બાહુબલિની સફળતાથી પાન ઈન્ડિયા સ્ટાર બની ગયેલા પ્રભાસની કેટલીક બિગ બજેટ ફિલ્મો ફ્લોપ રહી હતી, પરંતુ આ બદનસીબી લાંબી ચાલી નથી. પ્રભાસને પાછલા વર્ષે રિલીઝ થયેલી ‘સાલાર’ના કારણે કમબેકનો ચાન્સ મળ્યો છે અને ફિલ્મમેકર્સનો વિશ્વાસ પણ વધ્યો છે. પ્રભાસના હાથ પર સંખ્યાબંધ ફિલ્મો છે અને તેનું શીડ્યુલ ભરચક ચાલી રહ્યું છે. પ્રભાસ પાસે તમામ ફિલ્મો મોટા બજેટની છે અને બજેટમાં મોટો ફાળો પ્રભાસની ફીનો હોય છે. જાે કે દરેક ફિલ્મ માટે કરોડો રૂપિયાની ફી વસૂલતા પ્રભાસે મિત્રતામાં ‘કનપ્પા’માં કેમિયો માટે એક રૂપિયો ફી લીધી નથી. ફિલ્મી દુનિયાની દોસ્તીમાં દિલદારી બતાવવાના આ ર્નિણયે પ્રભાસને સુર્યા અને શાહરૂખ ખાનની કેટેગરીમાં લાવી દીધો છે. પ્રભાસના હાથ પર સંખ્યાબંધ મોટા પ્રોજેક્ટ્સ છે. ટૂંક સમયમાં તેની ફિલ્મ ‘કલ્કિ ૨૮૯૮ એડી’ આવી રહી છે. અમિતાભ બચ્ચન અને દીપિકા પાદુકોણ સાથેની આ ફિલ્મ બાદ પ્રશાંત નીલની ‘સાલાર’ની સીક્વલનું શૂટિંગ શરૂ થશે. ‘રાજા સાબ’ અને સંદીપ રેડ્ડી વાંગાની ‘સ્પિરિટ’ પણ અંડર પ્રોડક્શન છે. પ્રભાસની આ તમામ ફિલ્મો રૂ.૩૦૦ કરોડથી વધુના બજેટમાં બનવાની છે. ફિલ્મના એકંદર બજેટમાં પ્રભાસની ફીનો પણ મોટો ફાળો છે. પ્રભાસે બિઝી શીડ્યુલ વચ્ચે વિષ્ણુ માંચુની ‘કનપ્પા’માં કેમિયો કરવાનું સ્વીકાર્યું છે. કેમિયોના એક ભાગનું શૂટિંગ પ્રભાસે પૂરું પણ કરી લીધું છે. ‘કનપ્પા’ના પ્રોડ્યુસર મોહન બાબુ છે અને તેમની સાથેની મિત્રતાના પગલે જ પ્રભાસે ચાર્જ લીધા વગર કેમિયો કરવાનું સ્વીકાર્યું છે. પ્રભાસ અને મોહન બાબુ અગાઉ ૨૦૦૮ના વર્ષમાં ‘બુજીગડુઃ મેડ ઈન ચેન્નાઈ’માં સાથે કામ કરી ચૂક્યા છે. પ્રભાસ પહેલા શાહરૂખ ખાને આર. માધવનની ફિલ્મ ‘રોકેટ્રીઃ ધ નામ્બિ ઈફેક્ટ’માં કેમિયો કર્યાે હતો. શાહરૂખે આ ફિલ્મમાં કોઈ ચાર્જ લીધા વગર કામ કર્યું હતું. ફિલ્મના તમિલ વર્ઝનમાં શાહરૂખ ખાનનો રોલ સુર્યાએ કર્યાે હતો. સુર્યાએ પણ ફી લીધા વગર કામ કર્યું હતું. કમલ હાસનની ‘વિક્રમ’માં સુર્યાનો કેમિયો હતો. સુર્યાએ રોલેક્સનો રોલ કર્યાે હતો. સુર્યાનો આ કેમિયો ફિલ્મના ક્લાઈમેક્સમાં જાેવા મળ્યો હતો અને તેનાથી ફિલ્મને લાભ થયો હતો. સુર્યાએ કમલ હાસન પ્રત્યેનો આદર વ્યક્ત કરતાં આ દમદાર રોલ માટે ફી લેવાનું ટાળ્યુ હતું. ફિલ્મની દુનિયામાં દોસ્તી અને સંબંધો માત્ર કહેવા પૂરતા હોય છે, તેવું અનેક વાર સાંભળવા મળે છે. જાે કે સંબંધો સાચવવા કે લાગણી દર્શાવવા માટે ઘણાં સ્ટાર્સ તોતિંગ ફી જતી કરવા તૈયાર થતા હોય છે.