કાઠમાંડુ-
ભારત અને નેપાળને લઇ તણાવ ચાલી રહ્યો છે. તેની વચ્ચે નેપાળે દૂરદર્શનને છોડી દરેક ભારતીય ન્યૂઝ ચેનલના પ્રસારણ પર રોક લગાવી દીધી છે. મલ્ટી સિસ્ટમ ઓપરેટરના અધ્યક્ષ, વિદેશી ચેનલના વિતરક દિનેશ સુબેદીએ ત્યાંના મીડિયાકર્મીઓને જણાવ્યું કે, અમે દૂરદર્શનને છોડીને દરેક ભારતીય સમાચાર ચેનલોના પ્રસારણ પર રોક લગાવી દીધી છે.
ભારતની ખાનગી સમાચાર ચેનલોના પ્રસારણ પર રોક લગાવી દીધી છે. કારણ કે તેઓ નેપાળની રાષ્ટ્રીય ભાવનાઓને નુકસાન પહોંચાડનારી ખબરો દેખાડી રહ્યા હતા. જોકે, ઉપ પ્રધાનમંત્રી અને સત્તારૂઢ નેપાળ કમ્યુનિસ્ટ પાર્ટીના પ્રવક્તા નારાયણ કાજીએ કહ્યું કે, નેપાળ સરકાર અને અમારા પ્રધાનમંત્રી સામે ભારતીય મીડિયા દ્વારા આધારહીન પ્રચારે દરેક હદો વટાવી દીધી છે. આ ખૂબ જ વધારે થઇ રહ્યું છે. બકવાસ બંધ થાય.
આ મુદ્દાને લઇ ભારત તરફથી હાલમાં કોઇ પ્રતિક્રિયા આવી નથી. ઘટનાક્રમ અંગે જાણકારી રાખનારા સૂત્રોનું કહેવું છે કે, દિલ્હીમાં નેપાળી દૂતાવાસે ભારત સરકારને ભારતીય ચેનલો દ્વારા નેપાળના રાજનીતિક ઘટનાક્રમને લઇ કરવામાં આવી રહેલી કવરેજ પર પોતાના નજરિયા અંગે જાણ કરાવી દીધી છે. નેપાળે આ પગલું એવા સમયે લીધું છે, જ્યારે ચીનના કહેવા પર નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ ભારતને ઉશ્કેરનારા પગલા ઉઠાવ્યા છે.
નેપાળના વડાપ્રધાન ભારત પર તેમની સરકાર તોડવાનો આરોપ પણ લગાવી ચૂક્યા છે. તેમણે કહ્યું હતું કે, નેપાળનો નવો નક્શો બહાર પાડ્યા પછી તેમને સત્તામાંથી કાઢી નાખવાનું કાવતરું રચવામાં આવી રહ્યું છે. નવી દિલ્હીમાં ચાલી રહેલી ચર્ચાઓ, દિલ્હીની મીડિયા, એમ્બેસીની ગતિવિધિ અને કાઠમાંડૂની જુદી જુદી હોટલોમાં બેઠકોને જોતા સમજવું અઘરું નથી કે લોકો મને બહાર કાઢવા માટે કઇ રીતે સક્રિય થઈ ગયા છે. પણ તેઓ સફળ થશે નહીં. નેપાળની રાષ્ટ્રીયતા નબળી નથી. કોઇએ પણ એ નહીં વિચાર્યું હોય કે નક્શાને છાપવા માટે કોઇ પ્રધાનમંત્રીને પદથી હટાવવા માટે ષડયંત્ર રચવામાં આવશે.