કમળ તેના મૂળ અર્થમાં...

લેખકઃ કલ્પના ગાંધી | 

કમળને આપણે આજે ભારતીય જનતા પાર્ટીના પ્રતીક તરીકે ઓળખીએ છીએ. પરંતુ કમળની ઓળખ આટલા પુરતી સીમિત નથી. કમળનું હિન્દુ અને બૌધ્ધ ધર્મમાં ઘણું મહત્વ છે.

અધ્યાત્મ, સંસ્કૃતિ, ધર્મ અને માન્યતાઓના જગતમાં કમળ એક મૂલ્યવાન પ્રતીક છે. કમળને એક દૈવી વનસ્પતિ હોવાનું ગૌરવ પ્રાપ્ત છે, કારણ કે આ ફૂલ નંદનવનની પણ શોભા વધારનારું છે.

હિન્દુ ધર્મમાં કમળ આધ્યાત્મિક જ્ઞાન અને ચેતના, સૌંદર્યપરક દ્રષ્ટિકોણ અને બુદ્ધિમતા, શુચિતા અને પવિત્રતા, સમુદ્ધિ તથા અનંતકાલીનતાને દર્શાવે છે. માનવામાં આવે છે કે મનુષ્યમાં જે સાત યૌગિક ચક્રો આવેલા છે, તેના અંતિમ સહસ્ત્રાર ચક્રમાં હજારો પાંખડીવાળું કમળ સ્થિત છે. કહેવાય છે કે આ સાતમું ચક્ર સૌથી મહત્વપૂર્ણ ચક્ર છે. સાધક સાધના કરતો-કરતો જ્યારે આ સપ્તમ ચક્ર સુધી પહોંચે છે, ત્યારે આ સહસ્ત્રદલ કમળ ખીલે છે. જેનાથી સાધકનો જ્ઞાનોદય થાય છે અને તે પોતાના ઊર્જાવાન, સૂર્ય જેવા પ્રચંડ પ્રકાશ સાથે, જેમ હજારો નદીઓનું પાણી સાગરમાં મળે છે, તેમ સર્વોચ્ચ કક્ષાના વિચાર થકી આંતરિક જ્ઞાન અને બ્રહ્માંડ સાથે જાેડાઈ જાય છે. અહીં પણ કમળનું પ્રતીક ચૂંટવામાં આવ્યું છે, કારણ કે સંસારની સૌથી પવિત્ર ચીજ-વસ્તુઓમાં કમળનું સ્થાન મોખરે છે. સહસ્ત્રાર ચક્રનું કમળ ખીલતા જ સર્વાત્કૃષ્ટ આત્માનુભૂતિ કે કહો આત્માસાક્ષાત્કાર અથવા ઈશ્વરાનુભૂતિ થઈ જાય છે. તેની એક-એક પાંખડી અંતિમ ચેતનાનું રૂપ લઈ ખીલી ઉઠે છે અને માણસને પરમ આનંદની અનુભૂતિ થાય છે.

કમળનું ફૂલ પોતાની ભીતર એક તેજસ્વીતા, એક આશા, એક ભવ્યતા, એક સૌંદર્યોપાસના, એક થનગનાટ, એક ચૈતસિક આનંદ લઈને બેઠું હોય છે એવા પાણીમાં કે જ્યાં અત્ર-તત્ર-સર્વત્ર કાદવ અને કીચડનો પ્રકોપ છે, એવી ગંદગીમાં કમળ અને નિર્લેપ, નિર્વ્યાજ, નિઃસ્વાર્થ અને નિસ્પૃહ યોગીની માફક સમાધિસ્થ અવસ્થામાં હોય એવું લાગે છે.

વિચાર કરો એક એવા અસ્વચ્છ પાણીમાં ફક્ત પાંદડા જ પાંદડા હાલક-ડોલક થતા હોય તો દૃશ્ય કેટલું નિરાશાજનક અને ઉદાસીભર્યુ લાગશે પણ એમાં થોડાક કમળ ખીલ્યા હોય તો એ ગંદુ પાણી પણ સુંદરતાથી છલકાઈ ઉઠશે. એ દૃશ્ય જાેઈને કોણ પ્રસન્ન કે આનંદવિભોર નહિ થઈ જાય?!

કમળ કહે છે કે મને ભલે ક્યારો, કુંડું કે બાગ-બગીચા ન આપો, ભલે ને વિધિવત્‌ મારો ઉછેર ન કરો, પરિસ્થિતિ પણ ગમે તેવી વિપરીત કેમ ન હોય, મારા સૌંદર્યની સફળતા એમાં છે કે હું સતત સંઘર્ષ કરીને પણ ખીલી જાઉં અને ખીલવું પણ કેવું?! અત્યંત મનમોહક અને નયનરમ્ય. મનને પોતાની સામાન્ય સાંસારિક કક્ષાથી ઉપર ઉઠાવીને કોઈ દિવ્ય લોકમાં યાત્રા કરાવનાર હોય છે, કમળને નયન ભરીને નીરખવાની ઘટના!

