મોટા ભાગે આપણે મીઠાઇ માવામાંથી બનાવીએ છીએ, પરંતુ ક્યારેક ફોર-અ-ચેન્જ મિલ્ક પાઉડરમાંથી પણ મીઠાઇ બનાવી હોય તો તેનો સ્વાદ અલગ આવવા સાથે કંઇક નવું બનાવ્યાની પણ ખુશી થાય છે. તો ઘરે બનાવો મિલ્ક પાઉડરનો હલવો.
સામગ્રીઃ
મિલ્ક પાઉડર - 1 કપ,ખાંડ - પોણો કપ,મેંદો - 1 ચમચી,ચોખાનો લોટ - 2 ચમચી,એલચીનો ભૂકો - અડધી ચમચી,ઘી - અડધો કપ,પાણી - પોણો કપ
બનાવવાની રીત :
એક પેનમાં પાણી અને ખાંડને ભેગાં કરી ધીમી આંચે ઉકાળો. ખાંડ સારી રીતે ઓગળી જાય ત્યારે એમાં ધીરે ધીરે મિલ્ક પાઉડર નાખીને મિક્સ કરતાં જાવ જેથી તેમાં ગાંઠો ન બાઝી જાય.તે પછી મેંદો અને ચોખાનો લોટ પણ ભેળવી અને હલાવતાં રહો.આ મિશ્રણ ઘટ્ટ થવા લાગે અને પેનમાં ચોંટે નહીં ત્યારે ધીમે ધીમે તેમાં ઘી ભેળવો.ઘી નાખતી વખતે મિશ્રણને સતત હલાવતાં રહેવું. તે પછી એલચીનો ભૂકો નાખી સારી રીતે મિક્સ કરો અને આંચ પરથી ઉતારી લો. હલવો તૈયાર છે.તેના પર ડ્રાયફ્રૂટ્સના ટુકડા ભભરાવીને ટેસ્ટી હલવાનો સ્વાદ માણો.