લેખકઃ ડો.કૌશિક ચૌધરી |
સનાતન ધર્મની શરૂઆત થાય છે ચાર વેદથી જે ક્રમમાં લખાયેલા છે. ઋગ્વેદ,યજુર્વેદ,સામવેદ અને અથર્વવેદ. દરેક વેદ ચાર પ્રકારના ગ્રંથોનો સમૂહ છે જે પણ ક્રમમાં આવે છે. સંહિતા, બ્રાહ્મણ ગ્રંથ, આરણ્યક અને ઉપનિષદ - આ ચાર પ્રકારના ગ્રંથથી એક વેદ બને છે. સૌથી પહેલો ગ્રંથ છે ઋગ્વેદ જેનો સંહિતા ભાગ સૌથી મોટો છે. તે પૃથ્વી પરનો સૌથી પ્રાચીન ગ્રંથ છે અને ભારતીય સનાતન સભ્યતાની શરૂઆત છે. તેમાં તેત્રીસ પ્રકારના દેવોની પૂજા કે યજ્ઞો દ્વારા આહ્વાન કરવામાં આવ્યું છે. અહીંથી ભારતના ધર્મની શરૂઆત થાય છે. આ તેત્રીસ દેવોમાં છે બાર આદિત્ય એટલે કે સૂર્ય સાથે જાેડાયેલા દેવો, આઠ વસુ, અગિયાર રુદ્ર અને બે અશ્વિની કુમાર. ઋગ્વેદમાં અલગ અલગ એમ કુલ દસ મંડળ છે અને દરેક મંડળમાં અલગ અલગ સંખ્યામાં સૂક્ત છે. દરેક સૂક્તમાં કેટલાક મંત્રો છે. દરેક સૂક્ત કોઈ નિશ્ચિત દેવના આહ્વાન માટે કોઈ નિશ્ચિત ઋષિએ કોઈ નિશ્ચિત છંદમાં રચાયેલ મંત્રોથી બન્યું છે. એ ઋષિ, દેવ અને છંદનું નામ દરેક સૂકતની શરૂઆતમાં લખવામાં આવ્યું છે.
ઋગ્વેદના પ્રથમ મંડળના પ્રથમ સૂક્તનો પ્રથમ શ્લોક અગ્નિના આહ્વાન માટે છે. અગ્નિ સહિત પંચમહાભુતોના દેવ પૃથ્વી, વાયુ, વરુણ, આકાશ અને તે સિવાય સૂર્ય, ચંદ્ર અને નક્ષત્ર એમ આ આઠ વસુઓ કહેવાય છે, જેમના આહ્વાન માટેના પોતપોતાના સૂક્ત છે. એજ રીતે સૂક્ત છે બાર આદિત્યોના, જેમાં છે વિવસ્વાન, આર્યમા, ત્વસ્તા, સાવિત્ર,ભગ, ધત, મિત્ર, વરુણ, અમસા, પુશન, ઇન્દ્ર અને છેલ્લે છે વિષ્ણુ. કેટલીક ખોટી ધારણાઓ છે કે બાર આદિત્ય એટલે બાર સૂર્ય કે સૂર્યના બાર નામ. પણ અસલમાં આદિત્ય એટલે જે સૌથી તેજસ્વી છે તે સૂર્યનો આધાર લઈ તેના તેજ પાછળ રહેલા તેનાથી પણ વિશેષ અને મૂળ તેજસ્વી સ્ત્રોત સુધી લઈ જતા દેવ. જેમ કે વિવસ્વાન એ આજના સૂર્યનું નામ છે, તો તે સૂર્ય છે. પણ ઇન્દ્ર એ વીજળી અને વરસાદ સાથે જાેડાયેલ દેવ છે જે ઋગ્વેદમાં મનુષ્યો સાથે સીધી રીતે જાેડાયેલો અને વારંવાર તેમની રક્ષાએ આવતો આદિત્ય છે. એટલે જ ઋગ્વેદમાં સૌથી વધુ આહ્વાન કરતા સૂક્ત ઇન્દ્ર માટે છે. આર્યમાન આપણી આખી આકાશગંગામાં ભ્રમણ કરનાર એ આદિત્ય છે જે સવારથી બપોર વચ્ચેના સૂર્ય તરીકે તપે છે. તે ઘોડાઓનું રક્ષણ કરનાર અને લગ્ન જેવા પ્રસંગોમાં વિધિઓને સફળ કરનાર દેવ છે. ભગ ભાગ્ય ચમકાવનાર, તો ધત્ સ્વાસ્થ્ય આપનાર આદિત્ય છે. સાવિત્ર સૂર્યોદય પહેલાં સુષુપ્ત રહેનાર સૂર્યની મૂળ શક્તિ છે, મિત્ર સવારની સંધ્યા સમયનું તેજ છે જે સિધ્ધાંતો, સંધિઓ, નિયમો અને સત્યનું રક્ષણ કરનાર દેવ છે, તો વરુણ સાંજની સંધ્યા સમયનું તેજ છે. પૂષન મુસાફરી દરમિયાન રક્ષણ આપનાર આદિત્ય છે. પણ આ બધાથી વિસ્તૃત આદિત્ય છે છેલ્લો આદિત્ય વિષ્ણુ. ઋગ્વેદના પ્રથમ મંડળના બાવીસમા સૂક્તના સોળથી એકવીસમા શ્લોકમાં પહેલીવાર વિષ્ણુનો ઉલ્લેખ આવે છે અને ત્યાં જ વિષ્ણુની વ્યાખ્યા કરવામાં આવી છે. એ જે સર્વત્ર વ્યાપક છે તે વિષ્ણુ. તમામ તેત્રીસ કોટી દેવતાઓમાં આ એકમાત્ર દેવ છે જેને કહેવાયો છે કે તે સર્વ સ્થાને સૂર્યના તેજની જેમ વ્યાપેલો છે, અને તે જ બધાં લોકને ધારણ કરે છે. તે મનુષ્યોની મદદ કરવામાં ઇન્દ્રનો શ્રેષ્ઠ મિત્ર છે, તેના ત્રણ ડગલાંમાં પૃથ્વી લોક, દ્યુલોક અને અંતરિક્ષ મપાઈ જાય છે. આમ, ભલે ઇન્દ્ર અને અન્ય દેવોને સમર્પિત સૂક્ત ઋગ્વેદમાં વધુ હોય,પણ સર્વવ્યાપક દેવ તરીકે સૌથી મૂળભૂત શક્તિ ધરાવતા દેવ તરીકે વિષ્ણુનું મહત્વ એ રીતે જ દેખાય છે જેમ મહાભારતમાં વધુ સમય ચર્ચાતા કુરુવંશીઓ વચ્ચે શ્રીકૃષ્ણનું વર્ણન અને તેમની ઉપસ્થિતિ દેખાય છે. પ્રથમ મંડળમાં જ આગળ એકસો ચોપનમું સૂક્ત વિષ્ણુ સૂક્ત તરીકે વિષ્ણુનો યશ વર્ણવે છે, જે ૧૫૫ અને ૧૫૬માં સૂક્ત સુધી ચાલુ રહે છે. ફરી સાતમા મંડળમાં નવ્વાણું અને સોમાં સૂક્તમાં સર્વવ્યાપક દેવ તરીકે વિષ્ણુનો યશગાન અને આહ્વાન છે. અને પછી ઋગ્વેદનો સંહિતા ભાગ પૂર્ણ થાય છે, અને ઋગ્વેદના બ્રાહ્મણ ભાગ તરીકે ઐતેરેય બ્રાહ્મણનો પહેલો જ શ્લોક આવે છે, ‘અગ્નિ દેવોમાં સૌથી નીચે અને વિષ્ણુ દેવોમાં સૌથી ઉચ્ચ છે. બાકી બધા દેવો તે બંનેના વચ્ચે છે.’(ઐતેરેય બ્રાહ્મણ ૧.૧.૧.)
આમ, ઋગ્વેદના સંહિતા ભાગમાં જે વિષ્ણુને ફક્ત પાંચ જ સૂક્ત આપી તેત્રીસ દેવોમાં પડદા પાછળ બેઠેલા સર્વવ્યાપક દેવ તરીકે વચ્ચે વચ્ચે રજૂ કરાઈ રહ્યા હતા, તેમને ઋગ્વેદના બ્રાહ્મણ ભાગના પહેલા શ્લોકમાં સૌથી ઉચ્ચ દેવ તરીકે સ્થાપિત કરાય છે. અને તે પછી રચાયેલા બીજા વેદ યજુર્વેદમાં તો વિષ્ણુને જળને ઉત્પન્ન કરનારા નારાયણ કહીને આખું એક નારાયણ સૂક્ત આપી દેવાય છે, જેનો પહેલો પ્રખ્યાત શ્લોક ‘ૐ સહનાવવતું સહનૌભુનકતું....’આપણે જાણીએ છીએ. નારાયણ સૂક્ત નારાયણને સૃષ્ટિના મૂળ ઈશ્વર કહી તેમનું યશગાન કરે છે. ‘નારાયણ સનાતન શુભ છે અને તે અચળ અને અપરિવર્તનશીલ છે. આ નારાયણ સૌથી વધુ જાણવા જેવા છે. તે બધાનું આંતરિક માનસ છે. તે સર્વોચ્ચ પદાર્થ છે અને પ્રાપ્તિનું સર્વોચ્ચ લક્ષ્ય છે. નારાયણ એ પરમ બ્રહ્મ છે. નારાયણ એ પરમ વાસ્તવિકતા છે. એ પરમ પ્રકાશ છે. નારાયણ એ સર્વોપરી સ્વયં છે.’- આ યશગાન પછી એ જ નારાયણ સૂક્તનો છેલ્લો શ્લોક આવે છેઃ
ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ।
તન્નો વિષ્ણુઃ પ્રચોદયાત્॥
અર્થાત્- એ નારાયણ અને વાસુદેવ એક જ છે, અને એજ વિષ્ણુ છે, તે વિષ્ણુને અમે પ્રણામ કરીએ છીએ.
વાસુદેવ એટલે સર્વત્ર વસેલા દેવ જે આઠ વસુઓના પૂજ્ય દેવ છે. આ શ્લોક યજુર્વેદ અને અન્ય વેદોમાં વારંવાર (પચીસથી ત્રીસ વાર) આવે છે, જે ભગવાન વિષ્ણુના નારાયણ અને વાસુદેવ રૂપે યશોગાન કરી તેમને ઋગ્વેદના વિષ્ણુ તરીકે સતત ઓળખાવતો રહે છે. અને ત્યાં આપણી નજર પડે છે ઋગ્વેદના અંતમાં દસમા મંડળના નેવુંમાં સૂક્ત તરીકે આવતા પુરુષ સૂક્ત પર, કે જે પુરુષ અને વિરાટ પુરુષ તરીકે સમગ્ર બ્રહ્માંડને પોતાનામાં સમાવેલા મૂળ ઈશ્વરનું વર્ણન કરે છે. તે પુરુષ સૂક્તના આહ્વાન કરાતા દેવ તરીકે નારાયણનું નામ છે, જ્યારે આખા ઋગ્વેદમાં આહ્વાન કરાયેલ તેત્રીસ કોટી દેવોમાં નારાયણ નામનો કોઈ ઉલ્લેખ નથી, એ પહેલીવાર યજુર્વેદમાં આવે છે. આથી મનાય છે કે પુરુષ સૂક્ત ઋગ્વેદમાં પાછળથી સામેલ કરાયું છે.
આમ, એ વાત એક અજ્ઞાન છે કે પુરાણોના ભગવાન વિષ્ણુ વેદોમાં કોઈ નાના દેવ છે અને ઇન્દ્ર મોટા દેવ છે. ઇન્દ્રનો ઉલ્લેખ ઋગ્વેદમાં વધુ છે કારણકે તે વધુ ઉપલબ્ધ દેવ છે, જ્યારે ઋગ્વેદ જ એ પહેલો ગ્રંથ છે જે ભગવાન વિષ્ણુને સર્વવ્યાપક દેવ તરીકે પ્રગટ કરે છે અને બ્રાહ્મણ ભાગમાં તેમને સર્વોચ્ચ દેવ તરીકે સ્થાપિત કરે છે. અહીં એ વાત પણ ધ્યાન રાખવાની છે કે જે વેદ વ્યાસે ચારેય વેદોનું સંકલન કર્યું છે એ જ વેદ વ્યાસ ઋષિએ કે તેમની પરંપરાના વેદ વ્યાસ તરીકે ઓળખાતા ઋષિઓએ અઢારે અઢાર પુરાણ લખ્યા છે. એટલે પુરાણોમાં એજ વિસ્તૃત અને લોકભોગ્ય બનાવાયું છે જે વેદોમાં પહેલેથી ઉપસ્થિત છે. વેદોમાં જ ઈશ્વરને નિરાકાર સાથે સાકાર તરીકે પણ ઉપસ્થિત કરાયા છે, પુરાણોમાં બસ તેમને એક શરીરનો આકાર અને કથાઓ આપી ભક્તિમય અને લોકભોગ્ય બનાવાયા છે.
Loading ...