દિલ્હી-
મધ્ય પ્રદેશના ગ્વાલિયર ખાતેથી એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. હોસ્પિટલના એક વોર્ડ બોયે ઓક્સિજન સપોર્ટ પર રહેલી કોરોના પોઝિટિવ મહિલા સાથે દુષ્કર્મનો પ્રયત્ન કર્યો હોવાનો આરોપ લાગ્યો છે. આ ઘટના સામે આવ્યા બાદ પોલીસે વોર્ડ બોયની ધરપકડ કરી છે.
ગ્વાલિયરની ખાનગી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં એક મહિલાને દાખલ કરવામાં આવી હતી. કોરોનાના કારણે તે મહિલાનું ઓક્સિજન લેવલ ખૂબ ઘટી ગયું હોવાથી તેને ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવી છે. પીડિત મહિલાના દીકરાએ લખાવેલી એફઆઈઆર પ્રમાણે શનિવારે રાતે વિવેક લોધી નામના એક વોર્ડ બોયે તેની માતાના વોર્ડમાં જઈને તેમના સાથે અસભ્ય વર્તન કર્યું હતું. પીડિતા કોરોના સંક્રમિત હોવાથી તે રૂમમાં કોઈ હાજર નહોતું અને વોર્ડ બોય તેનો ફાયદો ઉઠાવવા માંગતો હતો.
મહિલાએ બૂમો પાડવાનું ચાલુ કર્યું એટલે વોર્ડ બોય ત્યાંથી ભાગી ગયો હતો અને મહિલાએ પોતાના દીકરાને ફોન કરીને સમગ્ર ઘટનાથી માહિતગાર કર્યો હતો. આ અંગે જાણ થતા જ પીડિતાનો દીકરો અન્ય પરિવારજનો સાથે હોસ્પિટલ પહોંચ્યો હતો. તેમની ફરિયાદના આધારે વોર્ડ બોય વિરૂદ્ધ કલમ ૩૭૬ અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે અને તેની ધરપકડ કરી લેવામાં આવી છે. પીડિતાના પરિવારજનોએ હોસ્પિટલના પ્રબંધન પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે જેની તપાસ થઈ રહી છે અને આરોપીની પુછપરછ કરવામાં આવી રહી છે.