છેલુકી વેળાની અમને ગાયત્રી સંભળાવજાે

હેમુ ભીખુ | 

છેલુકી વેળાની વાત જ જુદી છે. આ સમયે મુક્તિનો વિચાર આવવો એ જ કઠિન બાબત છે. મૃત્યુ સમયે પણ વ્યક્તિની ઈચ્છા પૂર્ણ નથી થતી હોતી. મૃત્યુ સમયે ઘર-પુત્ર-પત્ની સાથેનું બંધન વધુ દ્રઢ પ્રતિત થતું હોય છે. જિંદગીની છેલ્લી ક્ષણોમાં સમગ્ર ભૂતકાળ નજર સમક્ષ આવી જાય અને તે સમયે સ્વાભાવિક રીતે મુક્તિના વિચાર આવવા મુશ્કેલ બને. જિંદગીમાં જેમણે ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે જ જીવન-યજ્ઞ પસાર કર્યું હોય, ફરીથી જન્મ ન લેવો પડે તે રીતે આચરણ કર્યું હોય, સમગ્ર જીવનમાં મોહ-માયા, રાગ-દ્વેષ કે કામ-ક્રોધથી અલિપ્તતા કેળવી હોય, ગુરુદેવનું શરણું સ્વીકારી તેમની આજ્ઞા પ્રમાણે જીવન વ્યતિત કર્યું હોય તે વ્યક્તિને જ છેલુકી વેળા એ ગાયત્રી સાંભળવાની ઈચ્છા થાય. જિંદગીમાં તેઓ ગાયત્રીનો મહિમા જાણી ચૂક્યા હોય છે.

આમ તો અંત સમયે કોઈપણ ઇષ્ટ દેવતાનું નામ કે શ્રીરામનું નામ લેવું જાેઈએ તેમ કહેવાતું હોય છે. પણ ગાયત્રીનો મહિમા અનેરો છે. ગીતાના વિભૂતિ યોગમાં જ્યારે એમ જણાવ્યું હોય કે છંદોમાં ગાયત્રી હું છું, ત્યારે આ વાત સ્થાપિત થઈ જાય છે. આમ તો વિભૂતિ યોગના કોઈપણ સ્વરૂપનું ચિંતન કરી શકાય અને દરેક ચિંતન લગભગ સમાન પરિણામ પણ આપે. પરંતુ છંદ તરીકે ગાયત્રીની વાત અનેરી છે.

છેલુકી વેળા એ જ્યારે કોઈક ગાયત્રી સંભળાવે ત્યારે તેના ધ્વનિ કર્ણપટલ પર પડતાં ચોક્કસ પ્રકારની સંવેદનાઓ જાગ્રત થાય, જે સમગ્ર શરીરમાં પ્રસરી જાય અને શરીરનો આત્મા સાથેનો સંબંધ સરળતાથી છૂટો પડે તેવી ભૂમિકા બંધાય. સાથે સાથે આ ધ્વનિ તરંગોથી સૂક્ષ્મતામાં રહેલું અસ્તિત્વ નકારાત્મકતા સરળતાથી છોડી શકે - તેની સાથે વણાયેલા બંધનો ક્ષીણ થતા જાય. ગાયત્રી મંત્રના આધ્યાત્મિક-વિજ્ઞાનથી સ્થપાયેલા ધ્વનિ તરંગો અંતે આત્માના પ્રત્યેક આવરણનો ક્રમશઃ નાશ કરે અને “જીવડાની મોક્ષ ગતિ” થાય.

છેલુકી વેળા વખતે - જિંદગીની છેલ્લી ક્ષણે જાતે તો બોલી શકાશે નહીં. જ્યારે ઇન્દ્રિયો શિથિલ થઈ ગઈ હોય, જ્યારે શરીર કોઈપણ પ્રકારનો પ્રતિભાવ આપવા સમર્થ ન હોય, જ્યારે જ્યાં ચૈતન્ય અને દેહ ભિન્ન ભિન્ન અનુભવાતા હોય, દેહ જ્યારે નિયંત્રણમાં ન હોય પણ હજુ દેહભાવ થોડો ઘણો પ્રવર્તમાન હોય, બધી જ ઈચ્છાઓ પૂર્ણ થાય તે પ્રમાણેની ઈચ્છા બાકી રહી હોય, જડ શરીરની વિવશતાની જ્યારે પ્રતીતિ થતી હોય ત્યારે ગાયત્રી સંભળાવવા માટે અન્યને જ વિનંતી કરવી પડે.

મંત્રોમાં “રામ” નામનો મહિમા છે. “રામ” નામના ઉચ્ચારણ વખતે જે “ધ્વનિ” ઉદભવે તે શરીરની કેટલીક નાડીઓને ચેતનવંતી કરી દે. આ ધ્વનિમાં અપાર ક્ષમતા છે. જ્યારે આ ધ્વનિ સર્વત્ર પ્રસરે ત્યારે તેને બોલનાર અને સાંભળનાર બંનેને તેની હકારાત્મક અસર થાય. એ વાત સ્વાભાવિક છે કે આ ધ્વનિ ગળાની અંદર ઘૂંટાતો હોવાથી બોલનારને વધુ ફાયદો રહે. આવું જ કંઈક છંદમાં શક્ય બને છે. કવિતાની દ્રષ્ટિએ છંદ રચનામાં લાલિત્ય લાવવા માટેની એક ઘટના છે જ્યારે આધ્યાત્મિકતાના ક્ષેત્રમાં તે અન્ય પ્રકારની હકીકત છે. છંદમાં વિવિધ પ્રકારના ધ્વનિને એક ચોક્કસ ક્રમમાં ગોઠવવામાં આવે છે. આ પ્રત્યેક ધ્વનિ માટે એક સમયગાળો પણ નિર્ધારિત હોય છે. આ સમયગાળા પછી તરત આવતો અન્ય ધ્વનિ સંયુક્ત રીતે એક આધ્યાત્મિક અસર છોડે. અહીં શબ્દોનું મહત્વ ઓછું છે, છતાં પણ શબ્દોનું કાળજીપૂર્વક ચયન થતું હોય છે. અમુક લોકો માટે શબ્દ અને તેનો અર્થ જરૂરી છે. જાે શબ્દો અને તેનો અર્થ લોકોને સ્વીકાર્ય ન હોય, અથવા તે મૂંઝવણ ભરેલી સ્થિતિ તરફ લઈ જતો હોય, અથવા તેમાં ક્યાંક દેખીતો વિરોધાભાસ હોય, અથવા તે સ્થાપિત ધાર્મિકતાના નિયમોને અનુરૂપ ન હોય અથવા તે શાસ્ત્રને આધારિત પસંદ કરાયેલા ન હોય તો તે સમગ્ર છંદ અંતે અસ્વીકૃત અને અપ્રસ્તુત બની જાય છે. આમાં છંદની રચના પાછળનો મૂળ હેતુ નાશ પામે. તેથી શબ્દોના ચયનને મહત્વ મળે છે, પણ સાચું મહત્વ તો ધ્વનિ-તરંગોનું છે. આવા અધ્યાત્મિક-વૈજ્ઞાનિક કારણોસર છેલુકી વેળાએ - અંત સમયે ગાયત્રી સાંભળવી પડે, ગાયત્રી સાંભળવી જ પડે.

જેસલ જાડેજાે સતી તોરલને આ વાત કહે છે કે “છેલુકી વેળાની સતી રાણી ગાયત્રી સંભળાવજાે, જે જીવડાની મોક્ષ ગતિ થાય”. જેસલ તોરલની સાધના નિરાકારની હતી. તેઓ બાજાેઠ ઉપર દીવો મૂકી “પાટ-પૂજા” કરતા. અહીં ધ્વનિ તરંગોથી શરીરની ભિન્ન ભિન્ન નાડીઓને સ્પંદિત કરી તથા વિવિધ પ્રકારના પવનોનું નિયમન કરી મુક્તિ તરફની ગતિ શરૂ કરાય છે. આ સમગ્ર પ્રક્રિયામાં સ્વાભાવિક રીતે પ્રાણાયામ અને ધ્વનિ નું મહત્વ હોય. ગાયત્રી મંત્ર-ધ્વનિ સાથે આ બંને જાેડાયેલા છે અને તેથી આ પ્રકારની સાધનામાં ગાયત્રી મંત્રનું આગવું મહત્વ છે.

વિશ્વામિત્ર દ્વારા ગાયત્રી મંત્રનો પ્રાદુર્ભાવ કરાયો હતો. માનવજાતના ઇતિહાસનો આ એક અગત્યનો મુકામ છે. વિશ્વામિત્ર પાસે જે સિદ્ધિ હતી, સિદ્ધિ માટેની જે સમજ હતી અને સિદ્ધતા માટે તેમની જે દ્રષ્ટિ હતી તે બધું જ એમણે એક મંત્રમાં સમાવી લીધું હોય તેમ જણાય છે. તેઓની આરાધના ઈશ્વર માટે ન હતી. તેઓ દરેક વ્યક્તિને બ્રહ્મસ્વરૂપ જાેતા હતા અને સ્વયંના તે સ્વરૂપની પ્રતીતિ માટે તેઓએ આ એક માર્ગ નું નિર્ધારણ કરેલું. ગાયત્રી માતા તરીકે, ગાયત્રી મંત્ર તરીકે, ગાયત્રી છંદ તરીકે કે ગાયત્રી શક્તિ તરીકે આ જ સત્યનું પ્રતિપાદન કરે છે.

જિંદગીની અંતિમ ક્ષણોમાં બોલવાની ક્ષમતા તો ન હોય પણ છેલ્લી વેળાએ સાંભળવાની થોડીઘણી ક્ષમતા તો શેષ રહી જ હોય. અને તેથી જેસલ જાડેજાે અહીં ગાયત્રી સંભળાવવાની વાત કરે છે. છેલ્લી ઘડીએ કર્ણપટલ પર અથડાયેલા કેટલાક સ્પંદનો ચમત્કારિક પરિણામ આપી શકે. ગાયત્રી મંત્ર-છંદ સાથે સ્થાપિત આ સત્યને કારણે જ વિભૂતિ યોગમાં શ્રીકૃષ્ણએ “છંદોમાં ગાયત્રી હું છું” એમ જણાવ્યું હશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution