ઢાકા: ટી-૨૦ વર્લ્ડકપ 2024માં બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના લોજિસ્ટિક્સ મેનેજર તરીકેની જવાબદારી સંભાળનાર બાંગ્લાદેશના ભૂતપૂર્વ ખેલાડી નફીસ ઈકબાલને બ્રેઈન હેમરેજ થયું છે. તેના મગજના કેટલાક ભાગોમાં લોહીના ગંઠાવાનું નિર્માણ થયું છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના ડોક્ટરોના જણાવ્યા અનુસાર તેને ઢાકાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હાલમાં તે ખતરાની બહાર છે અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના ડૉક્ટર દેબાશીષ ચૌધરીએ જણાવ્યું કે નફીસ ઈકબાલ સેરેબ્રલ વેનસ થ્રોમ્બોસિસ નામની બીમારીથી પીડિત છે. તેના મગજના કેટલાક ભાગોમાં લોહીના ગંઠાવાનું નિર્માણ થયું છે. આગામી કેટલાક દિવસો સુધી તેની હોસ્પિટલમાં સારવાર ચાલશે. અહીં તે 24 કલાક ડોક્ટરોની દેખરેખમાં રહેશે. તે ખતરાની બહાર છે અને તેની હાલત હવે ઠીક છે. તે ટૂંક સમયમાં સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના ડિરેક્ટર જલાલ યુનિસ, મુખ્ય કાર્યકારી નિઝામુદ્દીન ચૌધરી, મહમુદુલ્લાહ, મુશફિકુર રહીમ અને મશરફે મોર્તઝા જેવા ખેલાડીઓ હોસ્પિટલમાં નફીસને મળવા પહોંચ્યા હતા. નફીસ ઇકબાલ છેલ્લા બે વર્ષથી બાંગ્લાદેશ ટીમના મેનેજર તરીકે કામ કરી રહ્યો હતો. તે તાજેતરમાં સમાપ્ત થયેલા ટી-૨૦ વર્લ્ડ કપમાં ટીમ મેનેજર તરીકે અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ પણ પહોંચ્યો હતો. નફીસે તેની છેલ્લી મેચ 2006માં બાંગ્લાદેશ માટે રમી હતી. નફીસે તેની કારકિર્દીમાં 1 સદી અને 4 અડધી સદી પણ ફટકારી છે. નફીસે ઝિમ્બાબ્વે સામેની ટેસ્ટ મેચમાં પોતાની એકમાત્ર સદી ફટકારી હતી. હાલમાં તે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ સાથે સંકળાયેલો હતો.