મહારાજ ફિલ્મ અને મહારાજ લાયબલ કેસ : સત્ય અને તથ્ય

લેખકઃ જયેશ શાહ | 

છેલ્લા પંદર દિવસથી યશરાજ ફિલ્મ્સ દ્વારા ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લીકસ પર “મહારાજ” ફિલ્મ રજૂ કરવા વિષે વિવાદ ચાલી રહ્યો છે. આ ફિલ્મ સૌરભ શાહ દ્વારા લિખિત “મહારાજ” નવલકથા અને મહારાજ લાયબલ કેસ ૧૮૬૨ પર આધારિત છે. આ ફિલ્મ દ્વારા સનાતન હિન્દુ ધર્મના એક સ્તંભ એવા વૈષ્ણવ સંપ્રદાયને બદનામ કરવામાં આવ્યો છે. સનાતન હિન્દુ ધર્મના મૂળ દેવ ભગવાન શ્રીકૃષ્ણના જુદા જુદા સ્વરૂપોને સંકેતાત્મક રીતે વિકૃત દર્શાવવામાં આવ્યા છે. ગુજરાત હાઇકોર્ટે આ ફિલ્મ પર વચગાળાનો મનાઈ હુકમ આપ્યો હતો જે પાછળથી ઉઠાવી લેવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં પુષ્ટિમાર્ગના મહારાજશ્રીઓ એટલે કે અખંડભૂમંડલાચાર્ય જગદગુરુ શ્રીવલ્લભાચાર્યજીના વંશજાે અને પુષ્ટિમાર્ગના સિદ્ધાંતોનું વિકૃતિકરણ કર્યું છે.

મહારાજ નવલકથામાં પણ સૌરભ શાહે સંપ્રદાયના સિદ્ધાંતોને સમજ્યા વગર અને મહારાજ લાયબલ કેસ ૧૮૬૨ પાછળના કારણો સમજ્યા વગર સનાતન હિન્દુ ધર્મ અને પુષ્ટિ સંપ્રદાય બદનામ થાય એ રીતે લખાણ કર્યું છે. સૌરભ શાહની નવલકથામાં એ સમયના કહેવાતા સમાજ સુધારકના નામે આ લખ્યું છેઃ

“.....હિન્દુઓના મહારાજના મંદિર એક છીનાલવાડો છે. તેઓના (મહારાજાેના) દીવાનખાના એક ભરશટ અને બેઆબરૂ કુટણી (વેશ્યા)નું ઘર છે. તેમની દરશટીમાં ફાંકડી રંડીબાજી છે. તેમના અવયવો બૂરી હવશનું ઘર છે. તેમના શરીરના રૂંવેરૂંવે અપવીતરાઈ અને ગલીચાઈ છે.....”

નવલકથામાં લખે છે (પાન નં. ૪૧૯) “.....પુરાણોમાં જે વાત ઉપમા અને અલંકારોથી સમજાવવામાં આવી એનું અર્થઘટન પુષ્ટિમાર્ગમાં એના ભાવાર્થ છોડીને શબ્દાર્થ કરવામાં આવ્યું અને એનો ઉપયોગ મહારાજાેના અંગત સ્વાર્થ માટે થયો. ભાગવતના બાર અધ્યાયોમાંથી પણ પુષ્ટિમાર્ગે માત્ર દસમો અધ્યાય સ્વીકાર્યો જેમાં કૃષ્ણને વિષ્ણુના આઠમા અવતાર ગણાવીને કૃષ્ણ વિશે ઉટપટાંગ વાતો જાેડીને એમના જીવનનો ઇતિહાસ લખવામાં આવ્યો છે કે એ રાધાના પ્રિયતમ હતા. ગોપીઓ જાેડે રાસલીલા કરતાં, એમને ૧૬,૦૦૮ રાણીઓ હતી. મહાભારતના ઓરિજીનલ પ્રતાપી, વિચક્ષણ અને આદ્યાત્મિક કૃષ્ણ કરતાં આ કૃષ્ણ સાવ નોખા છે....આ ૧૬,૦૦૮નો મતલબ શું થાય ખબર છે? એને ૩૬૦ થી ભાગી નાખો. ૪૪થી ૪૫ વર્ષ સુધી માણસ રોજ એક નવી સ્ત્રી સાથે સંમગ કરે એવી એ જમાનાના કોઈ પર્વર્ટ માણસની કલ્પના આ કહેવાતા ધર્મગ્રંથમાં ઘૂસાડેલી છે. જે જમાનામાં મનુષ્યની આવરદા ૬૦ વર્ષ સુધીની નહીં હોય એ જમાનાની આ કલ્પના છે. માણસ પ્રથમવાર સ્ત્રી સંગ કરે એ પછી મરતાં સુધી દરરોજ એને એક નવી નવી સ્ત્રી મળતી રહે એવી, બીજી ઘણી પોર્નોગ્રાફિક ફેન્ટસીઓને ધર્મના પુસ્તકોમાં લખવામાં આવી છે. રસ મંડળી ઉર્ફે ઑર્ગી (ર્ખ્તિઅ) અથવા તો સામૂહિક સંભોગની વાત પણ ભાગવતના આધારે રચાયેલા વૈષ્ણવ સંપ્રદાયના તથાકથિત ધર્મગ્રંથોમાં ચાલાકીથી મૂકી દેવામાં આવી.....”

