મોટા ભાગે આપણે મીઠાઇ માવામાંથી બનાવીએ છીએ, પરંતુ ક્યારેક ફોર-અ-ચેન્જ મિલ્ક પાઉડરમાંથી પણ મીઠાઇ બનાવી હોય તો તેનો સ્વાદ અલગ આવવા સાથે કંઇક નવું બનાવ્યાની પણ ખુશી થાય છે. તેમાં પણ ગુલાબજાંબુ તો બધાને ભાવતા જ હશે તો હવે ટ્રાય કરો મિલ્ક પાઉડરના ગુલાબજાંબુ. તે ખાવામાં પણ એકદમ ટેસ્ટી છે.
સામગ્રી:
મિલ્ક પાઉડર - 9 ચમચા,મેંદો - સાડા ત્રણ ચમચા,બેકિંગ સોડા - ચપટી,લીંબુનો રસ - 1 ચમચી,ઘી-માખણ - 1 ચમચી,દૂધ - 4-5 ચમચા.
ચાસણી માટે :
ખાંડ - 1 કપ,એલચી - 3 નંગ,લીંબુનો રસ - 1 ચમચો,પાણી - 1 કપ.
બનાવવાની રીત :
એક પેનમાં પાણી અને ખાંડને ઉકાળો. થોડી મિનિટ ઉકાળ્યા પછી તે ચિકાશયુક્ત બને એટલે તેમાં એલચીનો ભૂકો અને લીંબુનો રસ ભેળવો.તે પછી તેને ઢાંકીને એક તરફ રહેવા દો. હવે એક બાઉલમાં મિલ્ક પાઉડર, મેંદો, બેકિંગ સોડા, ઘી, લીંબુનો રસ લઇ તેને સારી રીતે મિક્સ કરો.તેમાં થોડું થોડું દૂધ ઉમેરતાં જઇ કણક બાંધો. આ કણક સહેજ ચિકાશયુક્ત અને નરમ હોવો જોઇએ.તેમાંથી નાના નાના ગોળા બનાવો અને આ ગોળાને ધીમી આંચે બ્રાઉન રંગના તળી લો.તેને બહાર કાઢીને તરત ખાંડની ચાસણીમાં નાખો. ગુલાબજાંબુ તૈયાર છે.