લેખક : કમલેશ જાેષી |
“જિંંદગીના જુગારમાં દૂડી, તીડી અને પંજાવાળો જેટલું હારે છે એનાંથી અનેકગણું વધારે એકો, દૂડી, તીડી જેવા ઊંચા પત્તાવાળો હારતો કે ગુમાવતો હોય છે.” અમારા એક સાહેબે જ્યારે આ વાક્ય કહ્યું ત્યારે અમે કોલેજીયન મિત્રો એકબીજા સામે અને પછી સાહેબ સામે નવાઈભરી નજરે તાકી રહ્યાં હતાં. અમારી તો માન્યતા એવી હતી કે બાવન પત્તા લઈને જ્યારે જુગારીઓ તીનપત્તી રમવા બેઠા હોય છે ત્યારે ઊંચા પત્તાવાળો જીતતો હોય છે અને નીચા પત્તાવાળો હારતો હોય છે પરંતુ અમારા ફેવરિટ સાહેબ તો એક્ઝેક્ટલી આનાથી ઉલટું કહી રહ્યાં હતાં.
“શું તમે કદી તીનપત્તી રમ્યા છો?” આવું પૂછી મારે તમને ધર્મ સંકટમાં નથી નાંખવા. ફેમિલી કે મિત્રો સાથે બેસીને ગંજી પાનાથી રમાતી હાથ (સત્યો કે અઠયો), કાચું ફુલ, ગુલામચોર, રોન જેવી રમતોની વિવિધ વેરાયટીઓ આજેય આપણા વેકેશન કે જાગરણ જેવા સમયે સારો એવો ટાઈમ પાસ કરી આપે છે. દરેક રમતના હાર-જીતના અલગ નિયમો હોય છે. ગુલામચોર રમતા હો ત્યારે સાવ છેલ્લે ગુલામ જેની પાસે રહી જાય એ બાજી હારી ગયો કહેવાય તો કાચું ફુલમાં દરેક બાજી વખતે સર બદલે, હાથની રમતમાં જે જાેડી એકબીજા સાથે મળીને હાથ પહેલા બનાવી લે એ જીતી જાય તો તીનપત્તીમાં ઊંચા પત્તાવાળો બાજી જીતે.
બસ, અહીં જ ગરબડ હતી. અમારા લાઈફ કોચ જેવા સર જે કહેતા હતા એ તીનપત્તીના પ્રચલિત નિયમથી તદ્દન વિપરીત લાગતું હતું. નબળા પાનાવાળો જીતે કેમ? લાઈફ વિશેના અમારા સાહેબના ફંડા પર અમને વિશ્વાસ હતો. અમારી આંખોમાં રમતાં પ્રશ્નોને વાંચતા હોય એમ બે ઘડી સૌની સામે જાેઈ લીધાં પછી એમણે કહ્યું,
“વિચિત્ર લાગે છે ને? હું તમને સમજાવું. પહેલાં તમે એ કહો કે જાે તમને દૂડી તીડી અને પંજાે જેવા નબળા પાનાં પીરસાયા હોય તો તમે કેટલી ચાલ ચાલો?” એમણે પૂછ્યું એટલે તરત જ અમે સૌ એકસાથે બોલી ઉઠ્યા.
“એક પણ નહીં”
એમણે તરત બીજાે પ્રશ્ન પૂછ્યો,
“એને બદલે એક્કો, રાજા અને રાણી આવ્યા હોય તો?” તરત અમારામાંથી એકે સહર્ષ કહ્યું,
“બધું દાવ પર લગાડી દઈએ.” એમણે સહેજ સ્મિત સાથે કહ્યું,
“અને તમારી સામેવાળા પાસે ત્રણ એક્કા નીકળે તો?” અમારા ચહેરા ગંભીર થઈ ગયાં. એક ખોંખારો ખાઈ ગળું સાફ કરતા અમારા સાહેબે કહ્યું,
“જિંદગીની જે આખરી બાજી આપણે રમવાની છે એ યમરાજ સાથે રમવાની છે અને એમાં એની પાસે ત્રણ એક્કા છે જ.” બસ, આટલું બોલી એ ચુપ થઈ ગયા. એમના એ શબ્દો સાંભળી અમે ક્યાંય સુધી ઊંડા વિચારમાં ડૂબી ગયા.
જિંદગીના પહેલા સૂર્યોદયથી શરૂ કરીને અંતિમ સૂર્યાસ્ત થાય ત્યાં સુધીમાં આપણે કેટકેટલા લોકો સામે કેટકેટલી બાજીઓ માંડીએ છીએ? મા-બાપની મિલકત મેળવવા ભાઈ-બહેન સામે, નિશાળમાં ફર્સ્ટ નંબર મેળવવા મિત્રો સામે, ઓફિસમાં પ્રમોશન મેળવવા કલિગ સામે કે સોસાયટી-સમાજમાં મોટપ મેળવવા અડોશીપડોશી કે સગા-સંબધીઓ સામે કેટકેટલી ચાલ ચાલીએ છીએ? સત્ય અને ઈમાનથી શરૂ કરી છેક સંબંધો અને સંસ્કાર સુધીનું કેટલું બધું દાવ પર લગાવી દઈએ છીએ? પણ છેલ્લી બાજીનું શું? યમરાજ ત્રણ એક્કા દેખાડી આપણી પાસેથી એ બધું જ છીનવી લેશે, જે આપણે આપણા જ અંગતોને મારીને, પછાડીને, હરાવીને ભેગું કર્યું હતું ત્યારે આપણને આપણી એક પણ જીત કામ આવશે ખરી? આખી જિંદગી બધું જીતી લેવાની, બધું ભેગું કરી લેવાની પ્રેક્ટિસ કરનાર આપણને છેલ્લી બાજી વખતે, બધું હારી જઈશું ત્યારે, એ ઘટના અસહ્ય તો નહીં લાગે ને?
શું દૂડી તીડી અને પંજા જેવા નબળા પત્તાઓ કે નબળી પરિસ્થિતિઓને લીધે આખી જિંદગી નાની મોટી હાર સહન કરનારો નાનો માણસ આખરી હાર એટલે કે મૃત્યુનો આઘાત સહેલાઈથી સહન કરવા માટે વધુ સક્ષમ બની જતો હશે? અને એક્કો, રાજા, રાણીની પાકી રોન જેવી નંબર વન પરિસ્થિતિને લીધે જીતનો વ્યસની બની ગયેલો મોટો માણસ યમરાજના ત્રણ એક્કા જાેઈ દાઝનો માર્યો પગથી માથા સુધી લાલચોળ થઈ જતો હશે? શું છેલ્લી બાજી હારીને બે પાંચ લાખ રૂપિયા પૃથ્વી પર છોડી જનાર વ્યક્તિ અને બે પાંચ કરોડ છોડી જનાર વ્યક્તિ, એ બંનેની હારની પીડા એક સરખી હશે?
મિત્રો, તમને નથી લાગતું કે આપણે ચાલું જિંદગી દરમિયાન થોડી-ઘણી હારની પણ પ્રેક્ટિસ કરતા રહેવી જાેઈએ. જીવનસાથીને ‘આઈ લવ યુ’ કહીને, સંતાનોને ‘પ્રાઉડ ઓફ યુ’ કહીને, મિત્રોને ‘મિસ યુ ટૂ મચ’ કહીને, કલિગને ‘યુ આર રાઈટ’ કહીને અને આડોશી-પાડોશીને ‘થેન્ક્સ અ લોટ’ કહીને નાની-મોટી ‘બાજીઓ’ જાે હસતા-હસતા હારવાની હિમ્મત કરી શકીશું તો આખરી બાજી ‘હારતી’ વખતે ‘રોતે હુએ’ નહિ પણ ‘હસતે હુએ નિકલે દમ’ પંક્તિ સાર્થક કરી શકીશું એવું અમારા પેલા લાઈફ કોચ સાહેબનું માનવું છે. તમે શું માનો છો?