શાસ્ત્રી રાજદીપ જોશી જણાવે છે કે, એક વખત પરમપિતા ભગવાન શિવે જગતના કલ્યાણ માટે હજારો વર્ષ તપ કર્યું અને એક વખત તેમનું મન દુખી થયું અને જ્યારે તેમણે આંખો ખોલી તો આંસુની બુંદ નીકળી અને જમીન પર પડી. એમાંથી એક વૃક્ષની ઉત્પત્તિ થઇ જે વૃક્ષ રુદ્રાક્ષનું હતું. રુદ્રાક્ષ શ્રાવણ માસના સોમવારે અથવા પૂનમ, શિવરાત્રી, ગુરુપુષ્ય નક્ષત્ર અથવા અગિયારસના દિવસે ધારણ કરવો શુભ છે.
રુદ્રાક્ષ ધારણ કરવાના નિયમ
શાસ્ત્રોમાં રુદ્રાક્ષના શુભ ફળ અને પ્રભાવ માટે ખાન-પાન અને વ્યવહાર સાથે જોડાયેલી કેટલીક બાબતોનું પાલન કરવું પણ જરૂરી માનવામાં આવ્યું છે નહીંતર તે શુભ ફળ આપવાની બદલે અદૃશ્ય દોષ આપવા લાગે છે. આથી રુદ્રાક્ષ ધારણ કર્યા બાદ માંસ-મદિરાનો ત્યાગ કરવો, લસણ-ડુંગળીનો ત્યાગ કરવો, સત્યનું આચરણ કરવું, ખોટી સોબતથી બચવું.
સાચો રુદ્રાક્ષ હોય તે પાણીમાં ડૂબી જાય છે
સાચો રુદ્રાક્ષ છે તે પાણીમાં ડૂબી જાય છે આ ઉપરાંત બે ત્રાંબાના પૈસા વચ્ચે રુદ્રાક્ષ રાખી અને દબાવવાથી તે વચ્ચે ફરે છે. આમ બંનેમાંથી એક પરીક્ષણ કરીને જ રુદ્રાક્ષની ખરીદી કરવી. રુદ્રાક્ષને નીચે જમીન પર ક્યારેય ન મૂકવો અને અપવિત્ર જગ્યાએ ન મૂકવો.
રુદ્રાક્ષની માળા
1. જો જાપ માટે અથવા તો ગળામાં ધારણ કરવા માટે રુદ્રાક્ષની માળા સિદ્ધ કરવી હોય તો તેને પહેલા પંચગવ્યમાં ડુબાડી રાખો.
2. ત્યારબાદ માળાને ગંગાજળ કે પછી શુદ્ધ જળથી ધોઈ લો.
3. દરેક મણકા પર “ઈશાનઃ સર્વભૂતાનાં” મંત્ર 10 વખત બોલો.
4. માળાના સુમેરુ પર “અઘોરે ભો ત્ર્યંબકમ્” મંત્ર 10 વખત બોલો.
5. માળા ધારણ કરવા માટે સિદ્ધ કરી હોય તો તેને પગે લાગીને પહેરી લો.
6. જો માળા જાપ માટે સિદ્ધ કરી હોય તો હંમેશા પગે લાગ્યા બાદ જ આ માળાથી મંત્રજાપ કરો.
જાપ માટેની માળા ક્યારેય ગળામાં ધારણ ન કરવી અને જે માળા ગળામાં ધારણ કરી હોય તેનાથી ક્યારેય મંત્રજાપ ન કરવા.
એક રુદ્રાક્ષ
1. જો એક રુદ્રાક્ષ પૂજાસ્થાનમાં રાખવો હોય તો તેને પણ પૂજામાં મૂકતા પહેલાં સિદ્ધ કરો.
2. રુદ્રાક્ષને પંચગવ્યથી સ્નાન કરાવો. ત્યારબાદ ગંગાજળથી તેને શુદ્ધ કરો.
3. રુદ્રાક્ષની શોડશોપચાર પૂજા કરો. પછી તેને ચાંદીની ડબ્બીમાં રાખો.
4. આ રુદ્રાક્ષ પર નિત્ય અથવા તો મહિને એકવાર અત્તરના બે ટીપા નાંખો.
5. હાથમાં દર્ભ લઈને તેનો રુદ્રાક્ષને સ્પર્શ કરો અને પછી ઈચ્છિત ઈષ્ટમંત્રનો જાપ કરો. આ વિધિથી શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થવાની માન્યતા છે. કહે છે કે રુદ્રાક્ષને સિદ્ધ કરવું બિલ્કુલ પણ મુશ્કેલ નથી. પરંતુ, આ સિદ્ધીને અકબંધ રાખવી મુશ્કેલ છે. જો ઘરમાં દુરાચાર, અનાચાર, વ્યભિચાર, નિંદા થતા હોય કે પછી અસત્ય શબ્દો બોલાતા હોય તો રુદ્રાક્ષની સિદ્ધિ ધીમે ધીમે ઘટવા લાગે છે. તો રુદ્રાક્ષ ધારણ કર્યા બાદ કે ઘરમાં સ્થાપ્યા બાદ આ વાતનું પણ જરૂરથી ધ્યાન રાખો.