લેખકઃ રાજેશ વાધેલા |
ત્રણ ભાંડરડામાં નીતુ મોટી અને બે નાના ભાઈ. એ બીજા ધોરણમાં ભણતી. એના બાપુજી કારખાનામાં કામે જતાં. આખો દિવસ તનતોડ મજુરી કરે. સાંજે થાક્યાપાક્યા ઘરે આવે એટલે થાક ઉતારવા ખાટલામાં લાંબા થાય ત્યારે નીતુના બેય નાના ભાઈ બાપુજીના પડખામાં ભરાઈ જાય. બાપુ બંનેને પડખામાં સમાવી લે અને જેમ મધનો લેપ કરતા હોય એમ હાથ ફેરવે. નીતુ સામે જ ઊભી હોય એ જાેઈને બા તરત કહે, “હાલ ગગી, મને ઠામણામાં હાથ દેવરાય ને!” કેમ કે બાને ખબર હતી કે નીતુ પણ આઘડે એના બાપુનાં પડખામાં જઈને પડશે, ને પછી જ્યાં સુધી ત્રણેય છોકરાંવ ઊંઘી નહીં જાય ત્યાં સુધી એનાં બાપુને એમ જ પડ્યાં રહેવું પડશે.
પણ, બાપુજી તરત જ બોલતા, “નીતુ, આવી જા બેટા અહીં.” ને નીતુ એ જ ઘડીએ પડખામાં ઘુસી જઈને છાતી પર માથું રાખી દેતી. એને બાપુનાં ધબકારા સંભળાતા. તે પૂછતી, “બાપુ, તમારી અંદર આ શું બોલે છે?”
બાપુજી ધીમેકથી બોલતાં, “જીવ.”
બંને ભાઈ પણ જીવને સાંભળવા છાતી પર કાન માંડી દે, નીતુ પૂછે, “ જીવ કેવો હોય?”
બાપુજી ઉત્તર આપે એ પે’લા જ બા બોલી પડે, “શું માથે પડ્યાં સો, આઘાં ભાગો. સૂવા દો એમને. માંડ ઘડીક આરામ મળતો હોય ને તમે માથે ચડી જાવ.”
બાપુ ત્રણેય ભાંડરડાને વઘુ નજીક ખેંચી લેતાં અને પત્ની સામે જાેઈને કહે, “આવ, તારેય ઘૂસવું હોય તો, ચારેયને સમાવી લઈશ.”
નીતુ કહેતી, “બા તું પણ, ‘જીવ’ને સાંભળવા આવ ને” પણ બાને તો શરમના શેરડા ફૂટી જાતાં. “જાવ, હવે શરમ કરો.” કહેતા એ તો વાસણ ઘસવા બેસી જાતી. બાપુજીની નજીક કોઈ દિવસ આવતી જ નહીં.
એક દિવસ નીતુ નિશાળેથી ઘરે આવી. જુએ છે તો આખું ઘર માણસોથી ભરાઈ ગયેલું. બાપુજી ઓસરીમાં નીચે સૂતાં હતાં. કોઈ દિવસ નહીં ને આજે બા, રોતી રોતી બાપુજીની છાતી પર ઢળેલી હતી. જાણે કેે આજે એને એકલીને બાપુનો ‘જીવ’ સાંભળવો છે.