આ લખાણ પરથી આપ વાંચક સમજી શકો છો કે આ માત્ર ને માત્ર હિન્દુ ધર્મ અને ભગવાન શ્રીકૃષ્ણને ખરાબ ચિતરવા માટે જ લખવામાં આવ્યું છે. ૧૬,૦૦૦ રાણીઓની સાચી હકીકત અલગ છે. જે બતાવ્યું છે એવું નથી. પુષ્ટિમાર્ગમાં સામૂહિક સંભોગની વાત કરવામાં આવી નથી. પોર્નોગ્રાફિક ફેન્ટસીઓને ધર્મના પુસ્તકોમાં લખવામાં આવી નથી. આવી ઉટપટાંગ વાતો લખીને હિન્દુ ધર્મ અને તેના સંપ્રદાયોને બદનામ કરીને હલકા ચિતરવાનું એક વ્યાપક ષડયંત્ર છે. અન્ય કોઈ ધર્મ માટે આવી વાતો લખી તો જુએ કે ફિલ્મ બનાવી તો જુએ. આખી દુનિયા માથે લઈ લે.

હવે આપણે રીલીઝ થયેલી મહારાજ ફિલ્મ વિષે જાેઈએ. ફિલ્મના એક દ્રશ્યમાં બતાવવામાં આવ્યું છે કે એક પુષ્ટિમાર્ગીય હિન્દુ ધર્મગુરુ તેની શિષ્યા પર જાતીય હુમલો કરે છે અને અન્ય ભક્તો તેને જુએ છે. આ અભદ્ર કૃત્યને યાત્રા કહેવામાં આવે છે. હિંદુઓમાં યાત્રાનું ખૂબ જ ધાર્મિક મહત્વ છે. પછી તે ચાર ધામની યાત્રા હોય કે વ્રજની કે અમરનાથની. યાત્રાને અશ્લીલતા સાથે જાેડવાથી ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચે છે. હિન્દુ ધાર્મિક નેતાઓ દરેક મહિલા સાથે આવા સંબંધો બનાવે છે એવું પણ કહેવાયું છે. આનાથી સનાતન ધર્મના સંત સમુદાયની છબી ખરાબ થાય છે. (ફિલ્મ ૧૬ઃ૫૦ મિનિટ) ફિલ્મના દ્રશ્યોમાં બતાવવામાં આવ્યું છે કે સંપ્રદાયમાં એક પરંપરા છે કે મહિલા મહારાજ સાથે સંભોગ કરે અને દરેક વૈષ્ણવ તેમના દર્શન કરશે અને આ દર્શન એ જ તેમનું તીર્થ છે. આવા દર્શન માટે ફિલ્મમાં પૈસા પણ ચૂકવાતા હોવાનું બતાવ્યું છે. ફિલ્મમાં એવું કહેવાયું છે કે સમગ્ર સમાજ આવા કાર્યોમાં ભાગ લે છે. આ દ્રશ્ય સમગ્ર સમાજને પીડિત તરીકે દર્શાવે છે (ફિલ્મ ૧૬ઃ૨૦ મિનિટ).

