અમદાવાદ-
અરજદારે હાઈકોર્ટમાં પિટિશન કરી હતી કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો અલગ-અલગ દિવસે જાહેર કરવાને બદલે એક જ દિવસે જાહેર કરવા જોઈએ. તેની સામે ચૂંટણી પંચે પોતાનો જવાબ રજૂ કરતા જણાવ્યું હતું કે, મત ગણતરી અલગ-અલગ દિવસે થાય તેમાં અરજદારનો કોઈ કાનૂની કે બંધારણીય અધિકાર છીનવાતો નથી, તેથી અરજદારની પિટિશન ટકવા પાત્ર નથી. ત્યારબાદ હાઈકોર્ટે આ અંગે થયેલી અરજી ફગાવી હતી જેથી હવે મત ગણતરી અલગ-અલગ દિવસે જ થશે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ચૂંટણી પંચે હાઇકોર્ટમાં 303 પાનાનું સોગંદનામું રજૂ કર્યું હતું, જેમાં રજૂઆત કરાઈ હતી કે, ચૂંટણીપંચ બંધારણીય દરજ્જો ધરાવતી સ્વાયત્ત સંસ્થા છે અને ભુતકાળમાં પણ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણીઓ અલગ-અલગ તારીખે યોજાઈ છે. આ સોગંદનામું ચૂંટણીપંચના જોઈન્ટ કમિશ્નર એ.એ. રામાનુજે રજૂ કર્યું હતું. ચૂંટણીપંચે જણાવ્યું હતું કે, ગ્રામીણ વિસ્તારો અને શહેરી વિસ્તારોની સમસ્યાઓ અને જરૂરિયાતો અલગ-અલગ છે, તેથી ગ્રામીણ વિસ્તારના મતદાર અને શહેરી વિસ્તારના મતદારના પ્રશ્નો પણ અલગ-અલગ છે. આમ, જો મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામો અલગ-અલગ દિવસે જાહેર થાય તો તેમાં નાગરિકનો કોઈ બંધારણીય અધિકાર છીનવાતો નથી.