જીવન એક સફર

મુજને મઝધાર, ઓ મોજાંઓ ફરી લઈ ચાલો,

મારો હેતુ, મારી મંઝિલ આ કિનારો તો નથી!

– ‘આસીમ’ રાંદેરી

મુસાફરી કરતાં સફર વચ્ચેનાં સંસ્મરણો અને પડતી મુશ્કેલીઓ કે અચાનક થયેલી આનંદની અનુભૂતિઓ જ સફરને સફળ બનાવે છે. સફર દરમિયાન મળતા સંઘર્ષો, અનુભવો અને સંજાેગો જ અમૂલ્ય છે અને એ જ ખરેખર આપણા જીવનનું મૂલ્ય વધારતા હોય છે.

મુસાફરી અને જિંદગી બંનેમાં મંજિલથી વધુ મહત્ત્વ સફરનું છે. બાલમંદિરથી શરૂ થતું બાળપણ અંતિમ ડિગ્રી એટલે કે ઉપાધિ મેળવીને પૂર્ણ થાય છે. પરંતુ એ પૂરું થતાંની સાથે જ આપણે જવાબદારીઓના પીંજરમાં એવા તો પુરાઈ જઈએ છીએ કે જાગવું શું ખાવું, પીવું એ જ સમજાતું નથી. શ્વાસ લેવા પણ જાણે યંત્રવત્‌ થઈ જાય છે!

‘ફરે તે ચરે’ એ ગુજરાતી ભાષાની એક કહેવત છે, જેનો અર્થ છે કે જે ફરવા જાય છે તે કંઈક નવું અનુભવતો અને શીખતો જાય છે. પરિવર્તન અને અન્વેષણ કરનારા લોકો વધુ વિકસિત અને સજાગ રહે છે. આ કહેવત તે વાતને પ્રોત્સાહન આપે છે કે માણસે જીવનમાં નવો અનુભવ લેવા માટે મુસાફરી કરવી જાેઈએ, કારણ કે આનો ફાયદો તેનાં વ્યક્તિત્વ, જ્ઞાન અને દૃષ્ટિકોણમાં હોય છે.

મુસાફરીને મન ભરીને માણવા માટે કેટલીક જરૂરી વાતો પર ધ્યાન આપવું જાેઈએ તેમ પહેલીવાર આંખ ખૂલે અને અંતિમ વખત મીંચાય તે બંનેના વચ્ચેના સમયમાં તે જીવનને માણવાનું પણ ભુલાઈ જવું ન જાેઈએ. મુસાફરી દરમિયાન જેટલું શક્ય હોય તેટલું વર્તમાન ક્ષણમાં રહો. ફક્ત ગંતવ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા કરતાં, માર્ગમાં આવતા દરેક નજારાઓ, અનુભવો અને લોકો સાથે સંવાદને માણો. એટલે કે વર્તમાનમાં જેવું જાેઈએ.

મુસાફરી માટે થોડી યોજના જરૂરી છે, પરંતુ જાે કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ આવે અથવા કોઈ નવી તક મળે, તો તેના માટે લચીલું રહેતા શીખવું જાેઈએ. સતત મુસાફરી કરતા રહેવાને બદલે, કેટલીક વાર આરામ કરો અને ચાર્જ થઈને ફરીથી મુસાફરી માટે તૈયાર થાઓ. તેમ જિવાતી જિંદગીમાં પણ થોડી હળવાશની ક્ષણો માણીને પોતાના શોખ અને પોતાનું હૃદય ખુશ થાય તેવી વાતોમાં કે સંબંધોમાં સમય પસાર કરીને જિંદગીને રિચાર્જ કરી શકાય છે.

ફોટોગ્રાફ્સ સાથે સ્મૃતિઓ કેદ કરો, પણ અતિરેક ન કરો. જાેકે તસવીરો લેવી એક સારી વાત છે, પણ ઘણીવાર આપણી આંખો અને મન જે રીતે જાેવા અને અનુભવવા માટે તૈયાર છે, તે તસવીરોમાં ન આવી શકે. એટલે કે ફક્ત સેલ્ફી નહીં પરંતુ આપણા શ્વાસોની આસપાસ વીંટળાયેલા સંબંધો પણ ઘણી વખત સુંદર સંસ્મરણ રૂપી ચિત્ર આપણા મનમાં સ્થિર કરી શકે છે તે વાત ભૂલવી ન જાેઈએ. જિંદગીરૂપી મુસાફરીમાં નવા લોકોને મળો, તેમની વાર્તાઓ સાંભળો અને તેમના જીવન વિશે શીખો. આથી મુસાફરી વધુ સમૃદ્ધ બને છે.

મુસાફરીથી પરત આવી જઈએ પરંતુ આપણા મનમાં તો મુસાફરીની યાદો સતત ચાલતી જ રહે છે તેમ આપણા અનુભવોને મિત્રો અને પરિવાર સાથે શેર કરવાથી તમે તે યાદોને વધુ સમય સુધી સાચવી શકો છો.

જિંદગીની સફર તે આમ તો મુશ્કેલીઓનો મહાસાગર છે. પણ એમાંય ધૈર્ય અને હિંમતથી જાે આગળ વધીએ તો મોતીઓ તો મળે જ છે. જરૂર છે તૈયારી અને મજબૂત માનસિકતા સાથે મુસાફરી કરવાની એટલે કે જિંદગી જીવવાની.

સૌથી મોટી મુશ્કેલી જાે કોઈ હોય તો તે છે આર્થિક મુશ્કેલીઓ. જેમ આપણે મુસાફરી માટે બજેટ નિર્ધારિત કરી અને તે અનુસાર ખર્ચ કરીએ તેવી રીતે જ અનિવાર્ય ખર્ચોને પ્રાથમિકતા આપો અને ફિજુલ ખર્ચ ટાળવા જાેઈએ. મુસાફરીના સમયમાં કસર મૂકવી; વિલંબ અથવા અવ્યવસ્થા માટે રિઝર્વ સમય રાખો. વિલંબને કારણે ચિંતિત થવાની જગ્યાએ, તેનો યોગ્ય ઉપયોગ કરો – કિંમતી સમયનો ઉપયોગ આરામ અથવા સ્થાનિક ભ્રમણ માટે કરીએ તેમ આપણા કિંમતી સમયનો એટલે કે આપણી આવડત અને કુશળતાનો ઉપયોગ આપણા આનંદમાં ફેરવવાના સાધન બનાવવામાં કરવો

જાેઈએ.

મુસાફરી પહેલાં જરૂરી વૅક્સિન્સ અને દવાઓ લેવી જરૂરી છે તેમ બીમાર પડ્યા પહેલાં જ યોગા, ધ્યાન અને શ્વાસ વ્યાયામને મહત્ત્વ આપો. મુસાફરીમાં જેમ ખોરાક માટેના તમારા પરિચિત સ્વાદને બદલે, સ્થાનિક ખોરાક માટે ખુદને તૈયાર રાખીએ. નવાં શહેરો અથવા દેશોની પરંપરાઓ અને સંસ્કૃતિઓ વિશે મુસાફરી પહેલાં જ જાણકારી મેળવી થોડું પ્રતિસાદકારી બની, પરિવર્તનને સ્વીકારો અને ખુલ્લા મનથી મુસાફરી કરો તો ફરવાનો આનંદ લઈ શકાય છે. તેમ જ ભવિષ્યમાં આવનારા નવા પડકારો વિશે તૈયારી કરીને થોડું પરિવર્તન સ્વીકારીને પણ સારા પ્રતિભાવોથી ભવિષ્યનું સ્વાગત કરી શકાય છે.

મુસાફરી પહેલાં, વિસ્તારનાં હવામાન અને ભૌગોલિક પરિસ્થિતિઓ વિશે, સુરક્ષા માટે વૈકલ્પિક માર્ગો અને ઠેકાણાં જાણી લઈએ, તેમ જ પરિવર્તિત પરિસ્થિતિઓને અનુકૂળ કરવાની તકો કેળવતા જાવ. મુસાફરીની દરેક મુશ્કેલીને તમારા માટે નવી શિખામણ અને અનુભવ તરીકે લો. આ અભિગમ તમને સકારાત્મક દૃષ્ટિકોણ સાથે જિંદગી જીવવામાં આનંદ અને સંતોષ આપવા માટે મદદ કરશે.

મુસાફરીનો સાચો આનંદ મુસાફરીની સફરમાં છે અને તે સમયે કેવો અભિગમ અપનાવીએ છે તેમાં છે. ખરું ને?

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution