પાછલા એક અઠવાડિયાથી અંબાણી પરિવારના લગ્નની વિવિધ બાબતો ચર્ચામાં રહી છે, ખાસ કરીને તેમના ડ્રેસીસ અને તેમના દાગીના સામાન્ય ભારતીય પરિવારથી લઇને અખબારો, ફેશનના વિશ્લેષકો અને ક્રિટિક્સથી લઇને જાણીતી હસ્તીઓમાં પણ ચર્ચાનો વિષય રહ્યાં છે. તેમાં બ્રાઈડ રાધિકાના ડ્રેસીસમાં શુભ આશીર્વાદ ફંક્શનની હેન્ડ પેઇન્ટેડ ચણિયાચોળીએ સહુ કોઈનું સૌથી વધુ ધ્યાન ખેંચ્યું હતું. અંબાણી પરિવારની વહુ તરીકેના પહેલાં પ્રસંગમાં રાધિકાએ અબુ જાની - સંદીપ ખોસલા દ્વારા ડિઝાઇન કરેલા રાણી કલરના હેન્ડ પેઇન્ટેડ ચણિયાચોળી પહેર્યાં હતાં. જે જયશ્રી બર્મન નામના કલાકાર દ્વારા પેઇન્ટ કરવામાં આવ્યાં છે. તેમની તસવીરો અને વિવિધ મંચ પર તેમના ઇન્ટરવ્યૂ કરવામાં આવ્યા છે. જેમાં તેમણે આ ચણિયાચોળીની પ્રોસેસની વાત કરી હતી. જયશ્રી બર્મને જણાવ્યું, ‘હું એક મહિના સુધી સતત ૧૫-૧૬ કલાક સુધી પેઇન્ટ કરતી હતી. એક સાધુની જેમ મેં જાણે તપસ્યા આદરી હતી. જાણે એક કલ્પનાને જીવંત કરવા માટે મેં મેડિટેશન કરવાનું શરૂ કર્યું હતું.’ આ ચિત્રોમાં જયશ્રી બર્મન તેમની જે શૈલી માટે જાણીતા છે તેવી દંતકથાઓને અનંત અને રાધિકાના મિલનના સંકેત સ્વરૂપે દર્શાવવામાં આવી છે. તેમાં દિવ્ય તેજ ધરાવતા નવયુગલ, તેમજ અનંતના પશુપ્રેમ, તેમજ ભારતીય સંસ્કૃતિમાં હાથીનું મહત્વ દર્શાવતાં હાથીના ચિત્રો બનાવવામાં આવ્યાં છે. જયશ્રી મહિલાલક્ષી ચિત્રો બનાવવા માટે જાણીતા છે. તેમણે જણાવ્યું કે સમગ્ર બ્રહ્માંડ તેમની પ્રેરણા હતું. ‘આકાશ પર અનેક સંકટ આવે તો પણ બ્રહ્માંડ તો સદાય જીવંત રહે છે. મારે એ હકારાત્મકતા જીવંત રાખીને બધી જ નકારાત્મક બાબતો જવા દેવી હતી. એક કલાકાર તરીકે, હું તેમની ખુશીઓ અને આશાઓ આપવા માગતી હતી.’ જયશ્રીએ આગળ જણાવ્યું, “સંદીપ ખોસલાએ મને કહ્યું, હતું કે તમારે કોઈને કશું જ પૂછવાની જરૂર નથી. મને એક કલાકાર તરીકે પૂરતી સ્વતંત્રતા આપવામાં આવી હતી. તો મેં કોઈ રફ કામ કર્યું નહોતું, સીધા જ કેન્વાસ પર પેન અને પેઇન્ટથી ચિત્રો બનાવવા લાગી હતી.” રાધિકાએ ખાસ અંગત વિનંતિ કરી હતી આ ચણિયાચોળી માટે, આ અંગે જયશ્રી બર્મને કહ્યું, “મને મે મહિનામાં રિયા કપૂરની ટીમ તરફથી કોલ આવ્યો હતો. અમે તેઓ કેવો ડ્રેસ બનાવવા માગે છે તે અંગે ચર્ચા કરી, અને અચાનક જ અમારી સાથે રાધિકા પણ જાેડાઈ ગઈ હતી. જામનગરના તેમના ઘરમાં મારું એક પેઇન્ટિંગ છે અને તેને અને અનંત બંનેને તે કેટલું ગમે છે. રાધિકા તરફથી મળેલી હૂંફ અને દિલથી કરેલી વાતથી મારા માટે આ ઓફરને ઇનકાર કરવો અશક્ય બની ગયો. મેં ૧૨ વર્ષ પહેલાં નીતા અંબાણી માટે એક પેઈન્ટિંગ બનાવ્યું હતું, તેમના બાળકોના મનમાં તેનું અનોખું સ્થાન હતું.”