વામન જયંતિએ વિષ્ણુ ભગવાને વામન અવતાર ધારણ કર્યો હતો

ભાદરવા મહિનાની શુક્લ પક્ષની બારમી તિથિ એ ઉજવાય છે ‘વામન જયંતી’, કે જે ‘વામન દ્વાદશી’ના નામે પણ ઓળખાય છે. ભાગવત મહાપુરાણ અનુસાર ત્રેતાયુગમાં ભગવાન વિષ્ણુ વામન અવતાર લઈને દેવમાતા અદિતીના ગર્ભથી પ્રગટ થયા હતા. માટે એમના પ્રાગટ્ય દિવસને વામન જયંતી તરીકે ઉજવવામાં આવે છે. ‘પર્વની પાઠશાળા’ માં અગાઉ જ્યારે દેવશયની એકાદશી પ્રસંગે આપણે વામન ભગવાનનો થોડો પરિચય મેળવ્યો ત્યારે તેમના જન્મદિવસ પ્રસંગે વિસ્તારથી પરિચય મેળવીશું.

ભગવાન વિષ્ણુના કુલ દસ અવતારોમાં પ્રથમ ચાર અવતાર મત્સ્ય, કૂર્મ, વરાહ અને નૃસિંહ એમ પ્રાણીરૂપ ધારણ કર્યા પછી પાંચમા અવતારમાં ‘વામન’ રૂપે મનુષ્ય બનીને પ્રગટ થયા. પરમ જ્ઞાની બ્રાહ્મણ બાળક, નાનું કદ, સાદા વસ્ત્રો, માથે શિખા, યજ્ઞોપવિત, હાથમાં છત્રી અને લાકડાનું પાત્ર એવો દિવ્ય અને પ્રભાવશાળી વેશ એમણે ધારણ કર્યો અને સર્વે દેવોની સમસ્યા ઉકેલવા સ્વર્ગ અને પૃથ્વીનું રાજ્ય પાછું મેળવ્યું. માટે એવું માનવામાં આવે છે કે વામન જયંતીએ ભગવાન વામન અને વિષ્ણુની પૂજા કરવાથી અધૂરા કાર્યો અને મનોકામનાઓ પૂર્ણ થાય છે. આપણા શાસ્ત્રોમાં તેમની પૂજા અને વ્રત કરવાના વિધાન આપ્યા છે. આ દિવસે વહેલી સવારે માટી અથવા ધાતુથી બનેલી વામન ભગવાનની પ્રતિમાની સ્થાપના કરી, પીળા વસ્ત્રો, પીળા ફૂલ, પીળા ફળો અને નૈવેદ્ય વગેરે અર્પણ કરી પૂજા અને આરતી થાય છે. તેમજ આખા દિવસનો ઉપવાસ, સાંજે વામન ભગવાનની કથાનું શ્રવણ અને વાંચન તથા અંતે પ્રસાદ લઈને વ્રત પૂર્ણ કરવામાં આવે છે. આ દિવસે નાના બાળકોને વામનરૂપ ગણી ‘બટુક ભોજન’ કરાવવું તેમજ ધોતિયું, ઉપવસ્ત્ર અને ઉપયોગી વસ્તુ દાન દક્ષિણા આપવાનું પણ વિશેષ મહત્વ કહ્યું છે. આ ઉપરાંત વામન દ્વાદશીએ ચોખા, દહીં અને મિસરીનો પ્રસાદ આપવાનો પણ વિશેષ મહિમા છે. ભગવાન વામનની કથા સનાતન સંસ્કૃતિમાં મહત્વના સ્થાને તો છે જ પરંતુ આપણને એક અનેરો બોધ આપે છે.

આ એ સમયની વાત છે જ્યારે પ્રહલાદના પૌત્ર અસુરરાજ બલિએ તપ અને શક્તિઓના બળે પૃથ્વી અને સ્વર્ગ પર વિજય મેળવ્યો. ઇન્દ્ર સહિત સૌ દેવો હતાશ થયા અને તેમની માતા અદિતિ પાસે ગયા. પુત્રોની વ્યથા જાેઈ માતા અદિતિએ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી. જેના ફળસ્વરૂપ ભગવાન વિષ્ણુએ તેમના ગર્ભથી વામન અવતાર રૂપે જન્મ લેવાના આશીર્વાદ આપ્યા. ભાદરવા શુક્લ બારસને દિવસે તેમનો જન્મ થયો. નાનું કદ પણ અપાર બ્રહ્મજ્ઞાન સાથે તેજસ્વી બાળકરૂપે તેઓ પ્રગટ થયા. સર્વે દેવોએ તેમને અઢળક આશીર્વાદ અને છત્ર, લાકડી, લાકડાનું પાત્ર વગેરે વસ્તુઓ ભેટ આપી. સૌના કલ્યાણ માટે વામન ભગવાન રાજા બલિને મળવા નીકળ્યા. ગંગા નદીના કિનારે રાજા બલિ યજ્ઞ કરી રહ્યા હતા. મહાદાની તરીકે ઓળખાતા બલિરાજ પાસે આ પ્રસંગે દાન લેવા બ્રાહ્મણો હાજર હતા. ક્યાંકને ક્યાંક બલિરાજને પણ દાની હોવાનું અભિમાન હતું. દેવોની સહાય કરવા અને તેના અભિમાનને તોડવા માટે ભગવાન વામન ત્યાં આવ્યા અને રહેવા માટે દાનમાં ફક્ત ત્રણ ડગલાં ભૂમિ માંગી. રાજાને આશ્ચર્ય થયું. આટલો નાનો તેજસ્વી બાળક દાનમાં ધન કે ઐશ્વર્યને બદલે ફક્ત ત્રણ પગ જમીન કેમ માંગે છે? ત્યારે અસુરોના ગુરુ શુક્રાચાર્યને શંકા થઈ અને તે ભગવાનની લીલા પારખી ગયા. તેમણે તરત બલિરાજને પડખે લીધો અને જણાવ્યું કે આ કોઈ સામાન્ય બાળક નથી પણ ભગવાન વિષ્ણુ રૂપ બદલીને આવ્યા છે. જાે ખરેખર ભગવાન આવ્યા છે તો આ પ્રસંગે એમને પણ દાન દીધા વિના નહીં રહું એમ વિચારી બલિ રાજાએ કમંડળમાં જળ લીધું. છેવટે એ દાનના સંકલ્પને રોકવા માટે શુક્રાચાર્ય સૂક્ષ્મરૂપે એ પાત્રના મુખમાં પેસી ગયા. જળ રોકાયું એટલે ભગવાન વામને ઘાસના તૃણથી અવરોધ હટાવ્યો જેને કારણે શુક્રાચાર્યની એક આંખ હણાઈ ગઈ અને તેઓ બહાર આવ્યા. દાનનું સંકલ્પ વળતાં જ નાના એવા વામનએ વિશાળ રૂપ ધારણ કરી એક ડગલામાં પૂરી પૃથ્વી આવરી લીધી અને બીજા ડગલામાં પૂરું સ્વર્ગ! આ દ્રશ્ય જાેઈ બલિરાજ ધન્ય થયા. હવે ત્રીજું ડગલું મૂકવા કોઈ સ્થાન ન રહ્યું ત્યારે પૂરા ભક્તિભાવ સાથે રાજાએ તેમના ચરણ પકડીને પોતાના મસ્તક પર ધરી સમર્પણ કર્યું. બલિ રાજાની ભક્તિથી ભગવાન પ્રસન્ન થયા અને તેમને પાતાળલોકના રાજા બનાવ્યા. આ કથા આપણને અભિમાન નહીં કરવાનું અને સરળ અને સહજ રહેવાનું તેમજ નિરાભિમાની બનવાનું મહત્વ શીખવે છે. એક તરફ ગુજરાતમાં જ્યારે ‘બટુક ભોજન’ સાથે વામન જયંતી ઉજવવાની પ્રથા જાેવા મળે છે ત્યારે ખાસ કરીને દક્ષિણ ભારતમાં દસ દિવસીય ઉત્સવ રૂપે ઓણમ ઉજવાય છે જેમાં ભગવાન વામન અને બલિ રાજાની પૂજા થાય છે. એવું માનવામાં આવે છે કે ઓણમ વખતે બલિ રાજા પાતાળમાંથી પૃથ્વી પર પોતાની પ્રજાને મળવા આવે છે. માટે એ પ્રદેશમાં ઓણમ ખૂબ જ ઉત્સાહથી ઉજવાય છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution