વડોદરા : દેહવ્યાપાર માટે કુખ્યાત મમતા હોટેલ ખાતે પીસીબીએ દરોડો પાડી સેક્સરેકેટ ઝડપી પાડયું છે. રેલવે સ્ટેશન પાછળના ભાગે આવેલી આ મમતા હોટેલના માલિક ખુદ અગાઉ બળાત્કારના મામલામાં સંડોવાયેલા હતા અને આ મામલામાં એક એસીપી કક્ષાના પોલીસ અધિકારીએ લમણે રિવોલ્વર મુકી આત્મહત્યા પણ કરી હતી. ત્યાર બાદ પણ અનેક વખત આ હોટેલમાંથી દેહવ્યાપારનો ધંધો ઝડપાયો છે તેમ છતાં સ્થાનિક પોલીસની મિલીભગતથી આ હોટેલ શોખીનો માટે ફેવરિટ બની છે. પીસીબી પોલીસની ટીમે સયાજીગંજ વિસ્તારમાં દરોડા પાડીને દેહવ્યાપારનું રેકેટ ચલાવતા હોટેલ સંચાલક અને એજન્ટને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પીસીબી પોલીસના દરોડાના પગલેસ સયાજીગંજ વિસ્તારમાં ધમધમતા દેહવ્યાપારના સેક્સરેકેટનો પર્દાફાશ થતાં સયાજીગંજ પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.
પીસીબી પોલીસ સ્ટેશનના જવાનોને ચોક્કસ બાતમી મળી હતી કે વડોદરા રેલવે સ્ટેશન પાછળ આવેલ મમતા હોટેલમાં દેહવ્યાપારનો વ્યવસાય સક્રિય છે અને તેમાં ગ્રાહકો પાસેથી રૂા.ર૦૦૦ જેટલી માતબર રકમ પડાવવામાં આવે છે, જેથી પોલીસે ડમી ગ્રાહક મોકલી પ્રવૃત્તિ જણાય તો બારીમાંથી કાગળનો ડૂચો નાખી સિગ્નલ આપવા જણાવ્યું હતું. જેથી ડમી ગ્રાહકે બારીમાંથી કાગળનો ડૂચો નાખી સિગ્નલ આપતાં જ પોલીસે દરોડા પાડયા હતા. આ દરોડા દરમિયાન મુંબઈની મહિલા કઢંગી હાલતમાં ડમી ગ્રાહક સાથે ઝડપાઈ હતી.પોલીસની પૂછપરછમાં મહિલાએ કબૂલાત કરી હતી કે આ હોટેલમાં એજન્ટ સુમિત્ કૃષ્ણચંદ્ર મિશ્રા (રહે. મમતા હોટેલ, સયાજીગંજ, મૂળ રહે. ઉત્તર પ્રદેશ) તેમજ હોટેલના સંચાલક જીજુ કે ફિલિપભાઈ (રહે. રાજારામ સોસયાટી, શિવાજી ચોક, મુજમહુડા) પોતાને દેહવ્યાપાર માટે વડોદરા લઈ આવ્યા હતા, જેના કારણે હોટેલના રિસેપ્શન પર હાજર એજન્ટ સુમિત અને હોટેલના માલિક જીજુ કે ફિલિપભાઈની પોલીસે ધરપકડ કરી હતી.પોલીસે બંને શખ્સો પાસેથી રૂા.રપ૦૦૦ની કિંમતના બે મોબાઈલ ફોન, રૂા.ર૦૦૦ રોકડ અને મહિલા પાસેથી મળી આવેલ કોન્ડોમનું પેકેટ મળી કુલ રૂા.૨૭,૦૦૦ની મત્તા કબજે કરી હતી. આ અંગે સયાજીગંજ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ધી પ્રિવેન્શન ઓફ ઈમોરલ ટ્રાફિકિંગ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.