દિલ્હી-
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)એ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી ખુદ આ વખતે નંદીગ્રામથી ચૂંટણીના મેદાનમાં ઉતરશે. ટીએમસીએ આજે 291 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. પ્રેસ કોન્ફરન્સમાં મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સીધો પડકાર ફેક્યો હતો.
પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે મમતા બેનર્જીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બંગાળમાં યોજાનારી 20 રેલીઓ વિશે સવાલ પૂછવામાં આવ્યો, ત્યારે તેમણે જણાવ્યું કે, તેઓ 20 નહીં 120 રેલીઓ કરે, અમે ચૂંટણીની લડત છેલ્લે સુધી લડીશું.નોંધપાત્ર વાત એ છે કે થોડા દિવસ અગાઉ આ જાણકારી સામે આવી છે કે પીએમ મોદી બંગાળમાં કુલ 20 ચૂંટણી રેલીઓ કરશે, જ્યારે અમિત શાહ, જેપી નડ્ડા, રાજનાથ સિંહ, યોગી આદિત્યનાથ જેવા ભાજપના મોટા ચહેરાઓ પણ આ પ્રચારની કમાન સંભાળશે.
ટીએમસીના વડાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, બંગાળમાં 8 તબક્કામાં નહીં 294 તબક્કામાં ચૂંટણી યોજાય, તો પણ અમિત શાહ જીતી શકશે નથી. મમતા બેનર્જીએ કહ્યું કે, વિજય ટીએમસીનો જ થશે. આપને જણાવી દઈએ કે, ખુદ મમતા બેનર્જી આ વખતે નંદીગ્રામથી ચૂંટણી લડશે. અ્ત્યાર સુધી તેઓ ભવાનીપુરથી ચૂંટણી લડતા આવ્યા છે, પરંતુ આ વખતે તેમણે માત્ર નંદીગ્રામથી ચૂંટણી લડવાની વાત કહી છે. જણાવી દઈએ કે, ટીએમસીમાંથી ભાજપમાં આવેલા શુભેંદુ અધિકારીએ પણ નંદીગ્રામથી ચૂંટણી લડાવાની વાત કહી છે. શુભેંદુ અધિકારીની આ વિસ્તારમાં પકડ માનવામાં આવે છે, આ કારણે જ મમતા બેનર્જી ખુદ અહીંથી ચૂંટણીના મેદાનમાં ઉતરશે.