ખમણ, નામ બોલતા કે સાંભળતા જ મોંમાંથી પાણી છૂટી જશે. એમાંય જો નાયલોન ખમણની વાત કરીએ તો-તો બસ ખાવાનું જ મન થઈ જાય. તમારી આ ડિમાન્ડ પૂરી કરવા માટે જ આજે અમે તમારી માટે આ ખાસ ખમણની રેસિપી લઈને આવ્યા છીએ. જેને જોતાં જ તમારા મોમાંથી પાણી ચોક્કસથી છૂટી જશે. નોંધી લો રેસિપી અને કરી દો ઘરમાં સૌને ખુશ.
સામગ્રી : 1 કપ પાણી,1 કપ ચણાનો લોટ,1/2 ટી સ્પૂન લીંબુના ફૂલ,11/2 ટેબલ સ્પૂન ખાંડ
1 ટી સ્પૂન આદું-મરચાની પેસ્ટ,11/2 ટી સ્પૂન ખાવાનો સોડા,1 ચપટી હળદર,1 ટી સ્પૂન મીઠું
વઘાર માટે : 2 ટેબલ સ્પૂન તેલ,1 ટી સ્પૂન રાઈ,2 લીલા મરચાં ઝીણા સમારેલા,1 ચપટી હિંગ,1 ટી સ્પૂન તલ ,2 ટેબલ સ્પૂન ખાંડ ,4 ટેબલ સ્પૂન પાણી હૂંફાળું
બનાવાની રીત :
સૌપ્રથમ ઢોકળિયામાં પાણી નાખી આઠથી દસ ઇંચ પહોળી થાળીમાં તેલ લગાવીને ગરમ કરવા મૂકો. હવે એક પહોળા વાસણમાં પાણી લઈને તેમાં લીંબુના ફૂલ, મીઠું અને ખાંડ ઓગાળો. હવે તેમાં ધીમે-ધીમે ચણાનો લોટ નાખીને હલાવી લો. ત્યાર પછી તેમાં આદું-મરચાની પેસ્ટ અને હળદર ઉમેરીને બરાબર મિક્સ કરો. પછી તેમાં ઇનો નાખીને હલાવો જેથી ખીરુ ફૂલી જશે. આ મિશ્રણને હલાવતા-હલાવતા જ થાળીમાં રેડી લો. પંદરથી વીસ મિનિટ ઢાંકીને ચડવા દો. ચડી ગયા પછી બહાર કાઢી લો. હવે એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં રાઈ ઉમેરો. રાઈ તતડે પછી લીલા મરચાના ટુકડા, તલ અને હીંગ ઉમેરો અને થાળીમાં તૈયાર નાયલોન ખમણ ઉપર આ વઘાર રેડી દો. તેના ઉપર હૂંફાળું ખાંડનું પાણી રેડો. તૈયાર છે ટેસ્ટી નાયલોન ખમણ.