લોકસત્તા ડેસ્ક
હાલ નવરાત્રી ચાલી રહી છે. હાલમાં માતાની આરાધના પણ પોતાના ઘરે જ કરવી પડશે. ત્યારે માતાજીને ખુશ કરવા આપણે આજે કાજુ ગુલકંદ કોન બનાવતા શીખીએ. આ પ્રસાદ દેખાવમાં તો સરસ લાગે છે સાથે તેનો સ્વાદ પણ એકવાર ચાખ્યા પછી ભૂલાય તેમ નથી. કાજુ ગુલકંદ કોન બનાવવા માટેની
સામગ્રી : 2 કપ કાજુ પાવડર,
1 કપ ખાંડ,
1 ટે.સ્પૂન દૂધ,
ચપટી લીલો કલર,
ચાંદીનું વરખ,
પૂરણ માટે: 2 ચમચી, ગુલકંદ, 1/2 કપ,સમારેલા કાજુ પિસ્તા બદામ, 2 ચમચી કાજુ પાવડર
કાજુ ગુલકંદ કોન બનાવવા માટે રીત –
સૌ પ્રથમ કાજુને મિક્સરમાં પીસીને એકદમ ઝીણો પાવડર કરવો. હવે એક કડાઈમાં ખાંડ લઈને તેમાં ખાંડ ડૂબે તેટલું પાણી લઈ ગરમ કરવા મૂકો. ખાંડની એક તારી ચાસણી થાય એટલે તેમાં કલર નાંખી બરાબર મિક્સ કરી 2-3 મિનિટ ધીમા તાપે ઉકાળી લો. પછી તેમાં કાજુનો ભૂકો નાખીને સતત હલાવતા રહેવું જેથી ગઠ્ઠા ના પડે. તે થઈ જાય એટલે પછી તેને બરાબર મિક્સ કરી ગેસ પરથી ઉતારી લેવું. મિશ્રણ સહેજ ઠંડુ થાય એટલે હાથથી સરખું કરી, તેના નાના ગોળા વળી લો. જે બાદ પ્લાસ્ટિકની શીટ પર ઘી લગાવી તેના પર લોટ મૂકી નાની પુરી વણી લો. ત્યારબાદ કોનના મોલ્ડ પર કે તમે હાથથી પણ કોનનો શેપ આપી શકો છો. ચાંદીની વરખ લગાવો, જો તમારે ન લગાવવી હોય તો ન લગાવો હવે પૂરણ માટેની બધી સામગ્રી મિક્સ કરીને તેની ગોળી વાળી લો. તેને દરેક કોનની ઉપર મૂકો. તો તૈયાર છે સરસ મજાના ટેસ્ટી કાજુ ગુલકંદ કોન. આ નવરાત્રીમાં માતાજીને પ્રસાદમાં ધરાવો.