કોશિશ કરીએ પપ્પાને જાણવાની, સમજવાની

લેખક: ખ્યાતિ શાહ | 

આવતીકાલે ‘ફાધર્સ ડે’ છે ત્યારે સવાલ થાય છે કે આપણે પપ્પાને પપ્પા તરીકે જાેયા તો છે, પણ શું ખરેખર પપ્પા તરીકે આપણે એમને જાણ્યા સમજ્યા છે ખરાં? સવાલ જરા અટપટો લાગ્યો હશે નહીં?! મમ્મીનો વાત્સલ્યભાવ પ્રદર્શિત છે અને સદીઓથી આપણે ‘મા’ના ગુણગાન ગાયા છે તથા માતાને સૌથી પહેલા પૂજતા આવ્યા છીએ. પણ ક્યાંક પપ્પાની લાગણીઓ સમજવામાં આપણે ઉણા ઉતરીએ છીએ કારણ પપ્પા એમના ભાવ સીધી રીતે પ્રદર્શિત કરતા હોતા નથી. આજે આપણે પપ્પાને ખરા અર્થે જાણવાની સમજવાની કોશિષ કરીએ.

આપણે ત્યાં સ્ત્રી ગર્ભ ધારણ કરે, માતા બનવાની હોય ત્યારે તેનું ખૂબ મહત્વ હોય છે. પણ આપણા ધ્યાનમાં એ આવતું જ નથી કે એ સમયે પુરુષ પણ પિતા બનવાનો છે, એના મનની ભીતર પણ બાળક ઉછરી રહ્યું હોય છે. સુવાવડ વખતે સ્ત્રી પીડા ભોગવે છે તે આપણે જાેઈએ સમજીએ છીએ, પણ હોસ્પિટલની લોબીમાં અસ્વસ્થ થઇ આમતેમ આંટા મારતો, પત્ની અને બાળકની ચિંતામાં અડધા થતા પુરુષની નોંધ આપણે ભાગ્યે જ લઈએ છીએ. પહેલા બાળકના જન્મ સાથે સ્ત્રીનો ‘મા’ તરીકે જન્મ થાય છે, સાથે સાથે પુરુષનો એક પિતા તરીકે જન્મ થાય છે.

દરેક પિતામાં એક ‘મા’નું દિલ પણ ધબકતું હોય છે. જયારે પપ્પા સંતાનની કાળજી લેતા હોય, હેત વરસાવતા હોય ત્યારે એની આંખોમાં જાેઈ લેજાે... તમને મમ્મી મળી આવશે! મને યાદ આવે છે વર્ષો પહેલા વડોદરાની એક ક્લીનિકનો વેઇટિંગ રૂમ... હું મારો વારો આવવાની રાહ જાેઈ રહી હતી. ત્યાં એક મેલાઘેલા કપડાં પહેરેલ મજૂર જેવો માણસ પોતાના તેર-ચૌદ વર્ષના દીકરાને ખોળામાં ઊંચકી જૂની લાકડાની સીડી ચડી આવ્યો. લાકડાની પાટ પર દીકરાને સુવડાવી નીચે એની પાસે હાંફતો બેઠો અને દીકરાના માથે હાથ ફેરવી હસતો એની સાથે વાતો કરવા લાગ્યો. છોકરાની હાલત ખરાબ જણાતી હતી, વધુ પૂછતાં જાણવા મળ્યું કે પડી જવાથી ચાર મણકા ખસી ગયા છે જેથી તે બેસી કે ચાલી શકે તેમ નથી. મા નથી. પથારીવશ બાળકની કાળજી લેતા પિતાને જાેઈ આંખ ભીંજાઈ ગઈ. પુરુષ પિતા બને ત્યારે એની ભીતર પણ હેતનું અમી ઝરણું વહેવા લાગે છે, બસ, એની કઠણ છાતી વચાળે એ ખળખળ વહેતા ઝરણાંનો ધ્વનિ દબાઈ જતા આપણે સાંભળી શકતા નથી. મા એ સંતાન માટે ધબકતું હૈયું છે તો પિતા એ કરોડરજ્જુ છે. હૃદયના ધબકાર મહેસુસ થાય છે, પણ કરોડરજ્જુનું મહત્વ આપણને મણકા ઘસાય કે ખસે પછી જ સમજાય છે.

