટમાં સ્થાન મળ્યું તે આવકાર્ય છે. કેન્દ્ર સરકારના આભારી છીએ. ૨૦૨૨ ની ચૂંટણી અને પાટીદાર મુખ્યમંત્રી અંગે સમયાંતરે ચર્ચા કરીશું.
તો આ અંગે જેરામ પટેલે કહ્યું કે, અમે સંતુષ્ટ છીએ. મંત્રી જયેશ રાદડિયાએ કહ્યું કે, નરેન્દ્ર મોદીએ પાટીદાર સમાજને યોગ્ય પ્રભુત્વ આપ્યું છે, કેબિનેટમાં બે મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું છે.ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થયેલા વિકાસકામો લોકો સુધી પહોચાડવા માટે જન આશીર્વાદ યાત્રાનું આયોજન કરાયું છે. જેમાં વિવિધ મંત્રીઓ લોકો સુધી પહોચી રહ્યાં છે. રાજકોટના મુખ્ય માર્ગો પર ભાજપ કાર્યકરો દ્વારા મનસુખ માંડવિયાનુ ભવ્ય સ્વાગત કરાયુ હતું. આ ઉપરાંત તેમણે રાજકોટના ૧૦૦ જેટલા તબીબો સાથે બેઠક પણ કરી હતી. આ ઉપરાંત રાજકોટમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાની ખોડલધામ ખાતે રજતતુલા કરવામાં આવી હતી. ૭૫ કિલો ચાંદીથી તેમની રજતતુલા કરાઈ હતી. મનસુખ માંડવીયાએ ૭૫ કિલો ચાંદી ખોડલધામ ટ્રસ્ટને અર્પણ કરી હતી.