એલઆઈસી દેશની સૌથી શક્તિશાળી કંપનીઓમાંની એક



દેશની સૌથી મોટી વીમા કંપની લાઈફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન (એલઆઈસી)એ નાણાકીય વર્ષ ૨૦૨૪ના પરિણામો જાહેર કરતા જણાવ્યું હતું કે તેને ૪૦,૬૭૬ કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો થયો છે. જાહેર ક્ષેત્રની કંપનીના નફામાં ૧૨ ટકાનો વધારો થયો હતો. નાણાકીય વર્ષ ૨૦૨૩માં કંપનીનો ચોખ્ખો નફો ૩૬,૩૯૭ કરોડ રૂપિયા હતો.

એલઆઈસીને દેશની સૌથી શક્તિશાળી કંપનીઓમાંની એક ગણવામાં આવે છે. તેની પાસે મોટો કેશ રિઝર્વ પડ્યો છે. પરંતુ, કંપનીને આ વ્યવસાય લાવનારા એલઆઈસી એજન્ટો ખસ્તાહાલ જીવન જીવી રહ્યા છે. તેમની માસિક કમાણી એટલી પણ નથી કે સરળતાથી ઘરનો ખર્ચ ચલાવી શકાય. તેમની મહત્તમ કમાણી માત્ર ૨૦,૪૪૬ રૂપિયા છે.

એલઆઈસી (લાઈફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન) દ્વારા નાણાં મંત્રાલય (ફાઇનાન્સ મિનિસ્ટ્રી)ને આપવામાં આવેલી માહિતી અનુસાર, એલઆઈસી એજન્ટની સરેરાશ માસિક આવક સૌથી વધુ અંદમાન અને નિકોબાર આઈલેન્ડમાં છે. અહીં પણ આ આંકડો માત્ર ૨૦,૪૪૬ રૂપિયા પ્રતિ માસ છે. અહીં એલઆઈસીના સૌથી ઓછા ૨૭૩ એજન્ટ્‌સ છે.હિમાચલ પ્રદેશમાં એલઆઈસીના એજન્ટ્‌સ સરેરાશ ૧૦,૩૨૮ રૂપિયા પ્રતિ માસ જ કમાઈ રહ્યા છે. આ પર્વતીય રાજ્યમાં એલઆઈસી એજન્ટ્‌સની કમાણી તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સૌથી ઓછી છે. હિમાચલ પ્રદેશમાં એલઆઈસી પાસે ૧૨,૭૩૧ એજન્ટ્‌સ છે.

એલઆઈસીના આંકડાઓ અનુસાર, તેની સાથે દેશભરમાં ૧૩,૯૦,૯૨૦ એજન્ટ્‌સ જાેડાયેલા છે. તેમાંથી સૌથી વધુ ઉત્તર પ્રદેશમાં છે. અહીં લગભગ ૧.૮૪ લાખ એજન્ટ્‌સ આ જાહેર ક્ષેત્રની કંપની સાથે જાેડાયેલા છે. તેમની સરેરાશ માસિક આવક પણ માત્ર ૧૧,૮૮૭ રૂપિયા છે. મહારાષ્ટ્રમાં વીમા કંપની સાથે ૧.૬૧ લાખ એજન્ટ્‌સ જાેડાયેલા છે, જે સરેરાશ ૧૪,૯૩૧ રૂપિયા જ દર મહિને કમાઈ રહ્યા છે.

પશ્ચિમ બંગાળમાં પણ સ્થિતિ કંઈક સારી નથી. અહીં એલઆઈસીના ૧,૧૯,૯૭૫ એજન્ટ્‌સની સરેરાશ માસિક આવક ૧૩,૫૧૨ રૂપિયા છે. તમિલનાડુના ૮૭,૩૪૭ એજન્ટ્‌સ ૧૩,૪૪૪ રૂપિયા, કર્ણાટકના ૮૧,૬૭૪ એજન્ટ્‌સ ૧૩,૨૬૫ રૂપિયા, રાજસ્થાનના ૭૫,૩૧૦ એજન્ટ્‌સ ૧૩,૯૬૦ રૂપિયા, મધ્ય પ્રદેશના ૬૩,૭૭૯ એજન્ટ્‌સ ૧૧,૬૪૭ રૂપિયા અને દિલ્હી એનસીઆરના ૪૦,૪૬૯ એજન્ટ્‌સ ૧૫,૧૬૯ રૂપિયા જ સરેરાશ દર મહિને કમાઈ રહ્યા છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution