પ્રેમ, રોમાન્સ, અધ્યાત્મ અને દાંપત્યઃ મનની આંટીઘૂટી

લેખકઃ ડો.ચિરાયુ જયસ્વાલ | 


જન્મના પહેલા શ્વાસથી લઈને મૃત્યુના અંતિમ શ્વાસ સુધીની જીવન યાત્રા દરમિયાન દરેક વ્યક્તિ જાણે અજાણે એક ઊંડા આનંદની ખોજમાં ભટકી રહ્યો છે. મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક જગતના ગહન અભ્યાસ દ્વારા ખ્યાલ આવે છે કે આ આનંદની યાત્રાને પૂર્ણ કરવા માટે મોટાભાગના વ્યક્તિઓ પાસે બે માર્ગ છે. સાચા પ્રેમનો અનુભવ અને પરમ સત્યની પ્રાપ્તિ. શ્રીમદ ભગવદગીતામાં પ્રેમ માર્ગને ભક્તિયોગ અને સત્યના માર્ગને જ્ઞાનયોગ કહેવામાં આવ્યો છે. મનોજગત પ્રમાણે પ્રેમ માર્ગ ઉપર ચાલવાવાળો વ્યક્તિ ભાવનાને પ્રાધાન્ય આપે છે અને સત્યના માર્ગને પસંદ કરવાવાળો વ્યક્તિ બુદ્ધિ અને સમજણને પ્રાધાન્ય આપે છે. આ બંને માર્ગ એકબીજાના પૂરક છે. પરમ સત્યનું જ્ઞાન બુદ્ધિમાં પ્રવેશ કરતાં જ પ્રેમની કુંપણો સહજ રીતે મનમાં ફૂટવા લાગે છે. એવી જ રીતે જ્યારે વ્યક્તિના હ્રદયમાં પ્રેમની સાચી ભાવનાઓ પ્રગટ થાય છે ત્યારે કુદરતી રીતે તેની અંદર પરમ સત્યનું જ્ઞાન સ્ફુરિત થવા માંડે છે. આ બંને માર્ગ ઉપર ચાલવા માટે સાહસ અને સમર્પણ સાથે કર્મયોગમાં જાેડાવું અનિવાર્ય છે. પરંતુ જ્યારે વ્યક્તિના મનમાં અજ્ઞાન, મોહ, ડર અને લોભ ઉત્પન્ન થાય છે ત્યારે વ્યક્તિ ભાવનાના પ્રબળ આવેગમાં આવીને સત્ય, જ્ઞાન અને સમજણને ગુમાવી દે છે અથવા જ્ઞાનના પ્રબળ આકર્ષણના કારણે પ્રેમની ભાવનાઓને નકારવા લાગે છે. પરિણામ સ્વરૂપે વ્યક્તિ અસત્યને પ્રેમ કરી બેસે છે અથવા પ્રેમમાં અસત્યનું આચરણ કરી બેસે છે જેના કારણે વ્યક્તિનું કર્મ દૂષિત થઈ જાય છે અને તે પોતાના પ્રેમ અને સત્યના માર્ગ ઉપરથી ભટકીને પરમ આનંદથી વંચિત રહી જાય છે. આમ, માર્ગ ચૂકેલો વ્યક્તિ અહંકારજનિત ભ્રામક સુખોમાં ફસાઈને અંતે જીવનને દુઃખ, પીડા અને અંધકારમાં ધકેલી દે છે અને પોતાના જીવનને નિષ્ફળ બનાવીને આ પૃથ્વી ઉપરથી ચાલ્યો જાય છે.

આજ સત્ય અને પ્રેમના બે આયામો વચ્ચે હિલોળા લેતી એક અદભૂત ઘટના સમ્યકભાઈ અને તેમની પત્ની સરિતાબેનની છે. બંનેના એરેન્જ મેરેજને લગભગ સત્તર વર્ષ થઈ ગયા હતાં. તેઓ બે બાળકોના માતા – પિતા પણ બની ગયા હતાં. સામાજિક દ્રષ્ટિકોણથી તેઓ ખૂબ સારા દંપતી હતા પરંતુ વાસ્તવિકતામાં તેઓનું જીવન અનેક પ્રશ્નોથી ભરેલું હતું. આ પ્રશ્નોની પાછળનું મુખ્ય કારણ વારસામાં મળેલી માનસિક સંપત્તિ હતી.

બુદ્ધિ, તર્ક અને સમજણની દુનિયામાં પારંગત એવા સમ્યકભાઈ પોતે આધ્યાત્મિક જગતમાં પણ ખૂબ ઊંડું જ્ઞાન ધરાવતા હતાં. તેમના જ્ઞાનને જ તેમણે આજીવિકા બનાવી દીધી હતી જેમાં તેઓ ખૂબ સફળ પણ રહ્યા હતાં. કદ કાઠીમાં સામાન્ય અને સ્વભાવે શાંત સમ્યકભાઈનું બાળપણ વર્તમાન જીવનથી બિલકુલ અલગ હતું. બાળપણમાં તેઓ પાસે માતા – પિતાની રોક ટોક વગરનું એક સ્વતંત્ર જીવન હતું કે જ્યાં તેઓ ધારે તેવું જીવન જીવી શકતા હતાં. પરંતુ આર્થિક તંગીના કારણે તે સ્વતંત્રતા ઘણી મર્યાદિત થઈ જતી હતી. આર્થિક તંગીના કારણે મિત્રો સાથે મોજશોખ કરવા અને બહાર હરવા ફરવા જવું તે તેના માટે શક્ય ન હતું.

જેથી બાળપણમાં તેમની અંદર અંતર્મુખી વ્યક્તિત્વ ઉત્પન્ન થઈ ગયું હતું. અભ્યાસમાં પણ તેઓનો કોઈ ખાસ રસ ઉત્પન્ન થઈ રહ્યો ન હતો. સામાન્ય દેખાવ, આર્થિક તંગી અને અંતર્મુખી સ્વભાવ ધરાવતા સમ્યકભાઈ માટે યુવાનીના જીવન દરમિયાન એ સંભવ ન હતું કે તે કોઈ રોમેન્ટિક જીવન જીવી શકે. તેઓ બાળપણમાં એક હતાશ અને નિરાશ જીવનને જીવી રહ્યા હતાં. આવા સમયે તેમના પિતાના માધ્યમથી તેમને એક એવી દિશા મળી જેના કારણે તેમનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું. તેમની સ્થગિત થઈ ગયેલી જીવન ઉર્જા ધીરે ધીરે “મન અને આત્માના” વિષયોને જાણવામાં ઉત્સુક થઈ રહી હતી. આ વિષયોમાં પ્રચંડ રીતે આગળ વધવા માટે પરિસ્થિતિ અને સંજાેગો પણ જાણે કે તેમને સાથ આપી રહ્યા હતાં. જાે તેઓ પાસે આર્થિક મજબૂતી, મિત્રોની સંગત અને રોમેન્ટિક જીવન જીવવા માટે કોઈક પ્રેમિકા હોત તો કદાચ તે ક્યારેય મન અને આત્મા જેવા વિષયોને જાણવા માટે પોતાનો સમય આપી શક્યા ન હોત. આ વિષયોની સમજણના કારણે તેઓ પોતાના જીવનની અંદર અદભૂત પરિવર્તન લાવી શક્યા હતાં. હવે તે પોતાના સ્વભાવની અંદર બદલાવ લાવીને પોતાની ભાવનાઓને સરળતાથી વ્યક્ત કરી શક્તા હતાં. તેઓની અભ્યાસ અને જ્ઞાન મેળવવાની રુચિ વધી રહી હતી. સ્વતંત્રતા, સત્ય, પ્રામાણિકતા, પ્રેમ, પારદર્શકતા અને ધૈર્ય જેવા સકારાત્મક તત્વોનું મૂલ્ય તેઓના જીવનમાં સતત વધી રહ્યું હતું કારણ કે આ જ મૂલ્યોના આધાર ઉપર તેઓ મન અને આત્માને જાણવાની પ્રક્રિયામાં સફળતા મેળવી રહ્યા હતાં. સાચા પ્રેમના અનુભવથી જ સાંસારિક જીવનને સફળ બનાવી શકાય છે અને પ્રેમના અનુભવ માટે સાહસ, ધીરજ અને પ્રામાણિકતા પૂર્વક જીવનસાથીને સમર્પિત થવું ખૂબ જરૂરી છે આ વાતનો તેમને ખ્યાલ હતો. જેથી કોલેજ કાળ દરમિયાન જ તેઓએ મનોમન નક્કી કરી લીધું હતું કે પોતાની રોમેન્ટિક જીવન જીવવાની અધૂરી ઈચ્છા તેઓ ભવિષ્યમાં પોતાની જીવન સંગિની સાથે જ પૂરી કરશે. પોતાના સકારાત્મક મૂલ્યોના માધ્યમથી એક પ્રેમાળ જીવનસાથી સાથેના એક સુંદર ભવિષ્યનું સર્જન તેઓએ પોતાના મનમાં કર્યું હતું.

મારા મત પ્રમાણે દરેકની પોતાની એક વ્યક્તિગત આંતરિક દુનિયા હોય છે અને તેનું મૂલ્ય તેને માટે ખૂબ વધારે હોય છે. સમ્યકભાઈની જેમ તેમના પત્ની સરિતાબેન પોતે પણ એક કાલ્પનિક ઈચ્છા ધરાવતા હતાં. સમ્યકભાઈના જીવનમાં સરિતાનું આગમન.. સરિતાનાં પોતાના જીવનની સમસ્યાઓ.. સરિતાનાં સ્વપ્નનો રાજકુમાર.. અને આ બધા જીવનના ઉતાર ચડાવમાં સમ્યકભાઈનું જ્ઞાન અને તેમના બનાવેલા નૈતિક મૂલ્યો ક્યાં સુધી ટકી રહે છે તેની વાત આવતા રવિવારે કરીશું.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution