ટેસ્ટી અને તીખી કાઠિયાવાડી લસણની ચટણી એકવાર આ રીતથી બનાવો

રોટલી, ભાખરી, પરાઠા સાથે ખવાતી ટેસ્ટી અને તીખી કાઠિયાવાડી લસણની ચટણી જો પરફેક્ટ રીતથી બનાવવામાં આવે તો તેને ખાવાની તો મજા પડે જ છે પણ તેને સરળતાથી લાંબો સમય સુધી સ્ટોર કરીને પણ રાખી શકાય છે. જેથી તમારે આ ચટણી વારંવાર બનાવવી ના પડે. ગુજરાતીઓ અને એમાં પણ ખાસ કરીને કાઠિયાવાડી લોકોને લસણની ચટણી વિના ફાવે જ નહીં. તો એમની જ સ્પેશિયલ રીતની આ લસણની ચટણી આજે અમે તમારા માટે લઈને આવ્યા છે. અમે તમને બે પ્રકારની સૂકી અને ગ્રેવીવાળી લસણની ચટણીની રેસિપી જણાવીશું. તમે 1 મહિના સુધી આ ચટણી સ્ટોર કરી શકો છો અને ગમે તે શાકમાં પણ આ ચટણી નાખીને તેનો ઉપયોગ કરી શકો છો.

લસણની ચટણીની સામગ્રી:

25 લસણની કડી,2 ચમચી કાશ્મીરી લાલ મરચું,2 ચમચી દેશી લાલ મરચું,1 ચમચી મીઠું

1/2 ચમચી ખાંડ.

રીત:

સૌથી પહેલાં ખાયણીમાં ઉપર જણાવેલી તમામ સામગ્રી નાખીને તેને ધીરે-ધીરે ખાંડીને વાટી લો. એકદમ પીસી લેવું. પછી એક બાઉલમાં કાઢી લેવું. તમને ઓછું તીખું ભાવે તો મરચું ઓછું નાખવું. બસ તૈયાર છે સૂકી કાઠિયાવાડી લસણની ચટણી. આ ચટણી તમે બનાવીને ફ્રીઝમાં 1 મહિના સુધી સ્ટોર કરી શકો છો.

ગ્રેવીવાળી લસણની ચટણી:

સૌથી પહેલાં ઉપર જે રીતે ચટણી વાટીને તૈયાર કરી છે તે રીતે પહેલાં તૈયાર કરી લો. પછી અડધો કપ છાશ લેવી અને અડધી ચમચી ખાંડ લેવી. પછી એક કડાઈમાં 4 ચમચી તેલ નાખી તેમાં લસણની જે ચટણી તૈયાર કરી છે તે ઉમેરવી. પછી ધીમા ગેસ પર તેને સાંતળવી. પછી તેમાં છાશ ઉમેરવી. પછી ખાંડ અને મીઠું જરૂર મુજબ ઉમેરવું. પછી 2-3 મિનિટ તેલ છૂટ્ટું પડે ત્યાં સુધી થવા દેવું. પછી ગેસ બંધ કરી દો. તમે આ ચટણી પણ ઠંડી કરીને ફ્રીઝમાં 15 દિવસ સુધી સ્ટોર કરી શકો છો અને જ્યારે પણ ખાવી હોય ત્યારે તેની મજા માણી શકો છો.


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution