‘સાંભળવું’ એ ક્રિયા નહીં, પણ કળા

લેખકઃ ખ્યાતિ શાહ | 


અંજના રસોઈ કરતાં કરતાં વાત કરી રહી, ‘પન્નાકાકી મળ્યા હતા. સાવ લેવાઈ ગયા છે. દીકરા સાથે એમને અહીં ગોઠતું નથી એટલે ફરી દેશ જતાં રહેવાનું કહેતા હતા. આપણે સાંજે ઓફિસથી સીધા એમને મળી આવીએ. એમને સારું લાગશે.’ મોબાઈલમાં ખોવાયેલા ઉમંગે યંત્રવત ‘હં...’ કહી માથું ધૂણાવ્યું. રાત્રે ઉમંગ ઓફિસથી ઘરે આવ્યો, ઘર બંધ જાેઈ અંજનાને ફોન કર્યો ત્યારે ખ્યાલ આવ્યો કે એ તો પન્નાકાકીને ત્યાં એની રાહ જાેતી બેઠી છે.

સાંભળ્યું ન સાંભળ્યું કરવાની ઓછા વધતાં અંશે દરેકને આદત હોય છે. પતિ-પત્ની લગ્નના અમુક વર્ષો પછી, સાસુ-વહુના સંબંધમાં, કે બોસ-એમ્પ્લોય કે પછી ટીનએજ સંતાનો -પેરન્ટ્‌સ,અને ઘરકામ કરતાં હેલ્પર -શેઠાણી, આ બધા સંબંધોમાં એકબીજાનું સાંભળ્યું ન સાંભળ્યું કરીને નિભાવ્યે જતાં હોય છે. આમ જુઓ તો ક્યારેક આ સાંભળ્યું ન સાંભળ્યું કરવાની આદત સંબંધો બચાવવામાં મોટો ભાગ ભજવે છે. પણ જ્યારે સામે સંભળાવી દેવામાં આવે ત્યારે યુદ્ધ છેડાઈ જવાની સંભાવના વધુ રહે છે. એટલે જ કહેવાય છે કે બોલવું એ એક આવશ્યકતા છે પણ સાંભળવું એ કેળવવા જેવી કળા છે.

પ્રેમમાં પડેલ બે વ્યક્તિ કલાકો એકબીજા સાથે ચેટ કરતાં કે વાતો કરતાં જાેવા મળે છે. નાનામાં નાની અને ક્યારેક તો સાવ સીલી વાતો સાંભળતાં પણ પ્રેમીઓ કંટાળતા નથી! કદાચ એટલે જ પૉલ ટિલિકે લખ્યું છે કે ‘તમે કોઈને પ્રેમ કરતાં હો તો તમારી પહેલી ફરજ છે કે તમે એને ધ્યાનપૂર્વક સાંભળો.’ એકબીજાને જાણવા સમજવા માટે ધીરજથી કંટાળ્યા વગર દરેક વાત ધ્યાનપૂર્વક સાંભળવી જરૂરી છે. જ્યારે આપણી વાતને કોઈ એકાગ્રતાથી સાંભળે ત્યારે આપણને અંદરથી એ વ્યક્તિ માટે પોતીકાપણું જન્મે છે અને આપણે મુક્ત મને આપણી પીડા, સમસ્યા, આનંદ, સપનાં બધુ જ કહી નાખી હાશની લાગણી અનુભવીએ છીએ.

આપણાં શાસ્ત્રોમાં ૬૪ કળા વર્ણવવામાં આવી છે જેમકે નાટ્ય, નૃત્ય, ગાન, વાદ્ય, લેખન વિગેરે. સાંભળવું એ એક ક્રિયા ગણાય છે પણ એને કળા ગણવી જાેઈએ. દરેક માણસની ભીતર કેટકેટલું ભર્યું છે અને તે એને વ્યક્ત કરવું છે. કહી નાંખીને ખાલી થવા મથતા માણસને સાંભળનાર કોઈ મળતું નથી. એટલે જ સોશિયલ મીડિયામાં માણસ ઠલવાઈ જઈ હાશ અનુભવે છે. ફેસબુક, ઈનસ્ટા જેવી સોશિયલ નેટવર્કિંગ સાઇટની સફળતા પાછળનું મૂળ કારણ ખાલી થઈ શકવાની મોકળાશ છે. બહુ બોલનાર વ્યક્તિથી બધા આઘા ભાગે છે અને આવી વ્યક્તિ બધાના અણગમાનો ભોગ બને છે. નિવૃત્તિ ભોગવી રહેલાં વૃધ્ધો પાસે કોઈ ઝાઝીવાર બેસવું પસંદ નથી કરતું કારણ તેઓ એકની એક વાત ફરી ફરી કર્યા કરે છે. વૃધ્ધોને સાંભળનાર કોઈ હોતું નથી. એક બહેન વૃધ્ધાશ્રમ જઈ વડીલો સાથે સમય પસાર કરી એમને ધીરજથી સાંભળવાનું કામ કરે છે. વડીલો એમની સાથે વાત કરી હળવાશ સાથે પ્રસન્નતા અનુભવે છે અને મનનો ભાર ખાલી થવાથી એમની તબિયતમાં પણ સુધાર જાેવા મળે છે.

આપણે ખરેખર વાતચીત કરીએ છીએ ત્યારે સામેની વ્યક્તિની વાત સાંભળવા કરતાં આપણી વાત કહેવા માટે એટલાં તત્પર હોઈએ છીએ કે સામેની વ્યક્તિ વાત પૂરી કરે કે તરત આપણે આપણી વાત માંડી દઈએ છીએ. કોઈપણ વાતચીતમાં સામેની વ્યક્તિ શું કહી રહી છે તે સમજવાનો પ્રયત્ન કરવાને બદલે મનમાં ને મનમાં આપણે આપણી વાત ગોઠવતા હોઈએ છીએ. આમ જાેઈએ તો બે વ્યક્તિ વચ્ચે થતી વાતચીત દરમ્યાન ભાગ્યે જ બંને એકબીજાને સાંભળવા સમજવાનો પ્રયાસ કરતાં હોય છે.

ધીરજથી સાંભળનાર વ્યક્તિ બધાનો આદર અને પ્રેમ જીતી લે છે. પણ હા, સાંભળવામાં પણ કેટલીક શિસ્ત જરૂરી છે. જ્યાં સુધી પૂછવામાં ન આવે સામેથી કોઈ અભિપ્રાય આપવો નહીં. સાચા-ખોટા, સારા-ખરાબ નાં ત્રાજવે તોલવું નહીં, સાંભળતી વખતે સામેની વ્યક્તિને મોકળા મને ખાલી થવાની મોકળાશ આપવાની હોય, એની વાતો પરથી એને જજ કરવા ન જાેઈએ. સાંભળનારે એ વાતોને ભીતર સંઘરવી પણ ન જાેઈએ ન ક્યારેય કોઈ પાસે એનો ઉલ્લેખ કરવો જાેઈએ પરંતુ એ વાતો ત્યારે ત્યાં ને ત્યાં વીસરી જવી જાેઈએ. સાંભળવાની કળા જેમને સાર્થક હોય તેવા લોકોના સંબંધ મજબૂત હોય છે અને હંમેશ મીઠાશ જળવાઈ રહે છે.

મનોવૈજ્ઞાનિક શોધ કહે છે કે સાંભળવાની ક્રિયા મૂળે તો ધ્યાનની જ ક્રિયા છે. આપણી અંદર અને બહાર એટલો ઘોંઘાટ છે કે આપણી સાંભળવાની ક્ષમતા ઝડપથી ઓછી થઈ રહી છે. આપણી અંદર સતત ચાલતા વિચારો અને લાગણીઓનો ઘોંઘાટ આપણને બાહ્ય વાતાવરણ એટલે કે પ્રકૃતિના સૂક્ષ્મ આવજાે તરફ બેધ્યાન કરે છે. આંખ બંધ કરી આપણી ભીતર ચાલતા વિચારોને સમભાવે જાેતા રહી અને ધીરે ધીરે આપણું ધ્યાન શ્વાસ તરફ કેન્દ્રિત કરવાથી ભીતરનો ઘોંઘાટ ધીમે ધીમે સમી જશે અને આપણી ભીતરનો કોમળ ધ્વનિ આપણે સંભાળી શકીશું. આ ભીતરી અવાજ સાંભળવાની ક્રિયા એટલે જ ધ્યાન. જે ઉત્તમ શ્રોતા છે તે જ્ઞાની છે. જેનામાં સાંભળવાની કળા છે તે સાંભળીને ઘણું શીખી શકે છે ને બહુશ્રુતની કક્ષાએ પહોંચી શકે છે

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution