"પૂર્વી યાર ક્યાં સુધી આમ ખુદને તેની યાદમાં સળગાવ્યા કરીશ? આટલી સરસ દેખાય છે,જાેબ પણ છે તો શા માટે જીંદગીની ગાડી એક જ સ્ટેશન પર રાખી ઉભી રહી ગઈ છો?" પોતાની વ્હાલી સખી મિશાની વાત સાંભળી પૂર્વી ખડખડાટ હસવા લાગી.
પરંતુ તેના એ હાસ્ય પાછળ છુપાયેલ દર્દને મિશા તરત જ જાણી ગઈ હોય તેમ બોલી,"પૂર્વી હું જાણું છું આપણી દોસ્તીને હજુ માત્ર થોડો જ સમય થયો છે. પણ હું તારા હાસ્ય તળે ધરબાયેલા હ્રદયના ઝખ્મોને પણ મહેસુસ કરી શકું છું. ઘણીવાર કલાકો સુધી તને મૌનના મહાસાગરમાં ડૂબેલી જાેઉં ત્યારે મારું રોમરોમ તારા એ દર્દમાં ડૂબી જાય છે. આજ સુધી મે તને કશું નથી પૂછ્યું પણ આજે તારે મને હકીકત કહેવી જ પડશે."
મિશાની વાત સાંભળી પૂર્વી તેની નજીક સરકી અને તેનો હાથ પોતાના હાથમાં લેતાં બોલી," મિશું, સાચું કહું તો જ્યારથી તું મળી છે જીંદગીનું ખાલીપન ભરાઈ ગયું છે. તારા જેવી દોસ્ત હોય પછી અન્ય કોઈ સાથની શી જરૂર? અને એમ પણ બહુ વર્ષો થઈ ગયા ખબર નહિ અત્યારે પરિમલ ક્યાં હોય!"
"પરિમલ..?તેનું નામ પરિમલ છે?" પૂર્વીની વાત સાંભળી મિશાનું દિલ એક ધબકાર ચૂકી ગયું. હવે તો મિશા પૂર્વીની દાસ્તાન જાણવા બેતાબ થઈ હતી.
વાસ્તવમાં પૂર્વી અને મીશા બંને એક જ કંપનીમાં સાથે કામ કરતા. બને હજુ થોડા સમય પહેલા જ મળ્યા હતા પણ નાતો વર્ષોની મૈત્રી હોય તેવો ગાઢ હતો.
મિશાની જીદે પૂર્વિને અતીતના આંગણામાં ઉભી રાખી દીધી.
"પરિમલ સંબંધો હમેંશ ઋણાનુબંધીત હોય છે. કોણ જાણે કેમ આ દિલ કહે છે કે આપણો યોગ આટલો જ છે. "
"એવું કેમ કહે છે પૂર્વી? આપણે બંને એકબીજાને ચાહીએ છીએ અને સમય આવ્યે લગ્ન પણ કરીશું."
"એ સમય જ કોણે જાેયો છે? ક્યારેક ક્યારેક દિલ ગમે તેટલું ઝંખના કરે મળે તો એ જ છે નિયતિના ચક્રમાં ફરતું હોય!"
"યાર પૂર્વી તારી આ વાતો ઘણીવાર મને ઊંડા ઘા આપી જાય છે. શું વાત છે તો આવું બોલે છે? તને ખબર છે ને તને આમ જાેઈ મારો જીવ જાય છે."
પરિમલ અને પૂર્વી એકબીજાને બેહદ ચાહતા હતા. બંને આજીવન સાથ રહેવાના કોલ આપી ચૂક્યા હતા પણ કિસ્મતને કઈંક અલગ જ મંજૂર હતું.
"પરિમલ આ આપણી આખરી મુલાકાત છે. મારા પપ્પા ખૂબ રૂઢિચુસ્ત છે તે આપણાં આંતર જ્ઞાતિય લગ્ન નહી સ્વીકારે. અમે કાલે વતન જઈએ છીએ દિદીના લગ્ન માટે કદાચ મારા માટે પણ ત્યાં બધું ગોઠવી રાખ્યું છે. મને માફ કરી દેજે. દિલથી હું આજીવન તારી રહીશ પણ આપણો સંગાથ નહી થઈ શકે."
"પૂર્વી તું શું બોલે છે કઈ ભાન છે? આટલા વર્ષોનો પ્રેમ છે અને તું એક ઝાટકે ભૂલી જવા કહે છે. હું તારા પપ્પાને મનાવિશ. તને ભૂલવું મારા માટે અશક્ય છે."
"શક્ય તો મારા માટે પણ ક્યાં છે! આપણા હર શ્વાસમાં આપણે એકબીજામાં ધડકતા રહીશું. બસ યોગ્ય પાત્ર જાેઈ તું લગ્ન કરી લેજે."
પરિમલ અને પૂર્વી એકબીજાને બેહદ ચાહતા હતા. બંને આજીવન સાથે રહેવાના કોલ આપી ચૂક્યા હતા પણ કિસ્મતને કઈંક અલગ જ મંજૂર હતું. પરિમલ કશું કહે તે પહેલાં ભીની આંખે પૂર્વી સડસડાટ ચાલી ગઈ.
સમય વીતતો ગયો. પરિમલ અને પૂર્વિની દુનિયા બદલાઈ ગઈ હતી. પૂર્વી આજે એક કંપનીમાં સારી પોસ્ટ પર હતી.
પૂર્વીની દાસ્તાન સાંભળી મિશાની આંખો છલકાઇ ઊઠી.
"પરિમલને લગ્નના બંધનમાં બંધાવાનું કહી ખુદ કેમ તેની યાદોથી મુક્ત ન થઈ?"
"મિશુ,આ જ તો પ્રેમ છે. હું તેની થઈ શકું તેમ ન હતી તો તેને પત્ની અને પ્રેમના સુખથી વંચિત કેમ રાખું?"
"તારા પ્રેમની દાસ્તાન જાણવા બેકરાર હતી પણ એ નહોતી ખબર કે તે આટલી કરુણ હશે. પરિમલને આટલું બધું ચાહે છે તો કદી એ જાણવાની કોશિશ નથી કરી કે તારો પરિમલ ક્યાં છે અને કેમ છે?"
"મીશું, મારા માટે પરીમલની ખુશીથી વધુ મહત્વનું કદી કશું નહોતું. અત્યારે પણ એ જ કામના છે. હા બસ એકવાર તેને મળવાની ઝંખના છે. એકવાર તેનું ભર્યું સુખ જાેઈ લઉં તો બાકીની જીંદગી પણ નીકળી જશે."
પૂર્વીના એક એક શબ્દો મિશાના દિલની આરપાર ઉતરી રહ્યા હતા. અચાનક તેના મગજમાં કઈંક ઘૂંટાયું તે સફાળી ઉભી થઈ અને બોલી,"પૂર્વી, મારે અત્યારે જવું પડશે. સી યુ સુન."
ત્યાર બાદ બે દિવસ મિશા ઓફિસ નહોતી આવી. બે દિવસ બાદ મિશાનો કોલ આવ્યો. ફોન પરની વાત સાંભળતા જ પૂર્વી ભયથી ફફડી ઉઠી.
"મિશા..મિશા..ક્યાં છો? યાર કેમ કરતા પડી ગઈ?" સો ની સ્પીડ પર ગાડી ચલાવી પૂર્વી મિશાના ઘરે પહોંચી.
ડ્રોઈંગ રૂમનો દરવાજાે ખુલ્લો જાેઈ પૂર્વી તરત અંદર ભાગી. અંદરનું દ્ર્શ્ય જાેઈ પૂર્વીના હોંશ ઉડી ગયા. સામેની દીવાલ પર એક વિશાળ ખુશહાલ દંપતીની તસ્વીર જાેતા તેના કદમો થંભી ગયા. તે તસવીર અન્ય કોઈની નહી પણ મિશા અને પરિમલના લગ્નની હતી.
અત્યાર સુધી દિલમાં પરીમલની ચાહત અકબંધ રાખનાર પૂર્વીએ એક જ ક્ષણમાં જાણે તેને મુક્ત કર્યો હોય તેમ તે અત્યંત સ્વસ્થતાથી બહાર આવી.
સામે પરિમલ અને મિશા હાથોમાં હાથ નાખી ઉભા હતા. એક ક્ષણ પરિમલની નજરો સ્થિર થઈ અને તરત બોલ્યો," મીશુ, ઘરે મહેમાન આવ્યા છે તે જણાવ્યું નહી. ક્યાંક આ તારી નવી સહેલી તો નથી ને..? પરિચય તો કરાવ.'
પરિમલના શબ્દો સાંભળી મિશાના જીવમાં જીવ આવ્યો. જ્યારથી પૂર્વીએ પોતાના પ્રેમીનું નામ પરિમલ અને શહેરનું પણ એક નામ સાંભળ્યું ત્યારથી મિશા વિચલિત થઈ ગઈ હતી. ક્યાંક પોતાનો પરિમલ જ પૂર્વિનો પરિમલ નથી ને એ જાણવા જ તેણે પોતે સીડી પરથી પડી ગઈ છે તેવું કહી તાત્કાલિક બોલાવી હતી.
"યાર સોરી કે ખોટું કહ્યું પણ શું કરું બે દિવસથી થોડી તબિયત નાજુક હતી તને મળવાની ઈચ્છા હતી. એટલે ખોટા બહાને બોલાવી. પોતાનો પતિ ફકત તેનો જ છે એ જાણી મિશાના દિલને ટાઢક વળી તે પૂર્વીને ભેટી પડી.
પૂર્વીએ પણ જાણે કશું ન હોય તેમ થોડો સમય તેઓ સાથે બેસી ત્યાંથી વિદાઈ લીધી.
બીજા દિવસે કોફિશોપના એક ટેબલ પર પૂર્વી અને પરિમલ બેઠા હતા.
"પરિમલ આજે ફરી એકવાર મારી નજરોથી તમે મારા દિલની વાત સમજી ગયા. હું નહોતી ઈચ્છતી કે કદી પણ મિશા આપણા સંબંધ વિશે જાણે."
"અને તારી જીંદગીનું શું પૂર્વી?"
"તમને એકવાર મળી તમારી ખુશહાલ જીંદગી જાેઈ હું ખુશ છું. તમે મારા શ્વાસમાં હર પળ ધડકતા હતા અને જીવન પર્યંત રહેશો."
ફરી એકવાર પૂર્વી પરીમલની ખુશી માટે તેની જીંદગીથી ખૂબ દૂર જતી રહી હતી. ફરી કદી ન મળવાના કોલ સાથે!
મિશાની સાથે પોતાના ઘરની બાલ્કનીમાં બેસેલ પરિમલના હ્રદયમાં પૂર્વીના આખરી શબ્દો પડઘાતા હતા
"શું જેને ચાહીએ તેની સાથે રહીએ તેને જ પ્રેમ કહેવાય?"