આમ એકંદરે મહારાજ ફિલ્મમાં ગ્રાફિકલી રીતે પુષ્ટિમાર્ગના ગુરુને ગેરકાયદેસર રીતે જાતીય પ્રવૃત્તિઓમાં સંડોવતા સ્પષ્ટ દ્રશ્યો બતાવવામાં આવ્યા છે. જે સંપ્રદાયના મૂળભૂત સિદ્ધાંતની હાંસી ઉડાવવા સમાન છે. તેમના પાત્ર દ્વારા પુષ્ટિમાર્ગના ઉપદેશો અને સિદ્ધાંતોને ખોટી રીતે ચિત્રિત કરવામાં આવ્યા છે જે સરેઆમ અપમાનજનક છે અને તેના કારણે સંપ્રદાય વિશે વ્યાપક પ્રમાણમાં ખોટી માહિતી ફિલ્મ દ્વારા ફેલાઈ રહી છે. તદુપરાંત આ ફિલ્મમાં “ચરણ-સેવા”ને એક ગેરકાયદેસર જાતીય કૃત્ય તરીકે દર્શાવ્યું છે. પુષ્ટિમાર્ગમાં હકીકતમાં “ચરણ-સેવા”નો જે સિદ્ધાંત છે તેને વિકૃત રીતે પ્રસ્તુત કરવામાં આવ્યો છે. આ ફિલ્મ ચોક્કસપણે દાવો કરે છે કે “ચરણ-સેવા”ની પ્રથા સો વર્ષથી પુષ્ટિમાર્ગની પરંપરાનો ભાગ છે જે હકીકતમાં ખોટો અને ભ્રામક દાવો છે. ઐતિહાસિક ઘટનાઓ અને વ્યક્તિઓને પણ ખોટી રીતે ચિત્રિત કરવામાં આવ્યા છે. ખાસ કરીને મહારાજ લાયબલ કેસની કાર્યવાહી દરમિયાન કરસનદાસ મુળજીની ભૂમિકા અને નિવેદનોને ઐતિહાસિક તથ્યો સાથે કોઈ લેવાદેવા જ નથી.

“વલ્લભાધીશ કી જય”ના પવિત્ર જયઘોષને અખંડભૂમંડલાચાર્ય જગદગુરુ શ્રીવલ્લભાચાર્યજીની આકૃતિ સાથે અનૈતિક કૃત્યોને જાેડીને ફિલ્મના દર્શકોમાં ગેરમાન્યતાનો પ્રચાર આ ફિલ્મ કરી રહી છે. તેવી જ રીતે ગેરકાનૂની રીતે શારીરિક સંબંધો બનાવતા સમયે પાર્શ્વભૂમિમાં શ્રીનાથજી શ્રી ગોવર્ધનનાથજીને બતાવીને અક્ષમ્ય ક્ષતિ કરીને દિવ્ય સ્વરૂપોની બદનક્ષી કરી છે. આ ફિલ્મ દર્શકોમાં ખોટી માન્યતા અને ભ્રમ ફેલાવે છે કે આ તમામને પુષ્ટિમાર્ગનું સમર્થન છે. એકંદરે સંપ્રદાયના મુલ્યોની ગંભીર ખોટી અને બદનક્ષીભરી રજૂઆત ફિલ્મમાં છે.

મહારાજ લાયબલ કેસનો ચુકાદો પણ હિંદુ સનાતન ધર્મ વિરુદ્ધ તથા સંપૂર્ણ રીતે પક્ષપાતી અને પૂર્વગ્રહયુક્ત હતો. આ ચુકાદામાં ભગવાન કૃષ્ણ પર અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવી હતી. ભગવાન કૃષ્ણને અનૈતિક અને લુચ્ચા તરીકે વર્ણવવામાં આવ્યા હતા. આ ટિપ્પણીઓ માત્ર અપમાનજનક ન હતી પરંતુ હિન્દુ ધાર્મિક માન્યતાઓ અને પ્રથાઓને નબળી પાડવાના હેતુથી એક ચોક્કસ ધ્યેય સાથેની બ્રિટિશ માનસિકતા અંતર્ગત હતી.

મહારાજ ફિલ્મ બ્રિટિશ સંસ્થાનવાદી વ્યૂહરચનાઓનો વ્યાપક સંદર્ભ આપવામાં નિષ્ફળ જાય છે. હકીકતમાં બ્રિટિશ સંસ્થાનવાદી વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય હિંદુ ધર્મને નબળો પાડવાનો હતો. તેને કારણે કરસનદાસ મૂળજીને હાથો બનાવીને સાચી પરિસ્થિતિ અને ઘટનાઓનું ભ્રામક વર્ણન કરીને સંપૂર્ણ પક્ષપાતી કથા તરફ આ ફિલ્મ દોરે છે.

આવી ફિલ્મનો ઘોર વિરોધ કરવો જ જાેઈએ. સમગ્ર હિન્દુ સમાજે એક થઈને આવા તત્વોનો મુકાબલો કરવાનો સમય હવે પાકી ચૂક્યો છે. આપણે “संगच्छध्वं संवदध्वं सं वो मनांसि जानताम्”ની શાશ્વત સંસ્કૃતિના રક્ષક છીએ. જાે આ સંકટના સમયમાં આપણે એકજૂટ રહીશું તો દુનિયાની કોઈ પણ શક્તિ સનાતન હિન્દુ ધર્મ કે એના અંતર્ગત સંપ્રદાયોને હલાવી શકશે નહીં.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution