ઢોકળા ખાધા હશે પણ હવે ટ્રાય કરો સ્પ્રાઉટેડ બીન્સ ઢોકળા. તેને બનાવવા માટે વધારે સમય પણ નથી લાગતો. તેને બનાવવા માટે મગની ફણગાવેલી દાળ અને બાફેલા વટાણાની જરૂર પડશે. તો આ રીતે બનાવો અલગ રીતે ઢોકળા.
સામગ્રી:
ફણગાવેલી મગની દાળ - 1 કપ,ગાજરનું છીણ - પા કપ,આદું-મરચાંની પેસ્ટ - 1 ચમચી,ચણાનો લોટ - 2 ચમચા,બાફેલા વટાણા - અડધો કપ,મીઠું - સ્વાદ મુજબ,હળદર - પા ચમચી,હિંગ - ચપટી,બેકિંગ સોડા - પા ચમચી,દહીં -1 કપ તેલ - 1 ચમચી
વઘાર માટે :
અડદની દાળ - અડધી ચમચી,રાઇ - 1 ચમચ,લીમડો - 7-8 પાન,તેલ - 1 ચમચો
બનાવવાની રીત :
મગની ફણગાવેલી દાળ અને બાફેલા વટાણાને અધકચરા ક્રશ કરી લો.એક બાઉલમાં મગની ફણગાવેલી દાળ, ગાજરનું છીણ, આદું-મરચાંની પેસ્ટ, ચણાનો લોટ, મીઠું, હળદર, હિંગ, બેકિંગ સોડા અને દહીંને મિક્સ કરો.થોડી વાર આ મિશ્રણને ઢાંકી રાખો. હવે એક સપાટ અને સહેજ ઊંડી થાળીને તેલવાળી કરી તેમાં મિશ્રણ પાથરો. તેને વરાળથી બાફીને ઢોકળા તૈયાર થાય એટલે બાઉલ કે તપેલીમાં કાઢી લો.હવે વઘાર માટે તેલ ગરમ કરી તેમાં રાઇ, લીમડો અને અડદની દાળ નાખો.તૈયાર ઢોકળાના પીસ કરી થાળીમાં કાઢો અને તેના પર વઘાર રેડો.