મહાત્મા ગાંધીજી એક એવી વિભુતિ હતા જેમણે રાજકીય, સામાજિક, આર્થિક, અને જીવનના લગભગ દરેક ક્ષેત્રમાં પોતાની આગવી વિચારધારાનો વિશ્વવ્યાપી પ્રભાવ ઉભો કર્યો હતો. ભારત દેશની સ્વતંત્રતા માટે તેમના નેતૃત્વમાં અહિંસક સત્યાગ્રહનું આંદોલન થયું તે તત્કાલિન વિશ્વમાં વિરોધ કરવા માટેની એક નવી અને અસરકારક પધ્ધતિ હતી. અને તેનો પ્રભાવ સમગ્ર વિશ્વની પ્રજા પર પડ્યો હતો. કોઈપણ પ્રકારની હિંસા કર્યા વિના કે લોહી રેડ્યા વિના પોતાના મત પર દ્રઢાગ્રહી થઈને રહેવું અને વિરોધ કરી પરિણામો ભોગવવા તૈયાર રહેવું તે એક નવી દિશા હતી અને તેના પછી અનેક દેશોમાં પ્રજાકીય આંદોલનો આ રીત અપનાવી સફળ પણ રહ્યા છે. રંગભેદ સામે વિરોધ હોય કે પછી કોઈ દેશની પ્રજાની કોઈ માંગણી હોય તે માટે અહિંસક વિરોધની એક નવી પરંપરા શરૂ થઈ, તેનો પરોક્ષ રીતે વિશ્વશાંતિમાં ફાળો કંઈ નાનોસુનો ન ગણાય.
મહાત્મા ગાંધીજીએ માત્ર રાજકીય ક્ષેત્રે જ નહીં, પરંતુ અન્ય તમામ ક્ષેત્રમાં પરિવર્તનનો પાયો નાંખ્યો હતો. ભારતમા સામાજિક ક્ષેત્રે અસ્પૃશ્યતા નિવારણ માટેના તેમના ભગીરથ કાર્યને બિલકુલ ભુલી શકાય તેમ નથી. સામાજિક પરિવર્તન માટે તેમણે સેવાને એક માધ્યમ બનાવી પ્રચંડ કાર્ય કર્યુ. દરિદ્રનારાયણ શબ્દ તેમણે આપ્યો, અને તેમની સેવાનો મંત્ર આપતા લાખો સમાજસેવકો ગરીબો અને આદિવાસીઓના વિસ્તારમાં નિઃસ્વાર્થ ભાવે સેવાના યજ્ઞમાં જાેડાઈ ગયા તેના કારણે સમાજના વંચિત વર્ગમાં આશા ઉભી થઈ અને સાથે સાથે સમાજનું વિભાજન કરવા મથતા દેશવિરોધી તત્વોની મેલી મુરાદો પણ બર આવી નહીં.
આર્થિક ક્ષેત્રે તેમણે ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત આપ્યો જે મુડીવાદી શોષણને ઉત્તેજન આપતી વ્યવસ્થા અને સામ્યવાદી અવ્યવહારૂ તથા અમાનવીયતાને ઉત્તેજન આપતી વ્યવસ્થાનો એક શ્રેષ્ઠ માનવતાવાદી વિકલ્પ હતો. સહકારી ક્ષેત્રની શરૂઆત પણ આ વિચારમાંથી થઈ જેનાથી ભારતના આર્થિક વિકાસને પ્રચંડ બળ મળ્યું.
આરોગ્યના ક્ષેત્રમાં તેમણે નિસર્ગોપચારને પ્રાધાન્ય આપતા ભારતમાં આ કુદરતી ઉપચાર પધ્ધતિનો ઘણો વિકાસ થયો.
ગાંધીજીએ સ્વદેશી આંદોલન શરૂ કર્યું તેનાથી પ્રજામાં એક સ્વાભિમાનની ભાવના પ્રજ્વલિત થઈ ઉઠી અને આ આંદોલનના પરિણામે રોજગારની નવી અનેક દિશાઓ પણ ખુલી ગઈ.
મહાત્મા ગાંધીજીની સાચી શક્તિ તેમની સંવેદનશીલતા અને દ્રઢ આગ્રહમાં રહેલી હતી. દેશની ગરીબ પ્રજા પાસે પહેરવા માટે પુરતા વસ્ત્રો નથી તેનાથી દુઃખી થઈને આજીવન માત્ર પોતડી પહેરવાનો નિયમ લેવો અને વાઈસરોયને મળવા જતી વખતે પણ આ જ ભારતના એક સામાન્ય ગરીબ નાગરિકના પોશાકમાં જ જવાનો આગ્રહ રાખવો તે પ્રચંડ હિંમત અને દ્રઢ મનોબળ વિના બની જ ન શકે.
મહાત્મા ગાંધીજી માત્ર અંગ્રેજાેને દેશમાંથી હાંકી કાઢવાના સંકુચિત ધ્યેય માટે આંદોલન કરતા નહતા. પણ એક સંવાદિતાપુર્ણ, વિચારશીલ, સદગુણોથી યુક્ત સમાજના નિર્માણનું તેમનું ધ્યેય હતું. આદર્શ ભારતની એક પરિકલ્પના તેમના મનમાં હતી અને તેને ચરિતાર્થ કરવા માટે તેમણે પોતાનું સમગ્ર જીવન ખર્ચી નાંખ્યું.
મહાત્મા ગાંધીજીની પ્રતિભા અને આભા એટલી પ્રચંડ હતી કે સમગ્ર વિશ્વમાં તે ભારતીય સંસ્કૃતિ અને ધર્મના ઉમદા પ્રતીક તરીકે ઓળખ ઉભી કરી શક્યા હતા. અપાર સાદગી, વિનમ્રતા,પ્રામાણિકતા, સેવાભાવીપણું, સર્વધર્મ સમભાવ, ઈશ્વરભક્તિ, જીવમાત્ર પ્રત્યે પ્રેમની ભાવના જેવા તેમના વ્યક્તિત્વના વિશિષ્ટ પાસાઓના કારણે તે ભારતીય સમાજના ઉદ્દાત તત્વોનું જીવંત ઉદાહરણ બની રહ્યા હતા. વિશ્વ મહાત્મા ગાંધીજીને જાેઈ ભારતનો સમાજ કેવો ઉમદા હશે તેનો અંદાજ આંકવા માટે મજબુર બની ગયું. આમ ભારત દેશની વૈશ્વિક ઓળખ તેમણે પોતાના જીવન વડે સ્થાપિત કરી તે આજપર્યંત યથાવત રહી છે.
ગાંધીજીના જીવન અને કાર્યનો પ્રભાવ માત્ર ભારત દેશ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ પર દુરોગામી સકારાત્મક પરિવર્તન માટેનો પાયો બની રહ્યો છે