ઓશોની એક પ્રવચન માળાનું નામ છે. ‘ધ્યાન કે કમલ’. ધ્યાનની છેલ્લી સમાધિની દશામાં માણસ કમળ જેવો પૂર્ણપણે ખીલી જતો હોય છે એટલે અહીં ધ્યાનને કમળ કહ્યું. માણસ ચાહે તો કમળના ફૂલ પર અર્ધા ખુલા-અર્ધા બંધ નેત્રોથી ધ્યાન લગાવી શકે. કમળની બધી લાક્ષણિકતાઓનો લાભ સાધકને મળી શકે એવી છે કમળની યુગે-યુગે પ્રાસંગિકતા, કારણ કે કોઈપણ કાળ હોય, ધર્મ હોય, સ્તર હોય, લિંગ હોય, જાતિ હોય, રંગ-રૂપ હોય, ભાષા હોય કશાનાંય ભેદ વગર કમળ ધ્યાનાર્થીને આકર્ષે છે. આ મહાન ફૂલના જન્મની માન્યતા છે કે તે ભગવાન વિષ્ણુજીની નાભિમાંથી ઉત્પન્ન થયું અને તે ફૂલમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ માનવામાં આવે છે, જેમણે આ સંસારની રચના કરી એટલે સંસારની મૂળમાં પણ કમળ અને સંન્યાસની પરમ ઉપલબ્ધિ પણ કમળ, જેને આપણે અગાઉ સહસ્ત્રદલ કમલ કહ્યું. તે સિવાય ભગવાન બ્રહ્મા, માતા લક્ષ્મી, સરસ્વતી, ગાયત્રીએ પણ કમળના ફૂલને આસન બનાવ્યું છે તો માતા લક્ષ્મીને લાલ કમળ પસંદ છે. ભગવાન શ્રીનારાયણને પણ કમળ અર્પિત કરો તે પસંદ છે. સાથે ભગવાન શિવને પણ કમળ અર્પણ કરો તે પ્રિય છે. એકવાર રાવણે પણ પોતાની મનોકામના પૂર્તિ માટે ભગવાન શિવને એક હજાર કમળ-પૂષ્પ ચઢાવવાનો સંકલ્પ લીધો હતો ને શાસ્ત્રોમાં લખાયું છે કે એક ફૂલ ઓછું પડતા પોતાના નયનરૂપી કમલને શરીરમાંથી કાઢી અર્પિત કર્યું હતું! એટલે કે માત્ર દેવતાઓ જ નહીં, રાક્ષસો સાથે પણ કમળના તંતૂ જાેડાયેલા છે!

રખે ને કોઈ માને કે આટલું પવિત્રતમ પૂષ્પ તો માત્ર દેવતાઓનું જ સાંનિધ્ય ગ્રહણ કરતું હશે તો રાવણની વાર્તા એ વાતની પુષ્ટિ કરે છે કે કમળથી લાભ તો રાક્ષસ પણ લઈ શકે છે. કમળ તો તટસ્થ છે. કોણ તેના થકી કોને રીઝવે તે બાબતે તે મૌન છે!

આ તો થઇ અધ્યાત્મ, ધર્મ અને સંસ્કૃતિની વાત. હવે જાેઇએ આજના ભારતમાં કમળનું શું મૂલ્ય છે? ભારતમાં ૨૬ જાન્યુ. ૧૯૫૦ના રોજથી કમળને રાષ્ટ્રીય ફૂલનો દરજ્જાે પ્રાપ્ત છે. અહીં તેને ધનસંપદા અને વિજયના પ્રતીક તરીકે જાેવામાં આવે છે. ખૈર, આ ફૂલને રાષ્ટ્રીય ફૂલ માનવાના કારણો શું હોઇ શકે? એક, ભારતને પૂર્ણ ખીલેલા અને વિકસેલા દેશ તરીકે જાેવાની મંશા. બીજું કમળ વિતરાગતા, અનાસકિતની સાથોસાથ સુંદરતાનું પણ પ્રતીક છે ને ત્રીજું, સાવ જ ખરાબ પાણી વાળી જગ્યાઓએ પણ ખીલી જાય છે. ચોથું ખૂબ ગંદકી હોવા છતા તે ગંદકીથી પર છે, તેને ગંદું કરી શકાતું નથી. પાંચમું, ભારતીય માનસમાં કમળ પ્રત્યે એક અહોભાવની લાગણી છે કારણ કે તે કેટલાય ભગવાનનું આસન પણ છે ને કેટલાય દેવી-દેવતાઓને તે ચઢે પણ છે .

પ્રેરણાની વાત સાથે છેલ્લે જાેઈએ કે કમળના સંસ્કૃત પર્યાય કેટલા છે! એમાંના થોડાં આ પ્રમાણે છે ઃ પદ્મ, સરોજ, જલજ, નલિન, અરવિંદ, રાજીવ, ઉત્પલ, કુવલય, અબ્જ, કૈરવ, જલજાત, મૃણાલ, શતપત્ર, કુલીન, સારસિજ, તામરસ, ઈન્દિવર, નીરજ, પુષ્કર, કમલા, અમ્ભોજ, જલરાજ.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution