વડોદરા, તા. ૯
પોલીસ કમિશનરના ભારદારી વાહનો માટેના જાહેરનામાનો ભંગ કરીને શહેરમાં માતેલા સાંઢની જેમ ગેરકાયદે દોડતાં ભારદારી વાહનચાલકો સામે ટ્રાફિક પોલીસની કાર્યવાહીની સમીક્ષા કરવા માટે ગઈ કાલે જાેઈન્ટ પોલીસ કમિ. સહિતના પોલીસ ઉચ્ચાધિકારીઓ અને વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ (વીટીટીઆઈ)ના પદાધિકારીઓએ આકસ્મિત ચેકિંગ હાથ ધર્યું હતું. ટ્રાફિક પોલીસ અને વીટીટીઆઈના જવાનોને સલાહ સૂચનો આપ્યા હતા. જાેકે, આ આકસ્મિક ચેકિંગના દેખાડાના ૨૪ કલાકમાં જ આજે સવારથી ભારદારી વાહનોની ગેરકાયદે અવરજવર ફરી શરૂ થઈ જતાં પોલીસ અધિકારીઓની કાર્યવાહી માત્ર ડ્રામા ડ્રાઇવ હોવાનું પૂરવાર થયું છે. શહેરમાં આજે પણ ભારદારી વાહનોની બેરોકટોક અવરજવર યથાવત રહી હતી, પરંતુ ટ્રાફિક પોલીસને માત્ર ૧૦ ભારદારી વાહનો સામે કાર્યવાહી કરી હતી, જેમાં એક પણ લકઝરી બસ ન હોઈ પોલીસ તંત્ર લકઝરી બસના ચાલકો સામે ઘૂંટણિયે પડ્યું હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.
શહેરના ગોરવા વિસ્તારમાં બે દિવસ અગાઉ બપોરે સાડા અગિયાર વાગે પ્રવેશબંધી હોવા છતાં એક ડમ્પરચાલકે ગેરકાયદે શહેરમાં પ્રવેશ કર્યો હતો અને બાઈકસવાર બે યુવકોને અડફેટે લઈ પૈડાં ફેરવી દઈ તેનું ઘટનાસ્થળે કમકમાટીભર્યુ મોત નિપજાવ્યું હતું. આ અકસ્માતના પગલે હોબાળો મચતા શહેર પોલીસ તંત્ર સફાળુ જાગ્યુ હતું અને ગઈ કાલે જાેઈન્ટ પોલીસ કમિ. મનોજ નિનામા (જે વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ(વીટીટીઆઈ)ના ડેઝિગ્નેટેડ ટ્રસ્ટી પણ છે) તેમજ વીટીટીઆઈના સેક્રેટીર મયંક બ્રહ્મભટ્ટ, ટ્રાફિક શાખાના પૂર્વ અને પશ્ચિમ વિભાગના એસીપી અને ટ્રાફિક પોલીસના સેક્ટર ઈન્ચાર્જ સહિતની ટીમે આજે વડોદરાના વિવિધ જંકશનો, સર્કલો અને પોઈન્ટ પર આકસ્મિક તપાસ હાથ ધરી હતી. ટ્રાફિક પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ વીટીટીઆઈના સેવક-સેવિકાઓને ટ્રાફિક નિયમન અને શિસ્ત બાબતે સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું. જાેકે ઘોડા છૂટ્યાં પછી તબેલાને તાળા મારવા જેવી આ કવાયતની કોઈ જ અસર જ થઈ ના હોય તેવી સ્થિતિ આજે ફરી જાેવા મળી હતી.
શહેરના છેવાડાના તો ઠીક પરંતુ ભરચક વિસ્તારોમાં સવારે ૭થી બપોરના ૧ સુધી તેમજ બપોરના ચારથી રાત્રિના નવ વાગ્યાના સમયમાં ભારદારી વાહનો માટે પ્રવેશબંધી હોવા છતાં પ્રવેશબંધીના સમયગાળામાં મોટાભાગના તમામ વિસ્તારોમાં ડમ્પરો, સિમેન્ટ-ક્રોંક્રિટ મિક્ષરો, ટ્રકો, મોટા ટેેમ્પો અને લકઝરી બસોની અવરજવર યથાવત રહી હતી. ભારદારી વાહનચાલકો સામે પ્રવેશબંધીના ભંગ બદલ ટ્રાફિક પોલીસે આજે પણ કાર્યવાહી કરી છે, તેમ જણાવતાં ટ્રાફિક ડીસીપી જ્યોતિબેન પટેલે ઉમેર્યું હતું કે આજે પણ શહેરના વિવિધ વિસ્તારોમાંથી ટ્રાફિક પોલીસે ડમ્પર અને ક્રોંકિટ મશીનો સહિત ૧૦ ભારદારી વાહનો તેમજ એસટી ડેપો અને સ્ટેશનની આસપાસના વિસ્તારમાંથી ૧૫ રિક્ષાઓ અને ઘોંઘાટ કરતું એક બુલેટ ડીટેઈન કરી તેઓને આરટીઓનો મેમો આપ્યો છે. જાેકે ટ્રાફિક પોલીસે આપેલા કામગીરીના આંકડામાં કોઈ પણ લકઝરી બસ સામે કાર્યવાહી ન હોઈ પોલીસ તંત્ર લકઝરી બસોની સામે કાર્યવાહી કરવામાં કેમ ડરી રહ્યું છે, આવાં સવાલ ઊભાં થયાં છે!