હાલ દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે લોકો ઘરમાં જ કેદ છે અને બહારના ફૂડ્સ મળતાં બંધ થઈ ગયા છે. એવામાં લોકો ઘરે જ નિતનવું બનાવીને ખાય છે અને ક્રેવિંગને સંતોષે છે. જોકે, હવે બળબળતા ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને આ સીઝનમાં શીખંડ ખાવાની મજા પડી જતી હોય છે. જોકે, અત્યારે આ સમયે બજારનો શીખંડ મળવો મુશ્કેલ છે. જેથી અમે તમને ઘરે જ ચોખ્ખો, ફ્રેશ અને ટેસ્ટી કાજુ-દ્રાક્ષ શીખંડ બનાવવાની એકદમ ઈઝી રેસિપી જણાવીશું. જેમાં માત્ર 1 લીટર દૂધમાં 600-700 ગ્રામ જેટલો શીખંડ ઘરમાં જ તૈયાર થઈ જશે અને તમારા પરિવારના તમામ સભ્યોને પણ ભાવશે. તો ચાલો જાણી લો રેસિપી.
સામગ્રી:
1 લિટર ફુલ ફેટ મિલ્ક,1 ચમચી છાશ,2 ચમચી કાજુ,2 ચમચી દ્રાક્ષ,3/4 કપ પીસેલી ખાંડી,1 ચમચી વેનિલા એસેન્સ
બનાવાની રીત:
સૌથી પહેલાં 1 લિટર દૂધને ગરમ કરી તે નવશેકું રહે એટલે તેમાં 1 ચમચી દહીંનું મેળવણ મિક્સ કરીને ઘરે જ તેનું દહીં જમાવી લો. આપણે મોડું દહી જમાવાનું છે. 5-6 કલાકમાં દહીં રેડી થઈ જશે. હવે દહીંને કોટનના પાતળા કપડાંમાં નાખીને તેની પોટલી બાંધી પોટલીને એક તપેલીમાં ચાયણી મૂકી તેની પર આ પોટલી મૂકી ફ્રીઝમાં 7-8 કલાક માટે મૂકી દો. જેથી દહીંમાં રહેલું એક્સ્ટ્રા પાણી એકદમ નિતરી જાય. હવે તેને ફ્રીઝમાંથી કાઢીને પોટલી ખોલીને નિતારેલું દહીં એક બાઉલમાં કાઢી લો. પછી તેમાં ખાંડ ઉમેરતા જાઓ અને મિક્સ કરતા જાઓ. પછી તેમાં કાજુ-દ્રાક્ષ અને વેનિલા એસેન્સ નાખીને મિક્સ કરી લો. પછી તેને 5 કલાક માટે ફ્રીઝમાં મૂકી દો. પછી જ્યારે શીખંડ ચિલ્ડ અને સેટ થઈ જાય એટલે બસ રેડી છે શીખંડ. આ શીખંડ એકદમ હેલ્ધી છે. બાળકો અને મોટાઓને પણ આ શીખંડ ખાવાની મજા પડી જશે.