વિપક્ષ નેતા પરેશ ધાનાણીનો નીતિન પટેલને પત્ર, આરોગ્ય કર્મચારી સામે કાર્યવાહીની વાત શરમજનક

ગાંધીનગર-

તાજેતરમાં પંચાયત સેવા હેઠળના આરોગ્ય કર્મચારીઓ તેમની માંગણીઓ સાથે અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા હતા. તેમને આરોગ્ય કમિશનરે તેઓની મૂળભૂત ફરજના સ્થળે તાત્કાલિક બિન શરતી હાજર થવાનું જણાવ્યું હતુ. જાે આમ નહીં થાય તો તેઓની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. આ સંબંધમાં રાજ્યના વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પંચાયત સેવા હેઠળના આરોગ્ય કર્મચારીઓ એવા કોરોના વોરિયર્સને દંડવાના બદલે તેમની માંગણીઓ સ્વીકારવા માટેની ભલામણ કરતો પત્ર નાયબ મુખ્યમંત્રી તથા આરોગ્ય મંત્રી નીતિન પટેલને પત્ર લખ્યો છે. વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ નાયબ મુખ્યમંત્રીને ઉદ્દેશીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, તાજેતરમાં પંચાયત સેવા હેઠળના આરોગ્ય કર્મચારીઓ તેમની માંગણીઓ પુરી કરવાની માંગ સાથે અચોક્કસ મુદતની હડતાલ પર ગયા હતા.

તેમની સામે આરોગ્ય કમિશનરે ૧૮મી જાન્યુઆરીએ પંચાયત સેવા હેઠળના આરોગ્ય કર્મચારીઓને તેઓની મૂળભૂત ફરજના સ્થળે તાત્કાલિક બિન શરતી હાજર થવા જણાવ્યું હતું. નહીં તો આદેશનું પાલન નહીં કરનારા સામે ધ એપીડેમિક ડીસીઝ એક્ટ ૧૮૯૭ના જાહેરનામાની જાેગવાઇ મુજબ કાર્યવાહી કરવા હુક્મ કર્યો હતો. આ અંગે ધાનાણીએ વધુમાં કહ્યું છે કે, આ એ જ કોરોના વોરિયર્સ છે જેમણે દિવસ-રાત જાેયા વગર જીવના જાેખમે કોરોના સામે ઢાલની જેમ ઊભા રહીને ફરજ બજાવી હતી. આ કોરોના વોરિયર્સના સન્માનના કાર્યક્રમો રાજય સરકાર દ્વારા યોજવામાં આવ્યા હતા. આ કોરોના વોરિયર્સ આજે જયારે તેમની માંગણીઓ પુરી કરવા, પોતાના અધિકાર મેળવવાની વાતો કરે છે ત્યારે તેમની સામે ધ એપીડેમિક ડીસીઝ એક્ટ -૧૮૯૭ના જાહેરનામાની જાેગવાઇ મુજબ કાર્યવાહી કરવાના હુક્મ કરવામાં આવે છે.

પંચાયત સેવાના આરોગ્ય કર્મચારીઓ જેવા કે સ્ટાફ નર્સ સહિત અન્યોના ગ્રેડ પે સુધારવા, પંચાયતા સેવાના ફાર્માસીસ્ટને એઆઇસીટીઇ મુજબ ટેકનીકલ કેડર હોવાથી હાલના આરઆર મુજબ છઠ્ઠા પગાર પંચ મુજબનો ૪૬૦૦ ગ્રેડ પે આપવા તેમ જ આરોગ્યના મેડિકલ પ્રભાગના લેબટેકના આર.ઓ.પી. ૧૯૮૭થી પગારપંચ મુજબ ૧૪૦૦-૨૩૦૦ના બદલે ૧૪૦૦-૨૬૦૦નું પગારધોરણ સુધારવામાં આવેલ છે. તે મુજબ પંચાયત સેવાના લેબટેકને પણ આપવામાં આવે. તેમ જ આરોગ્ય કર્મચારીઓને ૮ કિ.મી. નીચેની ફેરણીનું ક્ષેત્રીય ભથ્થું ચુકવવા જેવા જે પ્રશ્નો છે. કોરોના મહામારી વખતે જાનનું જાેખમ ખેડીને ફરજ બજાવનારા આરોગ્ય કર્મચારીઓ પ્રત્યે સહાનુભૂતિ દાખવી રાજય સરકારે તેઓની માંગણીઓને તાત્કાલિક સ્વીકારી તેમને ફરજ પર હાજર કરવા જાેઇએ તેના બદલે તેમની સામે કાર્યવાહી કરવાની વાત સરકાર માટે શરમજનક છે. જેથી આ કર્મચારીઓની માંગણીઓ તાત્કાલિક સ્વીકારીને તેમને ફરજ પર હાજર કરવા જરૂરી કાર્યવાહી કરવા ભલામણ કરી છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution