લાઇટબલ્બ ષડ્‌યંત્ર!!

ફોન કંપનીઓ તમારા જૂના ફોનને સોફ્ટવેર અપડેટના નામે જાણી જાેઈને ધીમો કરી દે છે. અને પછી કહે છે, અમે આ બધું એટલા માટે કર્યું કે તમારી બેટરી લાંબી ચાલે. શા માટે? બેટરી બદલી શકાતી નથી? શરૂઆતમાં આપણે બલ્બ વિશે વાત કરી હતી. જે ૧૨૨ વર્ષથી સળગી રહ્યો છે. આ બલ્બ અમેરિકાના કેલિફોર્નિયામાં ફાયર વિભાગની ઓફિસમાં લગાવવામાં આવ્યો છે. અને આજે વર્ષ ૨૦૨૩માં, પણ ધૂંધળા પ્રકાશ સાથે લે સળગી રહ્યો છે!

    વિચારો કે આ બલ્બમાં એવું શું છે, જે એક સદીથી કાર્યરત છે. અને શા માટે આપણા આજના આધુનિક બલ્બ એકાદ વર્ષમાં કામ કરવાનું બંધ કરી દે છે? હવે આવા બલ્બ કેમ નથી બનાવી શકતા? કેમ અન્ય વસ્તુઓ બનાવવામાં આવતી નથી, જે ટકાઉ હોય? તમને લાગશે કે ટકાઉ વસ્તુ બનાવવા માટે ખર્ચ વધુ કરવો પડે, તો એ વાત તદ્દન જુઠ્ઠાણું છે.

આ ૨૦મી સદીની શરૂઆતની વાત છે. વીજળી ચારેતરફ ફેલાવા માંડી હતી, પરિણામે દુનિયા ચમકવા લાગી હતી. ૧૯૨૦ સુધીમાં યુરોપ અને અમેરિકાના તમામ દેશોમાં બલ્બનું વેચાણ ધૂમ શરૂ થઈ ગયું હતું. એડિસને બનાવેલો પહેલો બલ્બ ચૌદ કલાક ચાલ્યો હતો. વર્ષ ૧૯૨૦ સુધીમાં બલ્બની લાઈફ અઢી હજાર કલાક સુધી પહોંચી ગઈ હતી. હવે એ લાઈફ વધશે એવી અપેક્ષા હતી, પરંતુ પછી થોડા વર્ષોમાં જ બલ્બની લાઈફ અઢી હજાર કલાકમાંથી અચાનક એક હજાર કલાક થઈ ગઈ હતી! એક હજાર કલાક ચાલ્યા પછી બલ્બ ખરાબ થવા લાગ્યા હતા!

લોકોએ પૂછ્યું તો કંપનીઓએ કહ્યું, આમાં તમારો ફાયદો છે. જૂઓ, નવા બલ્બ વધુ પ્રકાશ આપી રહ્યા છે. વધુ પ્રકાશ જાેઈતો હોય તો બલ્બની ઉંમર ઓછી હશે. લોકો પણ શું કરી શકવાના હતા? જે મળે તે ખરીદતા રહ્યા, પરંતુ દુનિયાને એ ખબર ન હતી કે તેની સામે મોટું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે! લાઇટબલ્બ કાવતરું!!

તારીખ હતી ૨૩મી ડિસેમ્બર, વર્ષ હતું ૧૯૨૪. જીનીવાની એક હોટલમાં ગુપ્ત બેઠક યોજાઈ હતી, જેમાં વિશ્વની સૌથી મોટી ઇલેક્ટ્રિક કંપનીઓના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. તેમાંથી, ચાર કંપનીઓ સૌથી અગ્રણી હતી - અમેરિકાની જનરલ ઇલેક્ટ્રિક, જર્મનીની ઓસરામ, નેધરલેન્ડની ફિલિપ્સ કંપની અને ફ્રાન્સની ‘ધ લેમ્પ કંપની’. આ બેઠકમાં તમામ કંપનીઓ વચ્ચે ગુપ્ત કરાર કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત એક કાર્ટેલનો પાયો નાખવામાં આવ્યો હતો. આ કાર્ટેલનું નામ હતું ફિબસ કાર્ટેલ.

આ કાર્ટેલ શા માટે રચવામાં આવી હતી, જાણો છો? આ કાર્ટેલે આપણી જિંદગીને બદલી નાખી હતી! આ કાર્ટેલ હેઠળ તમામ કંપનીઓએ સાથે મળીને ર્નિણય લીધો હતો કે હવેથી બલ્બનો મર્યાદિત ક્વોટા જ બનાવવામાં આવશે. કંપનીઓ વચ્ચે સ્પર્ધાના કારણે બલ્બની ગુણવત્તા સુધરી રહી હોવાથી આવું કરવામાં આવ્યું હતું, જેના કારણે તે લાંબા સમય સુધી ચાલતો હતો. જાે વસ્તુ લાંબો સમય ચાલે તો લોકો તેને વારંવાર ખરીદતા નથી. પરિણામે બલ્બનું વેચાણ ઘટવા લાગ્યું હતું. ૧૯૨૨માં જર્મન કંપની ઓસરામે ૬૩૦ મિલિયન બલ્બ વેચ્યા હતા. બીજા જ વર્ષે આ સંખ્યા ઘટીને ૨૮ કરોડ થઈ ગઈ હતી. બાકીની કંપનીઓની પણ આ જ હાલત હતી. તેથી જ બધાએ સાથે મળીને નક્કી કર્યું કે બલ્બ મર્યાદિત સંખ્યામાં બનાવવામાં આવશે.

આ યોજનામાં તમામ કંપનીઓ ભાગ લે તે જરૂરી હતું. કારણ કે જાે તેણે કોઈ અલગ રસ્તો અપનાવ્યો હોત તો યોજના નિષ્ફળ ગઈ હોત. તેથી એક કાર્ટેલની રચના કરવામાં આવી હતી. ત્યાં સુધી તો ઠીક હતું, પરંતુ આ કાર્ટેલે એક વધુ ચાલુપંતી અજમાવી જે આજે પણ આપણાં ખિસ્સા ખાલી કરી રહી છે. તમામ કંપનીઓએ તેમના એન્જિનિયરોને એવો બલ્બ બનાવવા કહ્યું કે જે માત્ર ૧૦૦૦ કલાક જ ચાલે!

જ્યારે, ૧૯૨૦ સુધીમાં તો એવા બલ્બ બનાવવામાં આવી રહ્યાં હતા, જેનું આયુષ્ય અઢી હજાર કલાકથી વધુ હતું. અચાનક બલ્બનું આયુષ્ય ઘટાડવું મુશ્કેલ હતું. અલબત્ત, એકાદ ખરાબ બલ્બ બનાવી શકાય, પણ એકસાથે બધા જ ડિફેકટિવ કેવી રીતે બનાવવા! બલ્બ બરાબર એક હજાર કલાક જ ચાલે તેવો ફેરફાર કરવો મુશ્કેલ હતો. એટલા માટે કંપનીએ તેના તમામ એન્જિનિયરોને આ કામ પાછળ લગાવ્યા હતા, જેમાં મોખરે જનરલ ઇલેક્ટ્રિક હતી. જીઈની ફેક્ટરીઓમાં બનેલા બલ્બના સેમ્પલ સૌપ્રથમ તેમની સેન્ટ્રલ ટેસ્ટિંગ લેબમાં મોકલવામાં આવ્યા હતા. આ લેબ સ્વિટ્‌ઝર્લેન્ડમાં હતી. અને અહીં કલાકોના પરીક્ષણ પછી, ખાતરી કરવામાં આવી હતી કે બલ્બ ૧૨૦૦ કલાકથી વધુ ચાલશે નહીં. અહીં એવો નિયમ પણ બનાવવામાં આવ્યો કે - જાે કોઈ ફેક્ટરી આ સૂચનાનું પાલન કરવામાં નિષ્ફળ જશે તો તેણે દંડ ભરવો પડશે.

આવી જ એક પ્રથા આ કાર્ટેલથી શરૂ થઈ હતી, જેમાં કંપનીઓ પોતાનો નફો જાળવી રાખવા જાણીજાેઈને ચીજવસ્તુઓની ગુણવત્તા ઓછી કરે છે. અથવા તેમના ઉત્પાદન પર અંકુશ લગાવે, જેથી બજારમાં ભાવ અને માગ જળવાઈ રહે. આ પછી, જાણે કે, આ મોડ્‌સઓપરેન્ડીનો ઉપયોગ બધા વ્યવસાયનો નિયમ બની ગયો હતો. ૧૯૩૦માં અમેરિકામાં મહામંદી શરૂ થઈ ત્યારે આ વિચારને વધુ પ્રોત્સાહન મળ્યું હતું. ઘણા વિચારકોએ કહ્યું હતું કે, સંગઠિત અછત ઊભી કરીને આપણે બજારમાં માગ ઊભી કરી શકીએ છીએ, જેના કારણે ધંધાઓ ડૂબતા બચશે અને લોકોને રોજગારી પણ મળશે.

ફિબસ કાર્ટેલે આ ખેલ શરૂ કર્યો હતો, પરંતુ ૨૧મી સદીમાં પણ આ ખેલ આપણી સાથે ખેલાઈ રહ્યો છે. તાજેતરના ઉદાહરણ તરીકે, વર્ષ ૨૦૦૭નો એક કિસ્સો છે. જેમાં એક પ્રિન્ટર મેન્યુફેક્ચરિંગ કંપની સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો, કારણ કે કંપની તેના પ્રિન્ટના ઇન્ક કાર્ટિજિસને એવી રીતે ડિઝાઇન કરતી હતી કે ચોક્કસ સમય પછી કાર્ટિજિસ કામ કરવાનું બંધ કરી દે. ભલે તેમાં શાહી બાકી હોય. આવા બીજા ઘણા કિસ્સાઓ પણ સામે આવ્યા હતા.

એપલ કંપનીએ પોતે સ્વીકાર્યું હતું કે તે તેના જૂના ફોનને ધીમો કરે છે, જેથી બેટરી લાંબા સમય સુધી ચાલે. તમે સમજી ગયા હશો કે વાસ્તવિકતા શું છે. એટલા માટે ફોન કંપનીઓ દર મહિને ડિઝાઇનમાં થોડો ફેરફાર કરે છે અને લગભગ એક જ પ્રકારના ફોન માર્કેટમાં લૉન્ચ કરવામાં આવે છે. ફોન, લેપટોપ વગેરે જેવા ગેજેટ્‌સની બેટરી બદલવાની પ્રક્રિયા મુશ્કેલ અને ખર્ચાળ બનાવવામાં આવે છે, જેથી તમે નવી પ્રોડક્ટ જ લેવાનું પસંદ કરો અને તેમનો ધંધો ચાલતો રહે.. વસ્તુને ટકાઉ બનાવી શકાઈ હોત, પરંતુ વ્યવસાયના દૃષ્ટિકોણથી ટકાઉ શબ્દ જાેખમી છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution