વડોદરા, તા.૧૪
વડોદરા શહેર અને જિલ્લાની આસપાસનો ઈન્ડસ્ટ્રીયલ વેસ્ટ લઈને જતી વડોદરા એન્વીરો ચેનલ લિ.ની ચેનલ અનેક સ્થળે લીકેજ થતાં તે જગ્યાએ પાઈપલાઈન નાખવામાં આવી છે. પાદરા તાલુકાના લુણા, દૂધવાડા ગામે તેમજ અન્ય કેટલાક સ્થળે આ પાઈપલાઈન પણ લીકેજ થતાં તેના કેમિકલયુક્ત પાણી જમીનમાં ઉતરી રહ્યા છે. આ અંગે પર્યાવરણ સુરક્ષા સમિતિ દ્વારા જીપીસીબીને રજૂઆત કરી કાર્યવાહી કરવાની માગ
કરી છે.
કેમિકલયુક્ત પાણી સીધું ઠાલવવાના કારણે મહિસાગર નદી પ્રદૂષિત બની છે અને તેના કારણે નદીકાંઠાના પાદરા તાલુકાના અનેક ગામોના ગ્રાઉન્ડ વોટર પણ પ્રદૂષિત થયા છે. આ અંગે ગ્રામજનો, પર્યાવરણવાદીઓએ અનેક રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરાઈ નથી અને મહિનદીમાં કેમિકલયુક્ત પાણીના કારણે અનેક વખત નદીમાં ફીણ બાઝેલું જાેવા મળે છે. જાે કે, વડોદરાની આસપાસ આવેલ નંદેસરી એસ્ટેટ સહિત કંપનીનું ઈન્ડસ્ટ્રીયલ કેમિકલ વેસ્ટ ટ્રીટ કરીને ઠાલવવા માટે વડોદરા એન્વીરો ચેનલ કંપની બનાવવામાં આવી છે અને આ વેસ્ટ લઈ જવા માટે પપ.૬ કિ.મી.ની ચેનલ બનાવવામાં આવી છે પરંતુ ચેનલ અનેક જગ્યાએ લીક થતાં અને ચોમાસામાં ઓવરફલો થતાં આસપાસના ખેતરોમાં કેમિકલયુક્ત પાણી ફરી વળવાની ઘટનાઓ પણ બની છે.
પરંતુ ચેનલ લીક થતાં કેટલીક જગ્યાએ પાઈપલાઈન નાખવામાં આવી છે. ત્યારે હવે પાદરા તાલુકાના લુણા, દૂધવાડા ગામ ઉપરાંત અનેક સ્થળે આ પાઈપલાઈન પણ લીકેજ થતાં કેમિકલયુક્ત પાણી સીધા જમીનમાં ઉતરી રહ્યા છે. ત્યારે પર્યાવરણ સુરક્ષા સમિતિ દ્વારા જીપીસીબીને પત્ર લખી આ અંગે ત્વરિત કાર્યવાહી કરી વડોદરા એન્વીરો ચેનલ કંપની સામે કડક પગલાં લેવા માગ કરી છે.