દક્ષિણ ભારતીય વાનગીઓમાં ઇડલી તો બધાને ભાવતી હશે. તમે મસાલા ઈડલી ખાધી હશે, ફ્રાય ઈડલી ખાધી હશે તો હવે ટ્રાય કરો ગ્રીન ઈડલી. તેના માટે પાલકની જરૂર પડશે. તેને બનાવવા માટે વધારે સમય પણ નહીં લાગે અને ફટાફટ બની જશે. શિયાળામાં બનાવો ગ્રીન ઈડલી.
સામગ્રીઃ
રવો - 2 કપ,ખાટું દહીં - દોઢ કપ,બાફીને ક્રશ કરેલી પાલક - 1 કપ,મીઠું - સ્વાદ મુજબ,બેકિંગ સોડા - 1 ચમચી,તેલ - 1 ચમચો,રાઇ - અડધી ચમચી,અડદની દાળ - અડધી ચમચી,ચણાની દાળ - અડધી ચમચી,લીમડો - 5-6 પાન,કાજુના ટુકડા - જરૂર મુજબ
બનાવવાની રીત :
રવામાં દહીં અને બાફીને ક્રશ કરેલી પાલક ભેળવી થોડું થોડું પાણી ઉમેરતાં જઇ ઘટ્ટ ખીરું તૈયાર કરો.તેને દસ મિનિટ ઢાંકીને રહેવા દો. એક પેનમાં તેલ ગરમ કરી રાઇ નાખો. તે તડતડે એટલે તેમાં ચણાની અને અડદની દાળ નાખીને સાંતળો.પછી લીમડો નાખો અને આ વઘારને ઇડલીના ખીરામાં ભેળવો. તે પછી તેમાં મીઠું અને બેકિંગ સોડા મિક્સ કરો.થોડું પાણી રેડી સારી રીતે એકરસ કરો. આ ખીરું વધારે પડતું ઘટ્ટ કે વધારે પાતળું ન હોય તેનું ધ્યાન રાખવું.હવે ઇડલીના મોલ્ડમાં આ ખીરું ભરી તેને બાર-પંદર મિનિટ મધ્યમ આંચે તૈયાર થવા દો.ઇડલી તૈયાર થઇ જાય એટલે નાળિયેરની ચટણી સાથે સર્વ કરો.