માધબી પુરી બુચે એક શંકાસ્પદ કંપની પાસેથી ભાડા પેટે ૨.૧૬ કરોડ રૂપિયાની આવક મેળવી



માધબી પુરી બુચ સેબીમાં ટોચના હોદ્દા પર છે છતાં જે કંપની સામે સેબીની તપાસ ચાલતી હોય તેવી કંપની સાથે તેમના નાણાકીય સંબંધ છે તેવો આરોપ મૂકાયો છે. કોંગ્રેસના કહેવા પ્રમાણે માધબીએ કેટલાક વર્ષથી એક કંપનીને પોતાની પ્રોપર્ટી ભાડે આપી છે જેના ભાડા પેટે તેમને ૨.૧૬ કરોડ રૂપિયા મળ્યા છે. આ કંપની સામે તપાસ ચાલે છે.

સેબીના વડા માધબી પુરી બુચ અત્યારે વિવાદોમાં અટવાઈ ગયા છે. તેમની સામે એક પછી એક આરોપો મૂકવામાં આવી રહ્યા છે જે દેખાડે છે કે સેબીના ચેરપર્સન તરીકે તેમની કામગીરી સવાલો પેદા કરે છે અને તેમાં પારદર્શિતાનો અભાવ છે. કોંગ્રેસે હવે નવો આરોપ મૂક્યો છે કે માધબી પુરી બુચે એક શંકાસ્પદ કંપની પાસેથી ભાડા પેટે ૨.૧૬ કરોડ રૂપિયાની આવક મેળવી છે. માધબી પુરીએ જે કંપનીને પોતાની પ્રોપર્ટી ભાડે આપી છે તે કંપની સામે પણ સેબીની તપાસ ચાલે છે. તેથી અંદરોઅંદર સેટિંગ કરવા માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે તેવો કોંગ્રેસનો આરોપ છે.

કોંગ્રેસના નેતા પવન ખેરાએ આજે આરોપ મૂક્યો હતો કે માધવી પુરી બુચે મુંબઈમાં એક કંપનીને પોતાની પ્રોપર્ટી ભાડે આપેલી છે અને આ કંપનીની એફિલિયેટિડ ફર્મ સામે સેબીની તપાસ ચાલે છે. સેબીના વડા પર કોંગ્રેસે વધુ એક હુમલો કર્યો છે. તેમાં જણાવ્યું કે સેબી એક કંપની સામે વિવિધ કેસની તપાસ કરે છે અને તેની સામે ઈનસાઈડર ટ્રેડિંગની ફરિયાદ થયેલી છે. આ કંપનીને જ માધબી પુરીએ પોતાની એક પ્રોપર્ટી ભાડે આપેલી છે. આ કંપની પાસેથી માધબી પુરી બુચને ૨.૧૬ કરોડની ભાડાની આવક થાય છે. પવન ખેરાએ કહ્યું કે આ માત્ર હિતોની ટક્કર નથી પણ ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર છે. શું આ એથિકલ છે? શું આ લીગલ છે? માધબી બુચે ૨૦૧૮-૧૯માં પોતાની એક પ્રોપર્ટી કેરોલ ઈન્ફો સર્વિસિસને સાત લાખ રૂપિયાના ભાડે આપેલી હતી. તે સમયે તેઓ સેબીના ફુલ ટાઈમ મેમ્બર હતા. કેરોલ ઈન્ફો સર્વિસિસ એ વોકાર્ડ લિમિટેડ સાથે સંકળાયેલી કંપની હતી જેની સામે સેબીની તપાસ ચાલુ છે. બંને કંપનીઓના પ્રમોટર એક જ છે. ૨૦૧૮-૧૯ થી ૨૦૨૩-૨૪ સુધીમાં માધબી પુરીએ આ રીતે કુલ ૨.૧૬ કરોડની આવક ભાડા તરીકે કરી છે. ભાડાની આવકનું આખું બ્રેક અપ આપતા ખેરાએ કહ્યું કે ૨૦૧૮-૧૯ માં આ પ્રોપર્ટીનું ભાડું સાત લાખ રૂપિયા હતું. ત્યાર પછી બીજા વર્ષે તે વધારીને ૩૬ લાખ રૂપિયા કરવામાં આવ્યું હતું. ૨૦૨૩-૨૪માં તેમણે આ ફર્મ પાસેથી ૪૬ લાખ પાંચ હજાર રૂપિયા ભાડા પેટે મેળવ્યા છે. જે સંસ્થાના તેઓ ચેરપર્સન છે તે વોકાર્ડ સામે તપાસ કરે છે અને વોકાર્ડની જ સાથે સંકળાયેલી ફર્મને તેમણે ભાડે પ્રોપર્ટી આપી છે. હજુ ત્રણ-ચાર દિવસ અગાઉ જ માધબી પુરી બુચ સામે આરોપ મૂકાયો હોત કે તેઓ ૈંઝ્રૈંઝ્રૈં બેન્ક છોડીને સેબીના ફૂલ ટાઈમ મેમ્બર બની ગયા છતાં બેન્ક પાસેથી તેમની આવક ચાલુ જ હતી. ૨૦૧૭થી ૨૦૨૪ વચ્ચે તેમણે ૈંઝ્રૈંઝ્રૈં બેન્કમાંથી ૧૬.૮૦ કરોડ રૂપિયા મેળવ્યા હતા. બીજી તરફ ૈંઝ્રૈંઝ્રૈં બેન્કે માધબી પુરીને કોઈ પગાર અથવા ઈસોપ્સ આપ્યા હોવાનો ઈનકાર કર્યો છે. હવે કોંગ્રેસના સાંસદ કે સી વેણુગોપાલના અધ્યક્ષપદ હેઠળ સંસદની પબ્લિક એકાઉન્ટ કમિટી સેબીના ચેરપર્સનને પરફોર્મન્સ રિવ્યુની બેઠકમાં બોલાવે તેવી શક્યતા છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution