વિધાનસભાના બજેટ સત્રઃ રોજગારી મુદ્દે ફરી એકવાર ભાજપ-કોંગ્રેસ આમને સામને

ગાંધીનગર-

રાજ્ય સરકારની મહત્વની સેવાઓ ફિક્સ પે અને કોન્ટ્રાકટ આધારિત હોવાથી યુવાનોને અન્યાય થયાનો વિપક્ષ નેતાનો આરોપ. વિધાનસભાના બજેટ સત્રના પ્રશ્નોતરી કાળ દરમિયાન વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ આઉટસોર્સિંગ મુદ્દે સરકારની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા. જિલ્લાઓમાં સરકારી હોસ્પિટલોમાં ખાલી જગ્યાઓ મામલે સરકારના જવાબ બાદ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ આરોપ લગાવ્યો હતો કે સરકારની મોટાભાગની સેવાઓમાં કર્મચારીઓ આઉટસોર્સિંગ, કોન્ટ્રાકટ કે ફિક્સ પે આધારિત છે અને સરકાર સીધી ભરતી કરવાથી દૂર ભાગી રહી છે. રૂપાણી સરકારમાં ૬.૫ લાખથી વધુ કર્મચારીઓ ફિક્સ પે, આઉટસોર્સિંગ કે કોન્ટ્રાક્ટ આધારિત કામ કરતા હોવાનો વિપક્ષ નેતાનો દાવો.

સરકાર સીધી ભરતીના દાવાઓ કરે છે પરંતુ ફિક્સ પે અને આઉટસોર્સિંગના કારણે યુવાનોનું શોષણ થાય છે અને તેમને અન્યાય થઈ રહ્યાનો વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ આરોપ લગાવ્યો. જેના કારણે ગૃહના નેતા અને મુખ્યમંત્રી રૂપાણીએ વાંધો ઉઠાવ્યો અને વિપક્ષ નેતા બે બાબતો ભેગા કરી રહ્યાનો આરોપ લગાવ્યો. મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે કોંગ્રેસના શાસનમાં તો ભરતી પ્રક્રિયા બંધ થઈ ગઈ હતી પણ ભાજપ સરકારે આ ભરતી પ્રક્રિયા શરૂ કરી અને લાખો યુવાનોને રોજગારી આપી છે. સરકારે દસ વર્ષનું ભરતી કેલેન્ડર બનાવવામાં આવ્યું છે જેના આધારે તમામ વિભાગોમાં ભરતી પ્રક્રિયા કરવામાં આવી રહી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ દાવો કર્યો કે જે વધારાની સેવાઓ હોય છે તેમાં જ સરકાર કોન્ટ્રાકટ કે આઉટસોર્સિંગનો સહારો લે છે. બાકી તમામ વિભાગોમાં સીધી ભરતી કરી છે અને યુવાનોને રોજગારી આપી છે. આમ આજે ફરી એકવાર સરકાર અને વિપક્ષ રોજગારી મુદ્દે આમને સામને આવ્યા હતા પણ વિપક્ષના તમામ આરોપો અને દાવાઓને સરકારે ફગાવ્યા હતા.


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution