ગાંધીનગર-
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય અને મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ આજે સાંજ સુધીમાંથી ઉમેદવારો ભાજપ જાહેર કરશે. આવતીકાલે ભાજપ કાર્યાલય પરથી ઉમેદવારો પોતાના ચૂંટણી અધિકારી પાસે ફોર્મ ભરવા જશે. 576 સીટ પર દરેક સીટ પર 60થી 70 કાર્યકર્તાઓએ દાવેદારી કરી હતી. તેમાં પણ સ્ક્રુટીની કરી યાદી તૈયાર કરી છે. આ અંગે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પ્રેસ કોન્ફરન્સ કરી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, સંગઠનમાં જે પણ પદાધિકારીએ ટિકિટ માગી છે તો રાજીનામું આપવું પડશે અને તે જગ્યા તાત્કાલિક ભરી દેવામાં આવશે. ટિકિટ અંગે ઉમેદવારોને ઈ-મેઈલથી જાણ કરવામાં આવશે. તેમજ આ ઉમેદવારે વિજય મુહૂર્તમાં એટલે કે 12 કલાકને 39 મિનિટે ફોર્મ ભરશે.
આગામી 21 ફેબ્રુઆરીના રોજ યોજાનારી 6 મહાનગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપે ઉમેદવાર પસંદગીના નિયમો બદલ્યા છે અને કઠોર નિર્ણય લીધા છે, જેમાં ભાજપ ભાઈ, ભાણિયા અને ભત્રીજા, 60 વર્ષથી વધુ ઉંમરના અને ત્રણ-ત્રણ ટર્મથી ચૂંટાતા દાવેદારોને ટિકિટ આપવામાં આવશે નહીં. મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની હાજરીમાં અને પ્રદેશ પ્રમુખ પાટીલની અધ્યક્ષતામાં મળેલી પાર્લમેન્ટરી બોર્ડની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. પાટીલે કહ્યું હતું કે પાર્લમેન્ટરી બોર્ડમાં ત્રણ મહત્ત્વના નિર્ણય લેવામાં આવ્યા છે કે 60 વર્ષથી વધુ ઉંમરનાકાર્યકર્તાઓને ટિકિટ આપવી નહીં, જેમની 3 ટર્મ પૂરી થઇ ગઇ હોય તેમને ટિકિટ નહીં આપવી અને આગેવાનોનાં સગાં-સંબંધીઓને ટિકિટ આપવી નહીં.