શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે રોજ ફરાળમાં શું બનાવવું અને નાસ્તામાં શું ખાવું તે એક પ્રશ્ન રહે છે. આ સમયે જો તમે કોઈ પણ સમયે ઉપવાસની ભૂખ સંતોષવા ઈચ્છો છો તો તમે ઘરે જ સરળતાથી ઓછી મહેનતે ફટાફટ બટાકાની વેફર્સ બનાવી શકો છો.આ વેફર્સ એટલી ક્રિસ્પી બનશે કે તમે બહારની વેફર્સને ભૂલ જશો. તો જાણી લો સિમ્પલ સ્ટેપ્સની રેસિપી.
સામગ્રી
:
5 નંગ મોટા બટાકા ,તળવા માટે તેલ ,સ્વાદ અનુસાર મીઠું કે સંચળ ,મરચું પાવડર
રીત
:
સૌ પહેલાં તો બટાકાને ધોઈ લો અને તેને પીલરની મદદથી છોલી લો. હવે એક પાણીનો બાઉલ લો અને તેમાં બટાકાના મશીનની મદદથી પાતળા પીતાં કરો. હવે આ પીતાંને ફરી એક વાર પાણીમાં ધોઈ લો. જેથી તેનો સ્ટાર્ચ નીકળી જશે અને ચીકણા નહીં લાગે. ધોયા બાદ રૂમાલ પાથરી તેમાં રાખો અને એકવાર હળવા હાથે દબાવીને તેને લૂછી લો. હવે ગેસ પર તેલ ગરમ મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં આ બટાકાના પીતાંને તળો. મીડિયમ આંચ રાખીને તે સોનેરી થાય ત્યાં સુધી તેને તળો. હવે તેની પર મીઠું કે સંચળ અને મરચું ભભરાવો. તેને ઉછાળો અને મિક્સ કરો. તમે જોશો કે આ વેફર્સ એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી બનશે. તેનો સ્વાદ પણ અલગ જ હશે.
મીઠાવાળી વેફર બનાવવા માટે તમે જ્યારે વેફર તળો ત્યારે તેમાં એક એક ચમચી મીઠાનું પાણી પણ મિક્સ કરી શકો છો. તેનાથી વેફરમાં મીઠાનો સ્વાદ આવશે. આ સિવાય જ્યારે તમે પીતાં કરો ત્યારે તેને પહેલાં મીઠાવાળા ગરમ પાણીમાં 2 મિનિટ રાખો અને પછી તેને ઠંડા પાણીમાં નાંખો. હવે આ પીતાંને તળો. તો પણ તેમાં મીઠાનો સ્વાદ આવશે. સ્વાદ વધારવા તમે મીઠું અને મરચું સાથે થોડો મરીનો ભૂકો પણ મિક્સ કરી શકો છો. તેનાથી પણ ટેસ્ટ સારો આવશે અને ગેસની તકલીફ નહીં રહે.