દવાખાનાનાં વેઇટિંગ રૂમમાં હું બેઠી હતી. મંજુના વિચારો મને જકડી રહ્યા હતાં. અમારા બંનેના લગ્ન સાથે જ થયા હતાં. મંજુને દિકરો-દિકરી તો હતા અને આ વખતે ત્રીજી વખત પેટથી હતી. જ્યારે મારો તો હજી ખોળો જ નો'તો ભરાયો. આ વખતે આશા બંધાણી હતી. રિપોર્ટની રાહ જાેઈને બેઠી હતી. મારું મન ભૂતકાળના ચકડોળમાં આંટો મારવા લાગ્યું.. દુદાકાકાની મંજુ અને હું પાક્કી બે'નપણ્યું, આખા ગામમાં મંજુ- રેખલીની જાેડી કે’વાતી. અમે દરેક જગ્યાએ સંગાથે જ હોયે. જાણે કોકે છેડાછડી ન બાંધી હોય એમ!
સાતમાં ધોરણમાં ભણતા ત્યારે પર્યાવરણ દિવસ નિમિત્તે શાળામાંથી બધાને એક એક ફૂલછોડના રોપા આપ્યા, મેં અને મંજુએ એક સરખા જ છોડ પસંદ કર્યા, લીંબુડી. અને ઘરે લાવીને પોતપોતાના ફળિયામાં મસ્ત મજાની ક્યારી બનાવી રોપીને જીવની જેમ જતન કરવા માડ્યું. દરરોજ ભેગ્યું થાયે એટલે એકબીજાને પૂછ્યે, “તારી લીંબુડીને એક્ય નવું પાન આવ્યું કે?” અને એકબીજાની લીંબુડી જાેઈને સરખામણીય કરતાં.
ધીરેધીરે પાંચ-છ વર્ષમાં બંને લીંબુડી ઘટાદાર બની ગઈ, અમારી બંનેની જેમ! અને અમે બંને આ ઘટાદાર લીંબુડી જાેઈને વાતુંય કરત્યું કે, “ઓણ સાલ તો ફુલ બેઠવા જ જાેઈએ.” અને બેઠ્યા પણ ખરા; પણ ખાલી મંજુની લીંબુડીમા જ. એ જાેઈને હું મારી લીંબુડીની ડાળી ડાળી ફરી વળી પણ મને કયાંય ફુલ દેખાણું જ નહીં. મેં નિરાશ થઈને બાને પૂછ્યું, તો બાએ મને સમજાવી, “કો'કને મોડા તો કો'કને વે'લા ફુલ ખીલે એમા નિરાશ થોડંુ થવાય; ધીરજ રખાય, બેટા.” પછીના ત્રણ વર્ષ લગી મારી લીંબુડીને ફુલ જ ન બેઠાં. જ્યારે મંજુની લીંબુડીમાં તો દર વર્ષે લીંબુ આવવા લાગ્યાં. ચોથા વર્ષે મારી લીંબુડીમાં છેલ્લા ત્રણ વર્ષનું સાટુ કાઢી નાખે એટલા ફૂલ આવ્યાં. અને લીંબુની તો વાત જ ન પૂછો.
"રેખાબેન.....” મારું નામ બોલાતા હું ભૂતકાળના ચકડોળમાંથી નીકળી ડૉકડરના કેબીનમાં આવી.
મને જાેઈને ડૉકટર બોલ્યાં,“અભિનંદન, રેખાબેન.” આ સાંભળીને મારો ચહેરો પે'લી વખત મારી લીંબુડીમાં ફૂલ આવ્યાને ખીલી ઉઠ્યો હતો એ સરીખો જ અત્યારે ખીલી ઉઠ્યો.