ગુરુ પૂર્ણિમાના દિવસે મહર્ષિ વ્યાસનો જન્મ થયો હતો

અષાઢ માસની પૂર્ણિમા એ ઉજવાય છે ‘ગુરુ પૂર્ણિમા’. જેણે ‘વ્યાસ પૂર્ણિમા’ પણ કહેવામાં આવે છે. કારણ કે આ દિવસે ભગવાન વિષ્ણુના અંશાવતાર સમાન અને અષ્ટ ચિરંજીવીઓમાંથી એક એવા મહર્ષિ વેદ વ્યાસનો જન્મ થયો હતો. મહાજ્ઞાની વ્યાસજીએ વેદોની રચના કરી એટલે તેમને ‘વેદ વ્યાસ’ તરીકે ગુરુઓના ગુરુ માનવામાં આવે છે. માટે ‘ગુરુ પૂર્ણિમા’ ના દિવસને લોકો મુખ્યત્વે ભગવાન વિષ્ણુ, કૃષ્ણ, મહર્ષિ વેદ વ્યાસ અને પોતપોતાના ગુરુની પૂજા કરી ઉજવે છે. ગુરુ પૂર્ણિમા ઉજવવાનો આપણી ભારતીય સંસ્કૃતિમાં વિશેષ મહત્વ શાથી છે. ગુરુ પૂર્ણિમાની ઉજવણી પુણ્યશાળી અને કલ્યાણકારી મનાય છે. ગુરુ પૂર્ણિમા એ દરેક આસ્તિકો અને ભક્તજનો માટે ભગવાન પ્રત્યે અને ગુરુ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પર્વ છે.

વર્તમાન સમયમાં ભલે ગુરુ પૂર્ણિમા પર્વ વિવિધ રીતે ઉજવાય છે. પરંતુ આ પર્વ તો પૌરાણિક કાળ કરતાં પણ પ્રાચીન છે એમ કહી શકાય. કારણકે આ પર્વ છે ‘વેદ વ્યાસ જન્મ જયંતી’ નો! વ્યાસજીની જન્મતિથિ કઈ રીતે સમસ્ત સંસાર માટે ગુરુ પૂર્ણિમા બની એ વાત જાણવા જેવી છે.

ઋષિ પરાશર વ્યાસ અને માતા સત્યવતીના પુત્રનો જન્મ અષાઢ માસની પૂર્ણિમાએ એક દ્વીપ પર થયેલો એટલે તેને નામ મળ્યું ‘દ્વૈપાયન’, વળી જન્મ સાથે જ મળેલો શ્યામ રંગ એટલે ‘કૃષ્ણ’; આમ પરાશર વ્યાસના પુત્ર થયા ‘કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ’. જેમને પરમજ્ઞાની પિતા પાસેથી વરદાન મળ્યું કે તે સમસ્ત સંસારમાં મહાજ્ઞાની તરીકે ઓળખાશે. કૃષ્ણ દ્વૈપાયન ખૂબ જ નાની ઉંમરે તપ કરવા ચાલ્યા ગયા હતા. સંસ્કૃત, સાહિત્ય અને જ્ઞાનથી સમૃદ્ધ એવા કૃષ્ણ દ્વૈપાયને વેદને સરળ બનાવવા ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ એમ ચાર વેદોમાં વહેંચ્યા. પરિણામે તેઓ ‘વેદ વ્યાસ’ તરીકે ઓળખાયા. વળી તેમણે ૧૮ પુરાણો, મહાભારત, શ્રીમદ્‌ ભગવદ ગીતા અને શ્રીમદ્‌ ભાગવત મહાપુરાણ પણ માનવજાતિને ભેટ આપ્યા.

વેદ વ્યાસની મહિમાની વાત કરીએ તો હિમાલયમાં તપ અને ધ્યાનમાં લીન એવા વ્યાસ પાસે ભગવાન બ્રહ્મા પ્રગટ થયા અને તેમને મહાભારતની રચના કરવાનો આદેશ આપ્યો. વ્યાસ સ્વયં મહાભારતના સાક્ષી પણ હતા, એના એક અભિન્ન પાત્ર પણ. તેઓ એ કથાના દરેક પાત્રો તેમજ તેના ઈતિહાસથી પરિચિત હતા. એટલે એમની માટે એ મહાકાવ્યની રચના કરવી સરળ હતી. પરંતુ એ મહાકાવ્યને વિના વિલંબ કે વિરામ લીધે લખવું અશક્ય હતું. માટે વેદ વ્યાસ ભગવાન ગણેશ પાસે ગયા અને તેમને લેખકની ભૂમિકા ભજવવા પ્રાર્થના કરી. ભગવાન ગણેશ વ્યાસ પાસે એક પણ ક્ષણ પણ વિરામ લીધા વિના અવિરત કથા કહેવાની શરત મૂકી. તો વ્યાસજી એ પણ કથાની જટિલતા સમજ્યા વિના શ્લોક ન લખવાનો આગ્રહ રાખ્યો.

ભગવાન ગણેશએ તેમની પ્રાર્થના સ્વીકારી. હિમાલયની વ્યાસ ગુફામાં તેમણે ભગવાન ગણેશને કથા કહેવાનું શરૂ કર્યું. ગણેશની લખવાની ઝડપ એટલી તીવ્ર હતી કે મહર્ષિ વ્યાસને વચ્ચે શ્વાસ લેવા પણ સમય મળતો નહીં. એવામાં મહાજ્ઞાની મહર્ષિ વ્યાસ વચ્ચે વચ્ચે એટલી જટિલ વાત પ્રસ્તુત કરતા જેથી ભગવાન ગણેશને વિરામ લઈને એ વાત સમજવા માટે વાર્તા સંભાળવી પડતી. ત્યારે મહર્ષિ વ્યાસ શ્વાસ લેવાનો સમય ફાળવી લેતા. કથા લખવામાં જેટલી ઝડપ ભગવાન ગણેશની હતી એટલી જ ઝડપ મહર્ષિ વ્યાસની કથા કહેવામાં!

એક ક્ષણ એવી પણ આવી કે જયારે ભગવાન ગણેશની કલમ લખતા લખતા ખંડિત થઇ. કથામાં વિરામ ન લેવું પડે એટલે તરત જ તેમણે પોતાનો એક દાંત કાઢીને તેના વડે લખવાનું શરુ કર્યું એટલે પણ તેમને ‘એકદંત’ કહેવામાં આવે છે. ભગવાન ગણેશને આ મહાકાવ્ય લખતા ત્રણ વર્ષ લાગ્યા હતા. ત્યારે મૂળ ‘જયસંહિતા’ ની રચના થઇ.

જે ઉપક્રમે વ્યાસજીના શિષ્ય વૈશંપાયન એ અર્જુનના પ્રપૌત્ર જનમેજયને સંભળાવી. ત્યાર પછીથી ભરત કુળના વંશજાેની એ ગાથા ‘મહાભારત’ નામે પ્રસિદ્ધ થઇ એવું માનવામાં આવે છે. એક તરફ ત્યાં મહર્ષિ વ્યાસ એ મહાભારત જેવી જટિલ કથાની રચના કરેલી છે તો બીજી તરફ દેવર્ષિ નારદના કહેવાથી તેમણે ‘શ્રીમદ્‌ ભાગવત મહાપુરાણ’ પણ રચ્યો છે. શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતાના દસમાં અધ્યાયના ૩૭મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે,

वृष्णीनां वासुदेवोऽस्मि पाण्डवानां धनञ्जयઃ ઼

मुनीनामप्यहं व्यासઃ कवीनामुशना कविઃ ઼઼

અર્થાત હું વૃષ્ણિ વંશીઓમાં વાસુદેવ, પાંડવોમાં અર્જુન અને મુનિઓમાં હું વ્યાસ છું! તો જયારે સમસ્ત જગતના ગુરુ જગદગુરુ ભગવાન શ્રી કૃષ્ણ મહર્ષિ વ્યાસને સમાન ઉપમા આપતા હોય, તો સનાતન સંસ્કૃતિ મહર્ષિ વ્યાસની જન્મ જયંતીને ‘ગુરુ પૂર્ણિમા’ રૂપે ઉજવે એમાં બે મત નથી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution