વડોદરા, તા.૨૬
ભાજપ દ્વારા વિધાનસભાની ચૂંટણી માટે આજે સંકલ્પપત્ર જારી કર્યું હતું. જેમાં વડોદરા માટે વિશેષ કોઈ જાહેરાત તો કરાઈ નથી, પરંતુ ગાંધીનગર, સુરત મેટ્રોની કામગીરીને ઝડપથી પૂર્ણ કરવાની સાથે વડોદરામાં પણ મેટ્રોરેલ સેવા શરૂ કરવાનો સંકલ્પ જાહેર કર્યો હતો. વડોદરા શહેર-જિલ્લા સહિત મધ્ય ગુજરાત ભાજપનો ગઢ મનાય છે. ત્યારે ભાજપે જારી કરેલા તેના ચૂંટણી સંકલ્પમાં વડોદરા માટે શું આયોજન છે તેની અટકળો વચ્ચે વડોદરામાં મેટ્રોરેલ સેવા શરૂ કરાશે તેમ કહ્યું છે. ભાજપના સંકલ્પ અંગે વડોદરામાં મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહે પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં જણાવ્યું હતું કે, તમામ પ્રકારના ક્ષેત્રોને આવરી લઈને આગામી રપ વર્ષનો રોડમેપ સંકલ્પપત્રમાં તૈયાર કરવામાં આવ્યો છે.યુવાનો માટે રોજગારીની તક ઊભી થાય તે માટે ૮ જીઆઈડીસીની સ્થાપના તેમજ આવનાર પાંચ વર્ષમાં મહિલાઓ માટે એક લાખથી વધુ સરકારી નોકરીઓનું નિર્માણ, સમગ્ર ગુજરાતને આવરી લેતો ફોર-સીક્સ લેનનો ૬૦૦૦ કિ.મી.નો પરિક્રમપથ જેમાં સાઉથ ઈસ્ટર્ન પેરિફેરલ હાઈવે અને નોર્થ વેસ્ટર્ન પેરિફેરલ હાઈવે. ઉપરાંત શહેરોની ગીચતા ઘટાડવા માટે સેટેલાઈટ ટાઉનશિપ, ગુજરાત શહેરી વિકાસ મિશન હેઠળ રપ૦૦૦ કરોડનો ખર્ચ કરાશે તેમ પણ સંકલ્પપત્રમાં જણાવ્યું છે. મંદિરોના જિર્ણોદ્વાર, વિસ્તરણ માટે ૧૦૦૦ કરોડ ફાળવાશે તેમ પણ કહ્યું છે.