અત્યાર સુધી આપણે કાકડી સલાડ કે રાયતું બનાવીને ખાધી છે, પણ હવે બનાવો કાકડીમાંથી અપ્પમ. તમે સોજીના અપ્પમ તો ખાધા હશે તો હવે ટ્રાય કરો કાકડીના અપ્પમ. તે ખાવામા પણ એકદમ ટેસ્ટી લાગે છે.
સામગ્રી:
છોલીને છીણેલી કાકડી - 2 કપ,રવો - 1 કપ,દહીં - અડધો કપ,સમારેલી કોથમીર - 2 ચમચા,સમારેલા ટમેટાં - 1 ચમચો,સમારેલાં મરચાં - 1 ચમચી,સમારેલું આદું - 1 ચમચી,ચાટ મસાલો - અડધી ચમચી,,મરચું - અડધી ચમચી,બેકિંગ સોડા - પા ચમચી,મીઠું - સ્વાદ મુજબ,તેલ - 1 ચમચો.
બનાવવાની રીત :
છીણેલી કાકડીનું પાણી નિતારી લો. એક બાઉલમાં કાકડીનું છીણ, રવો અને દહીં મિક્સ કરો. તેલ અને બેકિંગ સોડા સિવાયની તમામ સામગ્રી તેમાં ભેળવી સારી રીતે મિક્સ કરો.આ મિશ્રણને પંદર મિનિટ માટે ઢાંકીને રહેવા દો. હવે અપ્પમ સ્ટેન્ડને ગરમ કરી તેના બધા ખાનામાં 2-2 ટીપાં તેલ નાખો.કાકડીના મિશ્રણમાં બેકિંગ સોડા ભેળવી તેમાંથી એક-એક ચમચો મિશ્રણ આ ખાનામાં ભરો.તેને ઢાંકીને ત્રણ-ચાર મિનિટ સુધી ધીમી આંચે અપ્પમ તૈયાર થવા દો.હવે દરેક અપ્પમ પર ફરી 2-2 ટીપાં તેલ રેડી તેને ફેરવો. બે-ત્રણ મિનિટ સુધી ધીમી આંચે રાખો.બંને તરફથી બ્રાઉન રંગના થાય એટલે અપ્પમને મોલ્ડમાંથી કાઢી લઇ ચટણી સાથે ગરમાગરમ સર્વ કરો.