ગાંધીનગર-
ગુજરાત BJPના ભીખુ દલસાણીયાને મોટી જવાબદારી સોંપાઈ છે. ભીખુ દલસાણીયાને બિહાર BJPના સંગઠન મહામંત્રી બનાવાયા છે. ભીખુ દલસાણીયા અત્યાર સુધી ગુજરાત BJPના સંગઠન મહામંત્રી રહી ચુક્યા છે. બિહારમાં સપ્ટેમ્બરથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ શરૂ થઇ રહી છે. બિહારમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે જ ભીખુ દલસાણીયાને મોટી જવાબદારી સોંપાઈ છે. આ અંગે ટ્વીટ કરતા ભીખુ દલસાણીયાએ લખ્યું કે 1997 થી ગુજરાત ભાજપમાં લાંબા સમય સુધી કર્તવ્ય રત રહેવાનો લહાવો મળ્યો.વરિષ્ઠ નેતાઓના આશીર્વાદ-માર્ગદર્શન-પ્રેમ અને ઉદારતાથી આ શક્ય બન્યું. તમામ કાર્યકરોના અપાર આદર અને સ્નેહથી સંતોષ અને આનંદ છે. હવે ગંગા કિનારે…બિહારમાં વિહાર કરીશું. ગુજરાત ભાજપ સંગઠનમાં થોડા સમય પહેલાં જ મોટો ફેરફાર કરવામાં આવ્યો હતો. જેમાં સંગઠન મહામંત્રી તરીકે ભીખુ દલસાણીયાની જગ્યાએ બિહારના સંઘના નેતાને રત્નાકરને મહામંત્રી પદનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો.છેલ્લા દસ વર્ષથી ભીખુભાઈ દલસાણીયા ગુજરાત સંગઠન મહામંત્રી તરીકેની જવાબદારી નિભાવતા હતા. હવે તેમને સંગઠન દ્વારા વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. આગામી 2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ ફેરફાર કરાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.