શ્રી કૃષ્ણના અંતિમ સમયની કુંડળી

શ્રાદ્ધના દિવસો ચાલી રહ્યા છે. શ્રાદ્ધ એટલે પિતૃઓમાં શ્રદ્ધા! તેમના આત્માઓ અવગતે ના જાય અથવા તેમની કોઈ તૃષા અતૃપ્ત ના રહી જાય તે માટે જે તર્પણ કરવું તેનું નામ શ્રાદ્ધ! હવે એક સવાલ. તમને તમારા પિતૃઓમાં ગમે તેટલી શ્રદ્ધા હોય તો પણ તમે ક્યારેય કોઈ પિતૃના મૃત્યુ સમયની કુંડળી કઢાવી છે? તેમના અંતિમ સમયની કુંડળી કઢાવીને એ જાેવાનો પ્રયાસ કર્યો છે કે તેમની કેવી ગતિ થઇ હશે?

 હું જૈન છું. જૈન જ્યોતિષનો મને સારો એવો અભ્યાસ છે. જૈન સાધુઓને જૈન જ્યોતિષ શીખવવાનો તેમજ આચાર્ય ભગવંતો સાથે જૈન જ્યોતિષની વિશદ ચર્ચા કરવાનો લાભ મને મળતો રહ્યો છે. ક્યારેક કોઈ જૈન સાધુ કાળધર્મ પામે છે ત્યારે તેમના ગુરુ મારી પાસે તે સાધુની મૃત્યુ સમયની કુંડળી તૈયાર કરાવે છે અને તેના પરથી અમે એ કયાસ કાઢવાનો પ્રયાસ કરીએ છે કે તે કઈ ગતિને પામ્યા હશે.

 પરંતુ ક્યારેય કોઈ સંસારીની મૃત્યુ સમયની કુંડળી કાઢવાનો પ્રસંગ હજુ સુધી નથી બન્યો. જાે કે આજે આપણે એક એવા અવતારી પુરુષની કુંડળી જાેઈશું જેમની જન્મકુંડળી તો ઉત્તમ હતી જ પરંતુ તેમના મૃત્યુ સમયની કુંડળી પણ અસાધારણ હતી. એ છે પુરુષોત્તમ શ્રી કૃષ્ણ! આપણે જન્માષ્ટમીના અવસરે કૃષ્ણની જન્મકુંડળી જાેઈ હતી. હવે જાેઈએ તેમના મૃત્યુના સમયની કુંડળી. અહીં તે કુંડળી આપી છે.

 કૃષ્ણનું મૃત્યુ અમાસના દિવસે કાલસર્પયોગમાં થયું. અમાસના કાલસર્પયોગે તેમને કુદરતી મૃત્યુને બદલે એક પારધીના તીર દ્વારા મૃત્યુ અપાવ્યું. મૃત્યુના સમયે શનિ અને રાહુ સિવાયના બધા ગ્રહો નવમા ભાગ્યસ્થાન તથા દસમા કર્મસ્થાનમાં હતા. તેમાં નવમેશ ગુરુ અને દસમેશ મંગળ વચ્ચે પરિવર્તનયોગ થતો હતો. આપણે પ્રભુની જન્મકુંડળીના અભ્યાસ દરમ્યાન જાેયું હતું કે તેમાં ગુરુ તથા મંગળની સ્થિતિ તેમના મોત માટે જવાબદાર હતી. હવે એ જુઓ કે તેમના મૃત્યુના સમયે આ બંને ગ્રહોનો પરિવર્તનયોગ થઈ રહ્યો છે.

 એક બીજાે પરિવર્તનયોગ પણ જુઓ. સૂર્ય મેષ રાશિમાં અને શુક્ર મીન રાશિમાં ઉચ્ચનો બને છે. અહીં કુંડળીમાં શુક્ર મેષ રાશિમાં અને સૂર્ય મીન રાશિમાં છે. આમ બંને ગ્રહોનો પરસ્પરની ઉચ્ચ રાશિ સાથે પરિવર્તનયોગ બને છે. આ રીતે કોઇ એક જ કુંડળીનાં બે સ્થાનો વચ્ચે એક સાથે બે બે પરિવર્તનયોગ બનતા હોય તેવું ભાગ્યે જ બને છે અથવા કૃષ્ણ જેવા પુરુષોત્તમની કુંડળીમાં જ બને છે.

 હવે એ જુઓ કે કુંડળીના દસમા સ્થાનમાં મોક્ષનો કારક કેતુ ગ્રહ ગુરુ તથા શુક્ર જેવા શુભ ગ્રહોની સાથે બિરાજી રહ્યો છે. આ બંને ગ્રહો પરિવર્તનયોગ પામેલા છે. તેમાં ગુરુ મંગળની સાથે પરિવર્તનયોગ કરીને માંગલ્યયોગ રચે છે તો શુક્ર સૂર્યની સાથે એટલે કે આત્માના ગ્રહની સાથે ઉચ્ચની રાશિનો પરિવર્તનયોગ કરે છે. આ બંને યોગ આત્માની અતિ શુભ ગતિનો નિર્દેશ કરે છે.

 આમ કેતુ, ગુરુ, મંગળ, સૂર્ય અને શુક્ર આ પાંચે ગ્રહો દર્શાવે છે કે પ્રભુ આત્માની ઉચ્ચ ગતિ એટલે કે ઉત્તમ દેવલોકને પામ્યા છે. મૃત્યુના સમયે આઠમા(મૃત્યુ)ના સ્થાનમાં સ્વગૃહી શનિ બિરાજેલો છે. એ પણ દર્શાવે છે કે મૃત્યુ પછી પ્રભુ સ્વગૃહે એટલે કે દેવલોકમાં જ ગયા છે.

 આમ પ્રભુના જન્મ સમયની કુંડળી જેટલી જ ઉત્તમ કુંડળી મૃત્યુ સમયની પણ હતી. આ બંને કુંડળીઓમાં ગ્રહો જે રીતે ગોઠવાયેલા છે તે દર્શાવે છે કે જ્યોતિષશાસ્ત્ર એ સાવ સાચું શાસ્ત્ર છે. તે સામાન્ય માનવોની કુંડળીમાં ગ્રહોના સામાન્ય યોગો દર્શાવે છે તો યુગોમાં એકાદ વાર જ અવતાર લેતી વ્યક્તિના ગ્રહોને વિશિષ્ટ રીતે દર્શાવે છે. અવતારી પુરુષો ગ્રહોની અમુક ચોક્કસ સ્થિતિમાં જ અવતાર ધારણ કરતા હોય છે!

 જૈન જ્યોતિષ આ સત્યને સદાય વિશિષ્ટ રીતે રજુ કરે છે. આપણે કૃષ્ણની જન્મકુંડળીમાં ચાર ગ્રહો ઉચ્ચના જાેયા હતા. જૈન જ્યોતિષ કહે છે કે તીર્થંકર ભગવંતોની કુંડળીમાં બધા જ ગ્રહો ઉચ્ચના હોય છે! મર્યાદા પુરુષોત્તમ રામ અને તીર્થંકર મહાવીર સ્વામીની કુંડળીઓમાં તમને ઘણી સામ્યતાઓ જાેવા મળશે. જૈન જ્યોતિષ આ સિવાય પણ અનેક વિશેષતાઓ તથા વિશિષ્ટતાઓ ધરાવે છે. તેની મદદથી વધુ સાચી તથા સચોટ આગાહીઓ કરી શકાય છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution