રાજકોટ-
ગત ફેબ્રુઆરી મહિનામાં રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં 72 બેઠક માંથી 68 બેઠક ભાજપને મળી હતી. જ્યારે 4 બેઠકમાં કોંગ્રેસને મળી હતી. જેને લઈને રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપનું શાસન આવ્યું હતું. ત્યારે શાસક પક્ષ દ્વારા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી, પરંતુ વિપક્ષ દ્વારા વિરોધ પક્ષના નેતાની નિમણૂક કરવામાં આવી નહોતી. જે સોમવારે રાત્રે જાહેર કરવામાં આવ્યા છે.
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાયા બાદ મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન સહિતના પદાધિકારીઓની નિમણૂક શાસન પક્ષ દ્વારા કરવામાં આવી હતી, પરંતુ મ.ન.પા.ના વિપક્ષી નેતા તરીકે કોઈની નિમણૂક કરાઈ નથી. ત્યારે સોમવારે પ્રદેશ કોંગ્રેસ દ્વારા ભાનુબેન પ્રવીણભાઈ સોરાણીની નિમણૂક કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ મ.ન.પા.ની ચૂંટણીમાં કોંગ્રેસના 4 કોર્પોરેટરો ચૂંટાયા છે. ત્યારે હવે રાજકોટ મ.ન.પા.ને વિપક્ષી નેતા મળી ગયા છે.