ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીના માપદંડ હવે બદલાયા છે. ભૂતકાળમાં બોલિવુડ ફિલ્મોમાં કોણ કલાકાર છે તેના આધારે લોકો ફિલ્મો જાેવા લાઈન લગાવતા હતા. અમિતાભ બચ્ચન, રાજેશ ખન્ના, રાજ કપૂર વગેરેના સમયે તો માત્ર હીરોનું નામ સાંભળીને જ લોકો ફિલ્મ જાેવા જવું કે નહિ એ બાબત નક્કી કરી લેતા. શાહરૂખ ખાન, સલમાન ખાન, આમિર ખાન, અક્ષય કુમાર વગેરેનો સિતારો જ્યારે બુલંદ હતો ત્યારે પણ લોકો માત્ર હિરોને જાેવા જ ફિલ્મની ટિકિટ ખરીદતા. પણ હવે તેવું રહ્યું નથી. સમય બદલાયો છે. લોકો સમજણા થયા છે. ખાલી મોટા સ્ટારને જાેઈ સિનેમામાં ઘસી જવા કરતાં, લોકો વ્યવસ્થિત તેમજ રસપ્રદ સ્ટોરી વાળી ફિલ્મોને વધુ પસંદ કરવા લાગ્યા છે.
પાછલા એક વર્ષમાં સેંકડો ફિલ્મો રજૂ થઈ. જેમાંથી મોટા સ્ટાર વાળી ઘણી ફિલ્મો હિટ જવાની આશા હતી. જ્યારે તેનાથી વિપરીત ઘણી નાના બજેટ વાળી ફિલ્મો સુપરહિટ નીવડી. જે કન્ટેન્ટ ઈઝ કિંગ એટલે કે કથા-પટકથા દમદાર હોવી જરૂરી છે આ વાતનો પુરાવો આપે છે. પાછલા અમુક મહિનાઓમાં વ્યવસ્થિત વાર્તા ધરાવતી વધુ ઠાઠમાઠ વગરની ફિલ્મોએ કમાણીના મામલે ઘણી મોટા બજેટની ફિલ્મોને પાછળ મૂકી દીધી છે.
ટ્વેલ્થ ફેઇલ, લાપતા લેડીસ, ભેડીયા, મંજુમલ બોઈઝ, મડગાવ એકસપ્રેસ, આર્ટિકલ ૩૭૦, મુંજ્યા, શ્રીકાંત, શૈતાન, હનુમાન, સ્ત્રી ૨ વગેરે ફિલ્મોએ કમાણીના મામલે પણ ઘણી મોટી ફિલ્મોને પાછળ મૂકી દીધી છે. જ્યારે બીજી બાજુ યોદ્ધા, મિશન રાણીગંજ, સરફિરા, બડે મિયાં છોટે મિયાં, વેદા, ઔરો મે કહા દમ થા, મૈદાન, ઉલઝ વગેરે મોટા બજેટની ફિલ્મો રજૂ થયા બાદ એક અઠવાડિયા પૂરતી પણ સિનેમાઘરોમાં ચાલી નથી. ત્યાં સુધી કે ફરી વાર રિલીઝ થયેલી લૈલા મજનું અને તુમ્બાડે તો ગયા શુક્રવારે રજૂ થયેલી કરીના કપૂર અભિનીત ફિલ્મ ધ બકિંગહમ મર્ડર્સને પણ કમાણીના મામલે પાછલા મૂકી દીધી છે.
આવા તો કેટલાય દાખલા છે. ઓવર ધ ટોપ (ર્ં્્) પ્લેટફોર્મ પર રજૂ થતી ફિલ્મ-વેબસિરીઝને પસંદ કરનારો વર્ગ વધતો જવા પાછળનું કારણ પણ તેમના દ્વારા પીરસવામાં આવતો કન્ટેન્ટ જ છે. ફિલ્મોમાં કરોડો રૂપિયા દાવ પર લાગ્યા હોય છે. તેમાં પણ મોટા સ્ટાર્સને સામેલ કરવાના થાય એટલે ફિલ્મનું બજેટ બમણું થાય છે. ઘણા મોટા ફિલ્મસ્ટારો તો દિવસો સુધી ચાલતા શૂટિંગ દરમિયાન એકથી વધુ વેનિટી વેનનો ઉપયોગ કરે છે. આવા તો કેટલાય ખોટા ખર્ચા હોય છે અને સ્ટાર ફિલ્મમાં કામ કરે એ માટે પ્રોડ્યુસરે તામમ ખર્ચ મુંગે મોઢે ઉઠાવવો પણ પડે છે, પરીણામે ફિલ્મનું બજેટ વધે છે.
બોલિવુડમાં ઘણા એવા કલાકાર પણ છે, જે માત્ર પોતાના કામ પ્રત્યે સમર્પિત હોવાને કારણે તેમની એક્ટિંગ સ્ક્રીન પર દીપી ઉઠે છે. આવા કલાકારને સારી વાર્તાથી મતલબ હોય છે. ફિલ્મનું બજેટ ઓછું પણ હોય તોય ફિલ્મની બોક્સ ઓફિસ પર સફળતા નિશ્ચિત થઈ જાય છે. દર્શકોએ પણ આ બાબતને ગંભીરતાપૂર્વક લેવી જાેઈએ. કોઈ પ્રોડ્યુસર ૧૦૦૦ કરોડના ખર્ચે ફિલ્મ બનાવતો હોય તો જરૂરી નથી કે તેની ફિલ્મ જાેવાલાયક હશે જ. જેની સામે કોઈ ફિલ્મમાં તમામ ઓછા જાણીતા કલાકાર હોય અને ઓછા બજેટ સાથે ફિલ્મ બનાવવામાં આવી હોય તો જરૂરી નથી કે ફિલ્મ નહિ ચાલે. ફિલ્મ જાેવાલાયક છે કે નહિ એ વાર્તા પર ર્નિભર છે.
મનોરંજનના નામે આજકાલ જે કચરો પીરસવામાં આવે છે એનાથી દર્શકો હવે કંટાળ્યા છે. જેની સામે કન્ટેન્ટમાં દમ હોય તેવી ફિલ્મો અન્યને ટક્કર આપે છે. કોરોના કાળ દરમિયાન ઓટીટી પ્લૅટફૉર્મ તરફ ઢળી ગયેલા પ્રેક્ષકને ફરી થિયેટરમાં લઈ આવવા કન્ટેન્ટ પર કામ કરવું પડશે. ઑડિયન્સ શબ્દનો અર્થ હવે બદલાયો છે. લોકો ફિલ્મને આવકારે, તેમને પસંદ પડેલી ફિલ્મ વિશે પોતાના વર્તુળમાં અન્ય લોકોને તેના વિશે જણાવે એ બહુ જરૂરી બની ગયું છે. આજના સમયમાં મનોરંજન પીરસતા પ્લેટફોર્મ વધ્યા છે, તેવામાં ઑડિયન્સ સાથે કનેક્ટ થઈ જાય એવી જ ફિલ્મો ચાલે છે. એમા ના નહિ કે ફિલ્મનિર્માણ પણ એક પ્રકારનો બિઝનેસ જ છે, માટે તેમાં નફા-નુકસાનની વાત હોય જ. પણ ખાલી તેના વિશે વિચારવું ખોટું છે. હવે પછીના સમયમાં સ્ટાર પાવર નહીં, પણ ફ્રેશ સબ્જેક્ટ પર લખાયેલી સારી વાર્તા અને ઈફેક્ટિવ માર્કેટિંગ જ ફિલ્મની સફળતામાં મહત્ત્વનો ભાગ ભજવશે.