ચપ્પુ કે બ્લેડ વાગી જાય, દાઝી ગયા, કે પછી ઠેંસ લાગી કે તરત ‘ઓ મા...’ મોઢામાંથી નીકળી જાય છે. પણ અચાનક કોઈ આઘાત લાગે કે ડર લાગે ત્યારે ‘બાપ રે.....’ જ બોલાઈ જાય. નાના નાના સંકટો માટે મા યાદ આવે છે પરંતુ મોટી આફત કે સમસ્યા સર્જાય ત્યારે પપ્પા યાદ આવે. પપ્પા એટલે સંતાન માટે પારદર્શક રક્ષાકવચ. પપ્પાની ભૂમિકા બહુ અઘરી છે. બાળક ચાલતા શીખે ત્યારે આંગળી પકડે અને પછી બાળકને ખ્યાલ પણ ન આવે તેમ આંગળી છોડાવી દે! પોતાના બાળકને જાતે ચાલતાં કરવા જ તો! આપણે સાયકલ શીખ્યા ત્યારે યાદ છે કેટલો ડર લાગતો અને પપ્પા સાયકલ પકડી સાથે દોડતા પછી ધીરેથી થાકી ગયા હોય એમ અચાનક અટકી જાય અને આપણી સાયકલ આગળ નીકળી ગઈ હોય, પપ્પાને સાથે ન જાેઈ ક્ષણવાર ડગવા લાગીએ ત્યારે પપ્પા દૂરથી જાેતા હોય. મનથી તો અધીરા હોય આધાર આપવા પણ આપણને આત્મવિશ્વાસ સાથે જાતે સંતુલન રાખતા શીખવવા જાત પર કાબુ રાખી આપણને જાેયા કરે. ક્યારેક આપણે પડીએ તો તરત આવી પહોંચે અને આપણને રડતાં છાના રાખ્યા હોય સાથે ઘાને પંપાળે નહીં પણ હસતા ઘાવને સહી લેતા શીખવે. કારણ પપ્પા જાણે છે જીવનમાં દેખાય નહિ એવા અનેક ઘા પડશે અને સંતાનને એવા ઘા સહન કરતા શીખવવું પડશે. આ પિતા તરીકેની એની દૂરંદેશી છે જેને લીધે એ પોતાનું કાળજું કઠણ રાખીને પણ આપણને ઘડે છે.

પપ્પા એટલે દીકરી માટે પહેલો પ્રેમ અને દીકરા માટે હીરો - એક આદર્શ વ્યક્તિ. દીકરી પોતાના પપ્પા જેવો જીવનસાથી ઈચ્છે અને દીકરો ક્યાંક પપ્પાના પગલે ચાલી એમના જેવો બનવા માગે. એમ કહેવાય કે પુરુષ રડે નહીં પણ દીકરી પરણી સાસરે જતી હોય ત્યારે ભલભલા બાપની આંખો ભીંજાય.

પપ્પા એટલે એવો પુરુષ જે આખો દિવસ દુનિયાભરના કેટલાય પ્રોબ્લેમ્સ સાથે લડી થાક્યો હોય પણ ઘરમાં પ્રવેશતા પહેલા બધા જ ટેન્શન બધો જ થાક કોઈક અદ્રશ્ય ખીંટી પર ટીંગાડી હસતું મહોરું પહેરી ઘરમાં પ્રવેશે જેથી કરીને ઘરના સભ્યો પર બહારની દુનિયાની કોઈ અસર ન થાય. પપ્પા એટલે જે સંતાનની સફળતા પર ખૂબ ગર્વ અનુભવે અને નિષ્ફળતાની પળે સંતાનમાં શ્રધ્ધા રાખી સાથે ઉભા રહે.

પક્ષીને ઉડાન ભરતાં જાેયું છે? પાંખો ખોલી બંને પગને ઝાડની ડાળ પર ટેકવેલા હોય અને નજર ઊંચે આસમાનમાં હોય. પછી પાંખમાં હવા ભરી ફફડાવે અને ડાળ પર ઠેંસ દઈ ઉડી જાય. પંખી જાણે છે કે જેનો સહારો લઇ ઉડવા ઠેંસ લીધી એ ડાળનું મહત્વ શું છે. પણ આપણે માણસો એ બાબતે નાસમજુ છીએ.

ક્યારેક સફળતાનાં નશામાં સંતાનો પિતા માટે સમજ્યા વગર ઉતરતું બોલી નાખે છે કે ‘પપ્પાએ જિંદગીમાં કર્યું છે જ શું? તેઓ બધી રીતે અસફળ રહ્યા છે.’ ત્યારે મને એમની પર દયા આવે છે. કદાચ પોતાના સપના પૂરા ન કરી શક્યા હોય પણ પિતા પોતાના સંતાનના સપના પૂરા કરવા પોતાની જાત ઘસી નાખે છે. પપ્પા જ છે કે જેમને પોતાના સંતાનોની પાંખોમાં ખૂટતી હવા ભરવા ફૂંક મારી છે અને એ પણ પપ્પા જ છે જેમની પીઠ પર આપણે બેસી ઉડ્યા છીએ.

પિતા એટલે શું એ વિશે ક્યાંક વાંચેલું યાદ આવે છે. ઈશ્વરે પહાડ પાસેથી દ્રઢતા, વૃક્ષ પાસેથી મહાનતા, સૂર્ય પાસેથી ઉષ્મા, સમુદ્ર પાસેથી ઊંડાણ, પ્રકૃતિ પાસેથી ઉદારતા, રાત્રી પાસેથી હૂંફ, સંતો પાસેથી ડહાપણ, ગરુડ પાસેથી શક્તિ, ઝરણાં પાસેથી આનંદ અને બીજ પાસેથી ધૈર્ય લઈને પરિવારનું પાલનપોષણ કરવા એક જીવંત કૃતિ ઘડી જેનું નામ આપ્યું ‘પિતા’.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution